Dakshin Gujarat

લીંડિયાતમાં બાઈકચાલકે અડફેટે લીધા બાદ રાહદારી પરથી ટ્રક ફરી વળતાં મોત

હથોડા: પાલોદ પોલીસ ચોકી હદ વિસ્તારના લીંડિયાત ગામે બાઇકચાલકે એક રાહદારીને અડફેટે લઇ જમીન પર પાડી નાંખતા જમીન પર પડી ગયેલા યુવાન ઉપર ધસી આવેલી ટ્રકના તોતિંગ પૈડાં રાહદારી ઉપર ફરી વળતાં ઘટના સ્થળે જ મોત થયું હતું.

લીંડિયાત નજીક રહેતો પરપ્રાંતીય શ્રમિક યુવાન સર્વજીતકુમાર શિવજીસિંહ પગપાળા પસાર થઈ રહ્યો હતો. ત્યારે જીજે 19 બીએફ 2350 નંબરની મોટરસાઇકલના ચાલકે અડફેટે લેતાં ચાલક અને રાહદારી બંને જણા રોડ ઉપર પટકાયા હતા. ત્યારે પાછળથી પૂરપાટ ઝડપે ધસી આવેલી એમએચ 15 જેસી 3839 નંબરની ટ્રકના તોતિંગ પૈડાં સર્વજીતકુમાર ઉપરથી ફરી વળતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. આ બનાવ અંગે પાલોદ પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ઉચ્છલના ચચરબુંદા પાસે ટ્રકે અડફેટે લેતાં એકનું મોત, બેને ગંભીર ઈજા
વ્યારા: ઉચ્છલના ચચરબુંદા ગામ પાસે સુરત-ધુલિયા ને.હા.નં. ૫૩ ઉપર ૧૬/૦૨/૨૦૨૫નાં રોજ સવારે આશરે સવા અગીયાર વાગ્યાનાં અરસામાં રીક્ષામાંથી ઉતરીને ઉભેલા ત્રણેક વ્યક્તિને ઉચ્છલ તરફથી આવતી ટ્રકે અડફેટે લેતાં ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા, જેમાં એકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

નંદુરબારના ખામગાવમાં રહેતા દીનેશભાઈ રામાભાઈ વસાવે (ઉ.વ.૩૧) પોતાની મામી રેનાબેન ભાવજીભાઈ વળવી (રહે. ૫૦૦ ક્વાટર્સ, ઉકાઇ તા. સોનગઢ. જી. તાપી) મૃત્યુ પામેલા હોવાથી તેમની અંતિમવિધી માટે પોતાનાં ગામના દિગંબર હુરયા ભીલ, ધનરાજ એસા વસાવે, લલીતાબાઇ ધનરાજ વસાવે સહિતનાં આશરે ૯ જણાંને પોતાની રિક્ષા (નં. GJ-23-Y-2095)માં ઉકાઈ જવા રવાના થયા હતા.

સુરત- ધુલીયા ને.હા. નં. ૫૩ ઉપર ચચરબુંદા ગામની સીમમાંથી પસાર થતા હતા, તે દરમ્યાન લઘુશંકા માટે રસ્તાની બાજુમાં રીક્ષા ઉભી રાખી બધા રીક્ષામાંથી ઉતરી રસ્તે ઉભા હતા. તે દરમ્યાન ઉચ્છલ તરફથી આવતી ટ્રક નં. GJ-16-X-8502ના ચાલકે દિગંબર હુરયા ભીલ, ધનરાજ એસા વસાવે તથા લલીતાબાઇ ધનરાજ વસાવેને અડફેટે લઈ ટ્રક ભાગી છુટ્યો હતો.
ટ્રક ચાલકને સોનગઢ ચેક પોસ્ટ પાસેથી પકડી પાડવામાં આવ્યો હતો. ટ્રક ચાલક જયસિંગ ભરત ગાવીત (રહે.કેલી ગામ પોસ્ટ-બંધારપાડા તા.નવાપુર જી.નંદુરબાર, મહા.) વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. વ્યારા સિવિલ હોસ્પિટલમાં ચાલુ સારવાર દરમ્યાન દિગંબર હુરયા ભીલનું મોત નીપજ્યું હતું, જ્યારે ધનરાજ એસા વસાવે તથા લલીતાબાઈ ધનરાજ વસાવે સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top