ખેડૂત આંદોલનમાં અરાજકતા ફેલાવનારા તત્ત્વો ઘૂસ્યા હોવાનું 26મી જાન્યુઆરીને ઘટના બાદ સાબિત થઇ ગયું હતું પરંતુ હવે ધીરે ધીરે લોકોનાં દિમાગમાં એ વાત પણ ઘૂસી રહી છે કે આ સંપૂર્ણ આંદોલન એક રાજકીય આંદોલન હતું.
રાકેશ ટિકૈત દ્વારા જે રાજ્યમાં ચૂંટણી છે એવા બંગાળમાં ભાજપ સામે આંદોલન એ વાતને પણ ટેકો આપે છે કે ક્યાંકને ક્યાંક આ સંપૂર્ણ આંદોલનને રાજકીય પાર્ટીઓએ પોતાનો રોટલો શેકવા માટે ટેકો આપ્યો હતો. પંજાબમાં જે રીતે કોંગ્રેસનો વિજય થયો એ પણ દર્શાવે છે કે આ આંદોલનનો ધ્યેય કેન્દ્રમાં સત્તાધારી ભાજપને નુકસાન પહોંચાડવા અને વિપક્ષી પાર્ટીઓને ફાયદો કરાવી રહ્યું છે. આ જ કડીમાં હવે બંગાળમાં નંદીગ્રામમાં રાકેશ ટિકૈતની રેલી એવો સ્પષ્ટ સંદેશ આપે છે કે મમતા બેનર્જીને હારતાં બચાવવાં માટે આ રેલીનો ઉપયોગ થવા જઇ રહ્યો છે. રાકેશ ટિકૈતે અહીં લોકોને ભાજપને મત નહીં આપવા અપીલ કરી હતી.
સામાન્ય રીતે સત્તામાં રહેલી વ્યક્તિને હરાવવાં માટે આંદોલનોનો સહારો લેવામાં આવે છે પરંતુ બંગાળમાં વિપક્ષી પાર્ટીને હરાવવાં માટે આંદોલનકારી રાકેશ ટિકૈત પહોંચ્યા હતા. નંદીગ્રામમાંથી મમતા બેનર્જી ચૂંટણી લડી રહ્યા છે એ જ એક વસ્તુ દર્શાવી રહી છે કે આ આંદોલનને હવે ફંડિંગ પણ વિપક્ષી પાર્ટીઓ તરફથી મળવા લાગ્યું છે. મમતા બેનર્જી પોતાની જીત માટે આંદોલનનો સહારો લઇ રહ્યા છે. જો કે, ચૂંટણી જીતવા આવા કાવાદાવા કરવા જ પડતાં હોય છે.
રાકેશ ટિકૈતની બંગાળ યાત્રાથી ખેડૂતોના આંદોલનને મોટો ફટકો પડશે. અત્યાર સુધી લોકોની સહાનુભૂતિના સહારે આગળ વધી રહેલા ખેડૂત આંદોલનને હવે સામાન્ય નાગરિકોનો ટેકો નહીં મળે. એમ પણ આંદોલન હવે અંત તરફ છે અને ક્યાંક તો એવું પણ કહી શકાય કે મોદી સરકાર આ આંદોલનને શાંત પાડવામાં સફળ થઇ છે. એનઆરસી-સીએએ વિરોધી આંદોલનને પણ આ રીતે જ સરકારે શાંત પાડી દીધું હતું. પોતાની સામે થતાં વિરોધનાં અવાજને શાંત કઇ રીતે કરવો એમાં મોદી અને શાહ બંનેને મહારત હાંસલ છે.
રાકેશ ટિકૈતનું ખુલીને ભાજપની સામે પ્રચાર કરવાથી એક વાત સ્પષ્ટ થઇ ચૂકી છે કે આમાં ટિકૈતનો પોતાનો એક રાજકીય દાવ છે. તેઓ પોતાનું રાજકીય કદ મોટું કરવાની ગોઠવણ કરતાં હોય એવું લાગે છે. જો મમતા બેનર્જી નંદીગ્રામમાંથી જીતી જાય તો તેનો શ્રેય થોડોક તો રાકેશ ટિકૈતને પણ મળશે પરંતુ વિચારો જો ભાજપ અહીં મમતાને હરાવવામાં સફળ રહ્યું તો રાકેશ ટિકૈતનું ભવિષ્ય પણ અંધકારમાં જતું રહેશે.
ત્યારબાદ કદાચ કોઇ પાર્ટી તેમને ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરાવવાં આમંત્રણ નહીં આપે. રાકેશ ટિકૈત હાલ મૂંઝવણમાં છે એમને નથી સમજાતું કે શું કરવું. રાજકીય પાર્ટીઓનાં સમર્થન વિના ભારતમાં કોઇ આંદોલન હજી સફળ થયું નથી. જ્યા સુધી રાજકીય પીઠબળ નહીં હોય ત્યાં સુધી આંદોલનને મીડિયા કવરેજ નહીં મળે તે ટિકૈત પણ જાણે છે. આંદોલન પરથી હવે મીડિયાના કેમેરા હટી ગયા છે અને તે હવે બંગાળના ઘમાસાણ પર નજર રાખી રહ્યા છે.
એવામાં કેમેરા પરથી દૂર થવાની ટીસ ટિકૈતને મથાવી રહી છે. રાકેશ ટિકૈત આ પહેલા રડીને પોતાનું આંદોલન બચાવવામાં સફળ થયા હતા પરંતુ હવે એ ઇમોશનલ કાર્ડ ફરી વપરાય તેમ નથી. એવામાં ખાસ રાજકીય પાર્ટીને નુકસાન પહોંચાડીને પોતાની તાકાત દેખાડવાની તક તેઓ છોડવા માગતા નથી. રાજકીય પાર્ટીઓ પણ તેમનો ઉપયોગ કરવા માગે છે અને આવનારા દિવસોમાં (જો નંદીગ્રામમાં તેમની રેલી સફળ રહી તો) તેમની માગમાં વધારો થશે.
રાકેશ ટિકૈત રાજકીય હાથો બનવા તૈયાર થયા એ વાત કેટલાક ખેડૂત સંગઠનોને ગમી નથી. એક વાત તો આમાંથી નક્કી છે કે ખેડૂત આંદોલનને નુકસાન પહોંચી રહ્યું છે અને તેના માટે ક્યાંકને ક્યાંક રાજકીય જોડાણ જવાબદાર છે. જો કે પંજાબના ખેડૂતોએ હાલ ખેતરોમાં કામ હોવાથી પણ પોતાનું આંદોલન પરત લીધાં બાદ હવે આ આંદોલન જાટ આંદોલનથી વધારે રહ્યું નથી.
યુપીના જાટ સમુદાય રાજકીય રીતે ઘણો મહત્ત્વનો રહ્યો છે અને તેથી ઉત્તર પ્રદેશની આવનારી વિધાનસભા ચૂંટણી સુધી આ મુદ્દો ચાલતો રહેશે. ખેડૂત આંદોલન રાજકીય પૃષ્ઠભૂમિમાં ચાલી રહ્યું હોવાનો આરોપ પહેલેથી જ લાગતો રહ્યો છે પરંતુ હવે ધીરે ધીરે તેના પર સંપૂર્ણ રીતે રાજકીય મહત્ત્વકાંક્ષાઓ પૂર્ણ કરવાની જવાબદારીઓ આવી ગઇ છે અને તેમાં રાકેશ ટિકૈત મહત્ત્વના છે જે પોતાના માટે પણ રાજકીય જમીન શોધી રહ્યા છે.