SURAT

દારૂની હેરાફેરી માટે બનાવી આ ખાસ બાઈક, પોલીસે આ રીતે પકડી પાડ્યો

સુરત: (Surat) રૂપિયા કમાવવા માટે લોકો અવનવા ગતકડા કરે છે અને શોર્ટકર્ટ (Short Cut) લઇને રૂપિયાદાર બનવાના રસ્તા શોધે છે. પરંતુ ક્યારેક શોર્ટકટ ખુબ જ નુકસાનકારક સાબિત થાય છે. સુરતમાં દારૂની (Alcohol) હેરાફેરી કરવા માટે એક ભંગારનો વ્યાપાર કરનાર યુવકે પલ્સર મોટરસાઇકલ ઉપર ભંગાર અને કચરો રાખવા માટે ટ્રોલી બનાવીને દારૂ વેચવાનું શરૂ કર્યું હતું. ત્રણ વાર વેચ્યા બાદ આ યુવકને પીસીબી પોલીસે (PCB Police) પકડી પાડીને તેની પાસેથી 42 હજારનો દારૂ કબજે લીધો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ડિંડોલી નવાગામમાં શિવહરીનગર પાસે રહેતો ક્રિષ્ણા શ્યામલાલ મિશ્રા પલ્સાર મોટરસાઇકલની પાછળ ટ્રોલીંગ ફીટ કરાવી હતી અને તેમાં કચરા તેમજ ભંગારનો સામાન લઇ જતો હતો. ક્રિષ્ણા વિવિધ શેરીઓમાં તેમજ સોસાયટીઓમાં જઇને ભંગાર લઇ લીધા બાદ તેમાંથી સારી વસ્તુઓ વેચીને બીજી વસ્તુઓ કચરામાં નાંખીને ગુજરાન ચલાવે છે. થોડા દિવસ પહેલા ક્રિષ્ણાને તેના કોઇ મિત્રએ દારૂ વેચવા માટે પ્રેરીત કર્યો હતો. ભંગાર અને કચરાની આડમાં જ દારૂની હેરાફેરી કરીને મોટી રકમ કમાવવાની લાલચમાં આવીને ક્રિષ્ણાએ દારૂની હેરાફેરી શરૂ કરી હતી.

દમણથી લાલુ નામના બુટલેગરનો સંપર્ક કરીને તેની પાસેથી વિદેશી દારૂની બોટલો મંગાવીને સુરતમાં વિવિધ લોકોને આપવાનું શરૂ કર્યુ હતું. ક્રિષ્ણાએ ત્રણવાર દારૂની હેરાફેરી કરી હતી અને ચોથીવાર ડિંડોલીમાં દારૂ આપવા માટે જતો હતો. ત્યારે જ શહેર પોલીસના પીસીબી વિભાગને માહિતી મળી ગઇ હતી. પોલીસે ડિંડોલીમાં વોચ ગોઠવીને ક્રિષ્ણાને આંતર્યો હતો. પોલીસે ભંગારની લારીની તપાસ કરતા તેમાંથી એક પુઠામાં 42 હજારની કિંમતનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી હતી, જ્યારે દારૂ આપનાર લાલુ નામના બુટલેગરને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.

એક વર્ષથી નાસતા ફરતા બુટલેગરને ઝડપી પાડ્યો

પલસાણા : કડોદરા જીઆઇડીસી પોલીસે પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા બુટલેગરને ઝડપી પાડ્યો હતો. આ અંગે મળતી માહિતી અનુસાર હાલમાં અધિક પોલીસ મહાનિર્દેશક સીઆઇડી ક્રાઇમ અને રેલવેઝ તરફથી ગુજરાત રાજ્યમાં નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે 10 જાન્યુઆરી 2021થી 9 ફેબ્રુઆરી 2021 સુધી સ્પેશ્યલ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને કડોદરા જીઆઇડીસી પી.આઈ. એ.પી.બ્રહ્મભટ્ટના નેતૃત્વ હેઠળ વોન્ટેડ આરોપીને શોધવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પોલીસને મળેલી બાતમીના આધારે પોલીસે તાતીથૈયા ગામે એસ્સાર પેટ્રોલપંપ નજીકથી 2019માં દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી રાજન ઉર્ફે રાજેન્દ્ર રાકેશ શાહુ (તૈલી) (ઉ.વર્ષ 25, રહે તાતીથૈયા, સોની પાર્ક, તા. પલસાણા, મૂળ રહે ગાજીપુર, જી. ફતેપુર, ઉત્તરપ્રદેશ)ને ઝડપી પડયો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top