Business

ચેમ્પિયન્સ ટ્રોફી મામલે ICCની મિટિંગ પહેલાં PCB ચીફનું મોટું નિવેદન, ભારત પાકિસ્તાનમાં નહીં રમે..

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC)ની બેઠક પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના અધ્યક્ષ મોહસીન નકવીએ આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે આપણે ભારતમાં જઈને રમવું જોઈએ અને જો ભારત તેના બદલામાં પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કરે તો તે અમારી ભૂલ નથી.

નકવીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ICCની બેઠકમાં જે પણ નિર્ણય લેવામાં આવશે તે પાકિસ્તાનના હિતમાં હશે. અમે ચેમ્પિયન્સ ટ્રોફી અંગે અંતિમ નિર્ણય સરકારના નિર્દેશો પછી જ લઈશું. નકવીએ કહ્યું છે કે તેમને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તરફથી પાકિસ્તાન ન જવા અંગે કોઈ લેખિત સંદેશ મળ્યો નથી.

મોહસિન નકવીએ આજે 28 નવેમ્બરે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, હું વચન આપું છું કે અમે પ્રયાસ કરીશું કે પાકિસ્તાન ક્રિકેટ માટે સર્વશ્રેષ્ઠ પરિણામ મળે. હું ICC અધ્યક્ષના સતત સંપર્કમાં છું અને મારી ટીમ તેમની સાથે સતત વાત કરી રહી છે. અમે હજુ પણ અમારા સ્ટેન્ડ પર સ્પષ્ટ છીએ કે અમે ભારતમાં ક્રિકેટ રમીએ અને ભારત અહીં પાકિસ્તાનમાં ક્રિકેટ નહીં રમે તે અમને સ્વીકાર્ય નથી. જે પણ થાય તે સમાનતાના આધારે થવું જોઈએ અને તેવું જ થશે. અમે આઈસીસીને સ્પષ્ટપણે કહ્યું છે અને આગળ જે પણ થશે અમે તમને જણાવીશું.

29 નવેમ્બરે બોર્ડની મિટિંગમાં અંતિમ નિર્ણય લેવાશે
આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની અંગે ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઈનકાર કર્યો ત્યાર બાદ વિવાદ શરૂ થયો છે. બંને દેશો પોતપોતાના નિર્ણય પર અડગ છે. જોકે, ચેમ્પિયન્સ ટ્રોફી વિશે અંતિમ નિર્ણય 29 નવેમ્બરે આઈસીસી બોર્ડના સભ્યોની બેઠકમાં લેવાશે.

1996 પછી પાકિસ્તાનની આ પ્રથમ આઈસીસી ઈવેન્ટ છે
1996 વર્લ્ડ કપ ઈવેન્ટ પછી પાકિસ્તાનની આ પ્રથમ આઈસીસી ઈવેન્ટ છે, જ્યારે ભારતની સાથે સાથે પાકિસ્તાન પણ શ્રીલંકા સાથે આ ઈવેન્ટનું સહ-યજમાન હતું. પરંતુ ઈસ્લામાબાદની ઘટના બાદ તેની શક્યતા ઘણી ઓછી થઈ ગઈ છે. 2012 માં બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય શ્રેણી હતી. ભારત અને પાકિસ્તાને 2012 થી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમી નથી, પરંતુ તેઓ ગયા વર્ષે ભારતમાં આયોજિત ODI વર્લ્ડ કપ સહિત ICC ટુર્નામેન્ટમાં એકબીજાનો સામનો કરી રહ્યાં છે.

ગયા વર્ષે ભારતે પાકિસ્તાનમાં રમવાનો ઇનકાર કર્યા પછી પાકિસ્તાન દ્વારા આયોજિત એશિયા કપને પણ હાઇબ્રિડ મોડલમાં બદલવામાં આવ્યો હતો. જેમાં ભારત તેની તમામ મેચ શ્રીલંકામાં રમે તેવી ચર્ચા ચાલી હતી.

2017 પછી પ્રથમ વખત ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન
ચેમ્પિયન્સ ટ્રોફી 2017 પછી ICC કેલેન્ડરમાં પુનરાગમન કરી રહી છે. જે ‘હાઈબ્રિડ’ મોડલમાં બદલી શકાય છે, જેમાં ભારત તેની તમામ મેચો અન્ય સ્થળે રમી શકે છે. સંભવતઃ દુબઈમાં રમશે. જ્યારે બાકીની ટુર્નામેન્ટનું આયોજન પાકિસ્તાન કરશે. પાકિસ્તાને 2017માં ઈંગ્લેન્ડમાં આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફીની છેલ્લી આવૃત્તિ જીતી હતી. આ વખતે તે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ દરમિયાન યોજાનારી ટૂર્નામેન્ટની યજમાની કરશે.

Most Popular

To Top