મોહાલી : આઇપીએલમાં (IPL) શુક્રવારે અહીંના આઇએસ બિન્દ્રા સ્ટેડિયમ પર જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સની (LSG) ટીમ પંજાબ કિંગ્સ (PBKS) સામે મહત્વની મેચમાં મેદાનમાં ઉતરશે ત્યારે પોતાના બેટીંગ પરફોર્મેન્સને સુધારીને આગળ વધવા માગશે. ટૂર્નામેન્ટ અધવચ્ચે પહોંચી છે અને બંને ટીમ સાત મેચમાં 4-4 જીત મેળવી ચૂકી છે.
પંજાબ કિંગ્સ માટે મેચ પહેલા સારા સમાચાર એ છે કે તેનો ઇનફોર્મ કેપ્ટન શિખર ધવન ફિટ થઇને આ મેચ રમવા માટે તૈયાર છે. શિખર ધવને બે દિવસ પ્રેક્ટિસ સેશનનાં મોટા ફટકાઓ મારીને પોતાની ફિટનેસ દર્શાવી છે. હાલની સિઝનની જો વાત કરવામાં આવે તો લખનઉ સુપર જાયન્ટ્સને તેના જ હોમગ્રાઉન્ડ પર બે વિકેટે હરાવવાને કારણે પંજાબ કિંગ્સનું પલ્લુ ભારે જણાય છે. જો કે પોતાના હોમ ગ્રાઉન્ડ પર પંજાબ કિંગ્સ છેલ્લી બે મેચ હારી ચૂક્યું છે. મુંબઇ ઇન્ડિન્યન્સે તેમના હોમ ગ્રાઉન્ડ પર હરાવીને પાછી ફરેલી પંજાબ કિંગ્સ પોતાની જીતની રિધમ જાળવી રાખવા માગશે. લખનઉ સુપર જાયન્ટ્સ માટે પોતાના કેપ્ટન કેએલ રાહુલનું ફોર્મ અને સ્ટ્રાઇક રેટ ચિંતાનો વિષય છે.