Business

રિટર્ન ફાઈલ કરવા પહેલાં PF અને ESIની રકમની ચૂકવણી માન્ય ગણાશે

સુરતઃ ગઈકાલે તા. 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને અંદાજપત્ર રજૂ કર્યું તેમાં અનેક મહત્ત્વપૂર્ણ જાહેરાતો કરી છે. તે પૈકી સૌથી આવકારદાયક જાહેરાત બ્લેક મની સંબંધિત રહી છે. હવેથી બ્લેકમની જાહેર કરનારા કરદાતાઓને પહેલાં કરતા ઓછો દંડ લાગુ પડશે.

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રજ્ઞેશ જગાશેઠે જણાવ્યું કે, અગાઉ કરદાતા સામેથી આવીને બેનામી આવક જાહેર કરતો હતો તો તેને 60 ટકા ટેક્સ ભરવો પડતો હતો, પરંતુ હવે તે ઘટાડી દેવાયો છે. હવે માત્ર 30 ટકા જ ટેક્સ ભરવાનો રહેશે.

જગાશેઠે વધુમાં કહ્યું કે, બજેટ પહેલાં 1-4-2021થી ફેસલેસ સ્કીમ અમલમાં આવવાને કારણે જ્યુરિસ્ડિક્શનલ એસેસિંગ ઓફિસર દ્વારા ઈશ્યુ કરાયેલી નોટિસોને અમાન્ય માનવા માટે લડત ચાલતી હતી. આ બજેટ દ્વારા જેએઓ દ્વારા ઈસ્યુ નોટિસોને 1-4-2021થી રેટ્રોસ્પેક્ટિવ અસર સાથે માન્ય કરી દેવાઈ છે.

તે ઉપરાંત 1-10-2019 પછી ડીન વિના ઈશ્યુ કરાયેલી નોટિસોને અમાન્ય માનવામાં આવશે તે માટે સર્ક્યુલર નં. 19-2019 બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ આ બજેટ દ્વારા DIN વિના ઈશ્યુ કરાયેલી નોટિસોને પાછલી તારીખથી જ માન્ય ગણવામાં આવશે તેવી જાહેરાત કરાઈ છે, જેના કારણે આયકર અધિકારીઓ દ્વારા ઈશ્યુ કરાયેલી નોટિસો અને આદેશોને રેટ્રોસ્પેક્ટિવ રીતે માન્ય ગણવામાં આવશે.

પહેલાં PF અને ESI ની નિયત તારીખ સુધી ચુકવણી ન કરવામાં આવે તો તે રકમને ખર્ચ તરીકે માન્ય લેવામાં આવતી નહોતી. પરંતુ હવે જો કરદાતા રિટર્ન ફાઇલ કરવાની નિયત તારીખ પહેલાં PF અને ESI ની ચુકવણી કરી દે, તો તે રકમને ખર્ચ તરીકે માન્ય લઈ શકાશે.

Most Popular

To Top