નવી દિલ્હી(NewDelhi): રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ (RBI) આજે તા. 14 ફેબ્રુઆરી 2024ના રોજ મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેન્કે વિઝા (Visa) અને માસ્ટરકાર્ડ (MasterCard) કંપનીને મોટો ઝટકો આપ્યો છે. રિઝર્વ બન્કે કોર્પોરેટ કંપનીઓ અને નાના સાહસોને વિઝા અને માસ્ટર કાર્ડ જેવા કાર્ડ નેટવર્કથી બિઝનેસ પેમેન્ટ નહીં કરવા સૂચના આપી છે. આ સાથે જ કાર્ડ પેમેન્ટ સ્વીકારવા માટે જે અધિકૃત નથી તેવા બિઝનેસ આઉટલેટ્સ પર થતાં વ્યવહારો પર પણ હંગામી ધોરણે પ્રતિબંધ મુકી દેવાયો છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ માસ્ટરકાર્ડ અને વિઝા જેવા કાર્ડ પેમેન્ટ ગેટ-વેને કંપનીઓ અને નાની સંસ્થાઓ દ્વારા કાર્ડ આધારિત કોમર્શિયલ પેમેન્ટ રોકવા માટે કહ્યું છે. જેના પગલે કાર્ડ નેટવર્ક્સે તમામ નોન-કેવાયસી-નોનકમ્પ્લાયન્ટ વેપારીઓ અને બિઝનેસ આઉટલેટ્સ માટે તેમની સેવાઓ બંધ કરી દીધી છે. જ્યાં સુધી નવી સૂચના નહીં મળે ત્યાં સુધી કાર્ડ પેમેન્ટ સ્વીકારવા માટે અધિકૃત નહીં બનશે.
આરબીઆઈના તાજેતરના પગલા પાછળનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી. જોકે, ઉદ્યોગના સૂત્રો પાસેથી જાણવા મળ્યા મુજબ KYC નોન-કમ્પ્લાયન્ટ વેપારીઓને કાર્ડ દ્વારા નાણાંનો પ્રવાહ આરબીઆઈ માટે સમસ્યારૂપ બની ગયું છે. ફિનટેક સ્ટાર્ટઅપના સ્થાપકને આ મામલે નોટિસ મળી છે.
ઉદ્યોગના સૂત્રોએ કહ્યું કે, આ ક્ષેત્રમાં કામ કરતી ફિનટેક કંપનીઓ માટે આરબીઆઈ દ્વારા એક નિર્દેશ જારી કરવામાં આવ્યો છે. આ નિર્દેશમાં કોમર્શિયલ કાર્ડ દ્વારા કરવામાં આવતા વ્યવહારો પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આગળની સૂચના ન મળે ત્યાં સુધી વ્યવસાયિક ચૂકવણી અટકાવવા માટે કહેવામાં આવ્યું છે.