સુરત: દિવાળી (Diwali) પહેલાં અને દિવાળી પછી બહારગામના વેપારીઓમાં સુરતના (Surat) કાપડના વેપારીઓના કરોડો રૂપિયા ફસાયા છે. સુરત મર્કનટાઈલ એસોસિએશન (SMA) સમક્ષ છેલ્લા એક વર્ષમાં વેપારીઓએ 28 કરોડ રૂપિયા ફસાયા હોવાની ફરિયાદ (Complaint) કરી હતી. એ પૈકી 50 %થી વધુ રકમ રિકવર થઇ છે. વેપારને સલામત રાખવા રવિવારે યોજાયેલી બેઠકમાં એસએમએના પ્રમુખ નરેન્દ્ર સાબુએ વેપારીઓ સાથે ચર્ચા કર્યા પછી મહત્ત્વના નિર્ણયો જાહેર કર્યા છે. એ મુજબ ઉત્તર અને દક્ષિણ ભારતના બહારગામના કાપડના વેપારીઓમાં પેમેન્ટ અટવાશે તો એજન્ટ અને આડતિયાની જવાબદારી નક્કી કરાશે. ડુપ્લિકેટ બિલમાં હવે એજન્ટ, આડતિયાનો સિક્કો લગાવી જવાબદારી ફિક્સ કરાશે.
- ડુપ્લિકેટ બિલમાં હવે એજન્ટ, આડતિયાનો સિક્કો લગાવી જવાબદારી ફિક્સ કરાશે
- માલ વેપારી એજન્ટો, આડતિયાઓ મારફત વેચે છે: સાબુ
- આજે 20 વેપારીઓ પેમેન્ટ ફસાયાની ફરિયાદ લઈ આવ્યા હતા, એ પૈકી 2 વેપારીની સમસ્યા વિડીયો કોન્ફ્રરન્સથી ઉકેલવામાં આવી
- બિલ પર SMAનો સિક્કો પણ લાગશે
સાબુએ જણાવ્યું હતું કે, માલ વેપારી એજન્ટો, આડતિયાઓ મારફત વેચે છે. વેપારી જ્યારે ઓર્ડર ફોર્મ બિલ બનાવે છે ત્યારે એજન્ટને પણ બિલ મોકલે છે. એ વેળા ડુપ્લિકેટ બિલમાં એજન્ટનો સિક્કો લગાવી એક કોપી પોતાની પાસે રાખવી જોઈએ. જેથી માલ બહારગામના વેપારીને વેચનાર એજન્ટની કાનૂની જવાબદારી નક્કી થઈ શકે. જે એજન્ટ કે આડતિયા સિક્કો મારવા ઇન્કાર કરે એની સાથે વેપાર ન કરવો જોઈએ. બિલ પર SMAનો સિક્કો પણ લાગશે. વેપારીએ બહારગામના વેપારી, આડતિયા, એજન્ટનો આધારકાર્ડ મેળવી લેવો જોઈએ. જેથી કોઈ મુશ્કેલી ઊભી ન થાય. ગત સપ્તાહમાં બેંગ્લુરુ, અમદાવાદ, કોલકાતાના 100 જેટલા વેપારીઓ એસએમએ સાથે જોડાયા છે. ગત રવિવારે યોજાયેલી બેઠક પછી વેપારીઓના ફસાયેલા 23 કરોડની વસૂલાત થઈ છે. આજે 20 વેપારીઓ પેમેન્ટ ફસાયાની ફરિયાદ લઈ આવ્યા હતા, એ પૈકી 2 વેપારીની સમસ્યા વિડીયો કોન્ફ્રરન્સથી ઉકેલવામાં આવી હતી.