Charchapatra

પગારની અસમાનતા

સરકારી કર્મચારીઓ સામે ખાનગી કંપનીઓમાં કામ કરતાં કર્મચારીઓના પગાર ધોરણમાં આસમાન જમીનનો તફાવત રહેલો છે. સરકારી કર્મચારીઓના પગારમાં તબક્કાવાર પગાર વધારો થયાં કરે છે તથા વર્ષમાં બે વખત વાર્ષિક ઈજાફો થતો રહે છે. આ ઉપરાંત સરકારી કર્મચારીઓ પોતાની અમુક માંગણીઓ મંજૂર કરાવવા માટે હડતાળ કે ગો સ્લો જેવી આડોડાઈ કરીને સરકારને ઝુકાવે છે. ઉપરાંત સરકારી કર્મચારીઓ કટકી કે લાંચ લેતાં હોય છે. તો બીજી તરફ ખાનગી કંપનીઓમાં, કારખાનાઓમાં, મિલમાં કે સહકારી સંસ્થાઓમાં કામ કરતાં કર્મચારીઓના પગારમાં ક્યારેય ઉત્તરોત્તર વધારો થતો નથી કે ક્રમશઃ ઈજાફો મળતો નથી. વ્હાલાં દવલાની નીતિઓ તથા રાજરમત ચાલતી જ હોય છે, મહિલા કર્મચારીઓ તો માલિક કે મેનેજરની હવસનો શિકાર પણ બને છે.

ખાનગી કંપનીઓમાં યુનિયન જેવી પ્રવૃત્તિઓ હોતી નથી. ખાનગી કંપનીઓમાં પગાર કાપ, ઇજાફો બંધ થવો, રજાઓ જતી કરવી ઉપરાંત શિસ્તભંગ જેવાં પગલાંઓનો પણ સામનો કરવો પડે છે. સ્થાનિક નગરપાલિકા કે સહકારી બેંકો, સંસ્થાના કર્મચારીઓએ પણ ચાર ચોપડી ભણેલા લોકોને સાહેબ સાહેબ કહીને સલામો મારવી પડે છે. હા, અમુક મલ્ટિ નેશનલ કંપનીમાં કામ કરતા કર્મચારીઓ તથા મેનેજરોને લાખોની સંખ્યામાં પગારનું પેકેજ તથા અન્ય સગવડો આપવામાં આવે છે, પરંતુ એનાં બદલામાં ઉત્પાદન અંગેનું નિર્ધારિત લક્ષ આપવામાં આવે છે. મોંધવારીના પ્રમાણમાં દરેકનું પગાર ધોરણ એકસરખું અને એકસમાન હોવું જરૂરી છે. આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે, નહીં તો સરકારી કર્મચારીઓ કરતાં ખાનગી કે અન્ય સંસ્થાઓમાં કામ કરતાં કર્મચારીઓ નાણાકીય રીતે પછાત અને પાયમાલ જ રહેવાનાં છે.
હાલોલ  – યોગેશભાઈ આર જોશી– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top