છેલ્લા 24 દિવસથી યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાન વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે, અને વૈશ્વિક ઉર્જા સંકટ વાસ્તવિક બની રહ્યું છે ત્યારે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંભવિત યુદ્ધ વિરામનો સંકેત આપ્યો છે.
સોમવારે ટ્રુથ સોશિયલ પર શેર કરેલી એક પોસ્ટમાં, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે યુનાઇટેડ સ્ટેટ્સ ઇરાન સાથે સકારાત્મક અને અર્થપૂર્ણ ચર્ચામાં જોડાયું છે અને તેઓ સૈન્યને ઇરાની પાવર પ્લાન્ટ અને ઉર્જા માળખા પર કોઈપણ હુમલાને મુલતવી રાખવાનો આદેશ આપવાનો ઇરાદો ધરાવે છે.

પોસ્ટમાં ટ્રમ્પે લખ્યું છે, “મને જાહેરાત કરતા આનંદ થાય છે કે છેલ્લા બે દિવસમાં, યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇરાને પરસ્પર દુશ્મનાવટના સંપૂર્ણ અંત અંગે ખૂબ જ સારી અને અર્થપૂર્ણ ચર્ચાઓ કરી છે. આ ચર્ચાઓ આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેવાની છે. આ ઊંડી, વિગતવાર અને રચનાત્મક ચર્ચાઓનો સ્વર જોતા મેં ઇરાનના પાવર પ્લાન્ટ અને ઉર્જા માળખા પર તમામ લશ્કરી હુમલાઓને પાંચ દિવસના સમયગાળા માટે મુલતવી રાખવાનો નિર્દેશ યુદ્ધ વિભાગને આપ્યો છે.”
પોતાના નિર્ણય અંગેની આ ચર્ચાઓના ભવિષ્યને સંબોધતા ટ્રમ્પે લખ્યું: “આ નિર્ણય ચાલુ બેઠકો અને ચર્ચાઓની સફળતા પર નિર્ભર રહેશે. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!”
ટ્રમ્પની આ પોસ્ટ પછી મધ્ય-પૂર્વનો મોરચો શાંત થવાની આશાઓ જાગી છે. જો કે આગામી દિવસોમાં ટ્રમ્પ અને ઈરાનના નેતાઓનું વાસ્તવિક વલણ કેવું રહેશે, એના પર તમામ બાબતોનો આધાર છે. કારણકે હાલ તો બંને દેશો પોતાની માગ પર અડગ ઉભેલા જણાય છે.