શબ્દોના શણગાર અને માત્ર દેખાડાની દેશભક્તિના ઘોડાપૂરમાં ધર્માંધતા પણ સરેઆમ તણાવા માંડી? જેણે શહેરનાં કંઈક કેટલાય સનાતની શિવભક્તોના મનહૃદયને રીતસર ઠેસ પહોંચાડ્યાનો કિસ્સો તાજેતરમાં જ અખબારમાં જોવા મળ્યો છે. શહેરના અડાજણ વિસ્તારનાં ખૂબ જ જાણીતા એવા શિવજીને માથે હાલ બહુચર્ચિત શબ્દ ‘સિંદુર’નો ચઢાવો કરીને જાણે દેખાડાની ભક્તિ શક્તિનું વરવું જાહેર પ્રદર્શન થયું. હિન્દુઓનાં દેવાધિદેવ એવા મહાદેવને તો શાસ્ત્રોક્ત મુજબ જળ, ધંતુરો, દૂધ, તલ, બિલીપત્ર જેવા જ પદાર્થનો ભાવાભિષેક કરવામાં આવે છે.
પરંતુ સાંપ્રત સમય દરમિયાન કરોડોની સંખ્યામાં ભણેલા અને અભણ એવા દેશવાસીઓ ને જાણે દેખાડાની જ ધાર્મિકતા અને આંધળુકિયા અફીણ બંધાણી પેઠે ગાડરિયા પ્રવાહમાં કેવી કેવી પદ્ધતિઓ દ્વારા ભક્તોનાં માનસપટે દેશભક્તિનાં લેબલો ઠોકી બેસાડાય છે એનો ઉત્તમ નમૂના સમાન ચિત્ર સ્પષ્ટ થયેલ છે. બહુધા હિન્દુ શાસ્ત્રો મુજબ અને ધર્મ ધુરંધરોના વિધાનોએ દંભ-આડંબર વિનાનાં ભક્તિભાવની હિમાયત કરે છે ત્યારે આવા પ્રકારે જાહેર ટીકાપાત્ર શૃંગારે સ્થાનિક દેવપૂજારીઓને પણ સીધી નહીંને આડકતરી રીતે શહેરના અસંખ્યક શિવભક્તોની ખફગી વ્હોરવી પડી છે.
સુરત -પંકજ મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.