વડોદરા : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આજે નવલખી મેદાન પર મહાત્મા ગાંધીને પ્રિય ભજનો અને દેશભક્તિ ગીતો ની સુરાવલી સરિતા મધ્યે આઝાદી 75 અમૃત પર્વ સભા અને દાંડી કૂચ સ્મૃતિ દિવસની શહેરી વિસ્તારમાં ઉજવણીનો ભારત માતાની છબીની પુષ્પ વંદના કરીને પ્રારંભ કરાવ્યો હતો.
તેમણે ગાંધી વિચારો ની તાકાત થી દેશને દોરવા અને જોડવા તેમજ નવી પેઢીમાં સ્વતંત્રતા ની બહુમુલ્યતાની સમજણ દૃઢ કરવા પ્રધાનમંત્રીએ પૂજ્ય બાપુની દાંડી યાત્રાની પ્રતિકૃતિ રૂપે આજથી શરૂ કરાયેલી દાંડી કૂચ 2021 જ્યારે વડોદરા જિલ્લાની નજીક થી પસાર થાય ત્યારે શહેર અને જિલ્લાના લોકો ઉમટી પડે અને ઉમળકાભેર સ્વાગત કરે એવી ખાસ હાકલ કરી હતી.
બાપુએ ચપટી મીઠાના સત્યાગ્રહ થી દેશના લોકોમાં સ્વતંત્રતા ની તડપ કેળવી એવી લાગણી વ્યક્ત કરતા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું કે આજની દાંડી યાત્રા પણ દેશને ઘડવાના વિચારો ની યાત્રા છે જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવી છે. વડોદરાના સયાજી રાવ મહારાજે બ્રિટન ના રાજા ને પીઠ બતાવી હિંમતભેર સ્વતંત્રતા માટેની દેશની ઝંખના પ્રગટ કરી હતી.
તો વડોદરાના રાજ્ય સેવક મહર્ષિ અરવિંદે સ્વતંત્રતા માટેની ક્રાંતિ ને વેગ આપવાની સાથે 15 મી ઓગષ્ટના સ્વતંત્રતા દિવસની આગાહી કરી હતી તેની તેમણે યાદ અપાવી હતી.નવી પેઢીના મનમાં આ ભૂમિકા દૃઢ કરવા તેમણે અનુરોધ
કર્યો હતો.
મેયર કેયૂર રોકડિયાએ જણાવ્યું હતું કે, આજે સ્વતંત્રતા સેનાનીઓ અને તેમના બલિદાનો ને યાદ કરીએ. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ એ સ્વરાજ થી પૂર્ણ સ્વરાજ ના લક્ષ્યને સાકાર કરવા ફરી થી દાંડી યાત્રા યોજી છે.સ્વતંત્રતા સંગ્રામમાં દાંડી કુચ એક સીમાચિન્હ છે.પ્રધાનમંત્રીશ્રીએ 2021માં તેના પુનઃ આયોજન દ્વારા આત્મ નિર્ભર ભારત ને વેગવાન બનાવવાનો સંકલ્પ દૃઢ કર્યો છે.પૂ.બાપુ પણ દેશની આત્મ નિર્ભરતા ના પ્રખર હિમાયતી હતા.
આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઈ, મનીષાબેન, સીમાબેન, નાયબ મેયર નંદાબેન જોષી, સ્થાયી અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલ, અન્ય પાલિકા પદાધિકારીઓ, નગર સેવકો, ભાર્ગવ ભટ્ટ, ડો.વિજય શાહ,શબ્દ શરણ બ્રહ્મભટ્ટ સહિત પક્ષ પદાધિકારીઓ,પૂર્વ મંત્રી કાર્યક્રમમાં જોડાયાં હતા. આ મહોત્સવ અન્વયે દેશમાં ૭૫ સ્થળોએ ૭૫ સપ્તાહ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.