National

પટનામાં વિપક્ષી દળો ભેગા થયા, લોકસભા ચૂટણીમાં ભાજપને હરાવવા કમર કસી, 12 જુલાઈએ ફરી બેઠક

પટનાઃ (Patna) કોંગ્રેસ (Congress) અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ પટનામાં વિપક્ષી નેતાઓની (Opposition Leaders) બેઠક પહેલા પોતાના સંબોધનમાં કહ્યું કે જો આપણે બિહારમાં જીતીશું તો આખા ભારતમાં જીતી જઈશું. આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને સખત પડકાર આપવા માટે મજબૂત મોરચો બનાવવાની રણનીતિ પર વિચાર વિમર્શ કરવા માટે વિપક્ષી નેતાઓની બેઠક પટનામાં થઈ હતી. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે આ બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠક મુખ્યમંત્રીના નિવાસસ્થાન પર યોજાઈ હતી.

લોકસભા ચૂંટણી 2024 માટે પટનામાં વિપક્ષી પાર્ટીઓની બેઠક લગભગ અઢી કલાક ચાલી હતી. જેમાં 15 પક્ષોના નેતાઓએ ભાગ લીધો હતો. વિપક્ષી દળોની આગલી બેઠક 12 જુલાઈના રોજ શિમલામાં મળશે. તે સમયે આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. જોકે મોદી સરકાર સામે એક થઈ રહેલા વિપક્ષી દળોને આજે મોટો ઝટકો લાગ્યો હતો. વિપક્ષી દળોની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી આમ આદમી પાર્ટીએ વિરોધ પક્ષની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં ભાગ લીધો ન હતો. કેજરીવાલ પ્રેસ કોન્ફરન્સમાં શામેલ થયા ન હતા.

આ પહેલાં મલ્લિકાર્જુન ખડગે વિપક્ષી નેતાઓની બેઠકમાં ભાગ લેવા માટે રાહુલ ગાંધી (Rahul Gandhi) સાથે પટના પહોંચ્યા હતા. એરપોર્ટ (Airport) પર મુખ્યમંત્રી નીતિશ કુમારે મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીનું સ્વાગત કર્યું હતું. એરપોર્ટથી બંને નેતાઓ ખડગે અને રાહુલ ગાંધી પટનામાં કોંગ્રેસ કાર્યાલય સદકત આશ્રમ પહોંચ્યા હતાં. અહીં કાર્યકર્તાઓને સંબોધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આ કોંગ્રેસ કાર્યાલયમાંથી જે પણ બહાર આવ્યા તે દેશની આઝાદી માટે લડ્યા છે. અમને ગર્વ છે કે દેશના પહેલા રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદજી આ ભૂમિના હતા. તેમણે આગળ કહ્યું- ‘જો આપણે બિહાર જીતીશું તો આખા ભારતમાં જીતીશું.’

બીજી તરફ વિપક્ષી દળોની બેઠકમાં બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઘટસ્ફોટ કર્યો હતો. બેઠક દરમિયાન તેમના રાજ્યમાં કોંગ્રેસના વલણ પર તેમણે નારાજગી વ્યક્ત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મમતાએ બેઠકમાં કહ્યું કે બંગાળમાં કોંગ્રેસ દ્વારા ધરણા પ્રદર્શન પણ ખોટું છે. બંગાળના મુખ્યમંત્રીએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં જ આનો વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે બંગાળમાં કોંગ્રેસનું વલણ યોગ્ય નથી. તેમણે કહ્યું કે આપણે આપસમાં લડાઈ ટાળવી જોઈએ. જો આપણે આપસમાં લડીશું તો ભાજપને ફાયદો થશે. મમતાએ કહ્યું કે આપણે સાથે રહીશું તો જ ભાજપને હરાવી શકીશું. મમતા બેનર્જીએ કહ્યું કે આપણે આપણા મતભેદો ભૂલીને ભાજપને હરાવવાની રણનીતિ ઘડવી જોઈએ. આમાં તમામ પક્ષોને સાંભળવા જોઈએ.

370 વખતે તે તમે કાંઈ બોલ્યા ન હતા- ઉમર અબદુલ્લા
શુક્રવારે પટનામાં આ બેઠક માટે અલગ-અલગ પક્ષોના નેતાઓ એકઠા થયા ત્યારે ચર્ચા શરૂ થઈ. સૂત્રોના જણાવ્યા અનુસાર કેજરીવાલે આ બેઠકમાં કહ્યું કે અમે કેન્દ્ર દ્વારા લાવવામાં આવેલા વટહુકમનો વિરોધ કરી રહ્યા છીએ અને અન્ય પક્ષોએ આ મુદ્દે અમારું સમર્થન કરવું જોઈએ. કેજરીવાલે આ વાત કરતા જ જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી ત્યારે તમારી પાર્ટીએ અમારું સમર્થન ન કર્યું અને સંસદમાં સરકારને સમર્થન આપ્યું.

Most Popular

To Top