પટનાઃ બિહારના પટના એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. આ ધમકી ઈમેલ દ્વારા મળી છે. જે બાદ હોબાળો મચી ગયો છે. એરપોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ માહિતી પટના એરપોર્ટ ડાયરેક્ટર દ્વારા આપવામાં આવી છે. આજે મંગળવારે લગભગ 1:10 વાગ્યે પટના એરપોર્ટના ડાયરેક્ટરને ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ પછી પટના એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
પટના એરપોર્ટ પર બોમ્બ હોવાની ધમકી મળી છે. ગુનેગારોએ ઈમેલ મોકલીને આ ધમકી આપી છે. આ પછી એરપોર્ટ પર હોબાળો મચી ગયો હતો અને તરત જ અધિકારીઓની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. તરત જ એરપોર્ટ પોલીસ અને CISFની ટીમે પટના એરપોર્ટ પર સર્ચ ઓપરેશન શરૂ કર્યુ હતુ. બોમ્બ સ્કવોડની ટીમ પણ આવી પહોંચી હતી. મંગળવારે બપોરે લગભગ એક કલાક સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું પરંતુ બોમ્બ કે અન્ય કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી ન હતી.
ધમકીને પગલે પટના પોલીસ એલર્ટ મોડ પર છે. સાયબર સેલ અને અન્ય તપાસ એજન્સીઓ આ મામલાની તપાસ કરી રહી છે. પટના એરપોર્ટના ડાયરેક્ટર આંચલ પ્રકાશે કહ્યું કે પટના એરપોર્ટને બોમ્બની ધમકી ધરાવતો ઈમેલ મળ્યો છે. સુરક્ષા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને અનેક વધારાના સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં બધું સામાન્ય છે.