વડોદરા: વડોદરામાં મધ્યગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ સયાજી હોસ્પિટલ આવેલી છે.જે હોસ્પિટલમાં સંસાધનોના અભાવે દર્દીઓને એક જગ્યાએથી અન્યત્રે લઇ જવા માટે સ્ટ્રેચરના અભાવે માનવ સ્ટ્રેચર કામ કરે છે.જે સયાજી હોસ્પિટલના વહીવટી તંત્ર માટે શર્મશાર બાબત છે. મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની સયાજી હોસ્પિટલમાં વિકાસના કામોનું તાજેતરમાં જ સુપ્રીટેન્ડન્ટના હસ્તે ખાત મુહુર્ત કરવામમાં આવ્યું હતું. પરંતુ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા દર્દીઓ અને તેમના પરિજનોની સ્થિતી કઈ હદે ખરાબ છે.તેનો અંદાજો તમે આ ઉદાહરણ પરથી લગાવી શકો છો.
સયાજી હોસ્પિટલમાં માનવ સ્ટ્રેચરના ઉપયોગથી દર્દીઓ હોસ્પિટલ પરિસરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હોવાના દ્રશ્યો સર્જાયા હતા.આ દ્રશ્યો નિહાળતા લોકોએ તંત્રની બેદરકારી સામે રોષ ઠાલવ્યો હતો.આટલી મોટી સરકારી હોસ્પિટલમાં દર્દીઓને અવર જવર કરવા માટે પણ જરૂરી વ્યવસ્થા ન હોવાના કારણે દર્દીઓ અને તેમના પરિજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.સયાજી હોસ્પિટલમાં દિનપ્રતિદિન દર્દીઓનો ધસારો વધવા માંડ્યો છે.
જેના કારણે સ્ટ્રેચર ખૂટી પડતા દર્દીના પરિજનો સ્વયંમજ દર્દીઓને ઉંચકીને બેડ સુધી લઇ જતા નજરે પડયા હતા.જ્યારે એક બેડ પર ત્રણ દર્દીઓેને સુવડાવવાની પણ નોબત આવી હતી.જેના કારણે દર્દીઓ અને સગાઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.સયાજી હોસ્પિટલમાં રોજ હજારોની સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે.જેના કારણે ઓપીડી.વિભાગમાં ભારે ભીડ થાય છે.જ્યારે તાત્કાલિક સારવાર વિભાગમાં દવા કેન્દ્ર પર સ્ટાફ હોવા છતાંય માત્ર એક જ કર્મચારી દ્વારા દવા આપવામાં આવી રહી છે.જેના કારણે દવા લેવા માટે દર્દીના સગાઓને લાંબા સમય સુધી લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી છે.રોજે રોજ દર્દીઓને પડતી હાલાકીથી તંત્ર વાકેફ હોવા છતાં સુવિધામાં વધારો કરવા માટેની પણ વહીવટી તંત્ર દ્વારા કોઈ તસ્દી નહીં લેવાતા તંત્ર સામે અનેક સવાલો ઉઠવા માંડ્યા છે.