વડોદરા:મધ્યગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં ગંદકી અને પાણીની સમસ્યા દર્દીઓને સતાવી રહી છે.અહીં આવેલ દર્દીઓ તથા તેમના સગા સંબંધીઓ સમયાંતરે પડતી તકલીફોને ઉજાગર કરતા હોય છે.તારાબેન વાળંદ નામના દર્દી છેલ્લાં 22 દિવસથી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેમણે કઈ રીતની સમસ્યા સતાવી રહી છે. તેને તેમની દીકરીએ તથા અન્ય દર્દીઓના પરિવારજનોએ દર્શાવી હતી.તેઓએ જણાવ્યું હતું કે અહીં પંખાની સુવિધા નથી.પાણીની સુવિધા પણ નહીં હોવાને કારણે ખુબજ તકલીફ પડી રહી છે.જ્યારે અન્ય એક દર્દીના સબંધી સાકીરભાઈએ જણાવ્યું હતું કે મારા સબંધી અહીં દાખલ છે.
તેમણે મને જણાવ્યું કે છેલ્લા 15 દિવસથી પાણીની તકલીફ પડી રહી છે.બાથરૂમની પણ એટલી ખરાબ હાલત થઈ ગઈ છે કે અંદર પ્રવેશ ના થઇ શકે. જ્યારે અવાર નવાર દારૂની ખાલી બોટલો મળવાના કિસ્સામાં અગ્રેસર રહેલ સયાજી હોસ્પિટલમાં શુક્રવારે ખાલી દારૂની બોટલ તેમજ બિયરના ટીન મળી આવ્યા હતા.જે મેનેજમેન્ટની બેદરકારી છતી કરે છે. સયાજી હોસ્પિટલનું તંત્ર સંભવિત કોરોનાની ત્રીજી લહેર સામે પહોંચી વળવા સક્ષમ હોવાના દાવા કરી રહ્યું છે. પરંતુ તે પહેલાં જ સયાજી હોસ્પિટલમાં દર્દીઓને પડતી હાલાકી તંત્રનું સ્પષ્ટ ચિત્ર છતું કરે છે.