National

18 વર્ષના યુવકે દિલ્હીની GTB હોસ્પિટલમાં દર્દીની ગોળી મારી હત્યા કરી નાંખી

દિલ્હીની ગુરુ તેગ બહાદુર હોસ્પિટલ (GTB હોસ્પિટલ)માં એક દર્દીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ સાંજે 4 વાગ્યાની આસપાસ એક 18 વર્ષનો છોકરો હોસ્પિટલના વોર્ડ નંબર 24માં ઘુસ્યો અને એક દર્દીને ગોળી મારી દીધી. ગોળી મારીને આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર રિયાઝુદ્દીનને પેટમાં ઈન્ફેક્શનના કારણે 23 જૂને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તે હજુ પણ હોસ્પિટલમાં હતો અને તેની સારવાર ચાલુ હતી. આ દરમિયાન એક અજાણ્યો છોકરો હોસ્પિટલમાં ઘુસી ગયો અને તેને ગોળી મારી દીધી.

ઉત્તર-પૂર્વ દિલ્હીની જીટીબી હોસ્પિટલમાં એક યુવકે એક દર્દીની ગોળી મારીને હત્યા કરી હતી. શ્રીરામ નગર, ખજુરી ખાસના રહેવાસી રિઝાયુદ્દીન (32) પેટમાં ઈન્ફેક્શનથી પીડાતા 23 જૂનથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. હાલમાં રિઝાયુદ્દીનને ચોથા માળના વોર્ડ નંબર-24માં દાખલ કરવામાં આવ્યો હતો. સાંજે લગભગ 4.00 વાગ્યે એક 18 વર્ષનો યુવક પિસ્તોલ લઈને આવ્યો અને તેણે રિઝાયુદ્દીનને ગોળી મારી દીધી. બાદમાં આરોપી ફરાર થઈ ગયો હતો. પોલીસે કેસ નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે. હાલ હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

આરોગ્ય પ્રધાન સૌરભ ભારદ્વાજ આ મામલે એક્શનમાં છે. તેમણે કહ્યું કે બેદરકારી સહન કરવામાં આવશે નહીં. જે પણ દોષિત હશે તેને બક્ષવામાં આવશે નહીં. તમામ હોસ્પિટલોની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવશે.

મંત્રી સૌરભ ભારદ્વાજે કહ્યું, ‘એલજી સાહેબ, તમારા આવ્યા પછી છેલ્લા બે વર્ષમાં દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબથી ખરાબ થઈ રહી છે. ગુનેગારોએ કાયદાનો ડર ગુમાવ્યો છે. હોસ્પિટલની અંદર ભરદિવસે ગોળીઓ ચલાવવામાં આવી રહી છે. ક્યારેક પોલીસની સામે તિહાર જેલની અંદર ખૂન થાય છે અને પોલીસ કર્મચારીઓ જોતા જ રહે છે. ક્યારેક કોર્ટની સામે વકીલને ગોળી મારી દેવામાં આવે છે. જંગપુરામાં એક વૃદ્ધની ભરદિવસે તેના ઘરમાં ઘૂસીને ઘાતકી હત્યા કરવામાં આવી રહી છે. દિલ્હીમાં સીસીટીવી કેમેરાની સામે હત્યા કરવી હવે સામાન્ય બાબત બની ગઈ છે. ગુનેગારો નિર્ભય છે. રાજકીય ઉપયોગને કારણે દિલ્હી પોલીસ બરબાદ થઈ ગઈ છે.

Most Popular

To Top