એક દિવસ કાળઝાળ ગરમીના દિવસોમાં જૈન મહારાજ સાહેબ ખુલ્લા પગે એક જગ્યાએથી ચાલીને બીજી જગ્યાએ જતા હતા.બહુ ગરમી હતી એટલે મોટા ભાગે પગપાળા પ્રવાસ ઠંડા પ્હોરે વહેલી સવારે અને સાંજે જ કરવામાં આવતો. વાતાવરણમાં સખ્ત ગરમી વધતી જતી હતી.બધા ગરમીથી અને તાપથી અકળાઈ ગયાં હતાં.ખૂબ તરસ લાગતી અને ખોરાક ભાવતો નહિ.મહારાજ સાહેબ સાથેના બધા જ લોકો વિચારવા લાગ્યા કાળઝાળ ગરમીમાં આ પ્રવાસથી બહુ થાક લાગ્યો છે.
ચાલો મહારાજ સાહેબને વિનંતી કરીએ, ક્યાંક થોડા દિવસનું રોકાણ કરીએ અને પછી આગળ વધીશું.બધા મહારાજ સાહેબ પાસે ગયા પણ શું કહેવું? કઈ રીતે કહેવું? મુંઝાવા લાગ્યા.બધાં ચૂપ હતાં. મહારાજ સાહેબે પૂછ્યું, ‘કેમ શું થયું? કૈંક કહેવું છે? એક શિષ્યે હિંમત કરી બધાના મનની વાત કરી અને પછી ઉમેર્યું, ‘મહારાજ સાહેબ, તમે પણ આ ગરમીમાં અકળાતા કે થાકતા નથી.કંટાળતા નથી.અમે બધા તો આ ગરમીથી ત્રાસી ગયા છીએ.’ મહારાજ સાહેબ હસ્યા અને બોલ્યા, ‘સાંભળો, મને મારા ગુરુજીએ શીખવ્યું છે કે જીવનમાં જે મળે તેનો સહર્ષ અને સહજ સ્વીકાર કરવો એ ચિત્ત સમાધિનો મહામંત્ર છે.
એટલે કે મનની તપસ્યા કરવાની ગુરુ ચાવી છે. બધાનો સ્વીકાર …સહર્ષ સ્વીકાર …કોઈ માટે અણગમો નહિ…કોઈ ફરિયાદ નહિ ….કોઈનો તિરસ્કાર નહિ.તમે બધા આ અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ગયા છો.સતત તેના વિષે વિચારો છો ..તેના વિષે ફરિયાદ કરો છો ..તેનાથી બચવાના… દૂર ભગવાના માર્ગ શોધો છો.પણ તેનો સ્વીકાર કરતા નથી અને મનથી સ્વીકાર થતો નથી એટલે સતત અકળામણ વધે છે અને ગરમી તમને ત્રાસરૂપ લાગે છે.હવે હું કહું છું તેમ વિચારવાનું શરૂ કરો.વિચારો કે આ ગરમીના દિવસો છે તો ગરમી પડશે જ…અને આ ગરમી પડવી કેટલી જરૂરી છે.
અમુક પાક માટે ગરમી જરૂરી છે …જંતુઓના નાશ અને સફાયા માટે ગરમી જેટલું સારું સાધન બીજું કોઈ નથી અને જેટલી વધુ ગરમી પડશે એટલો સારો વરસાદ પડશે અને વરસાદ તો પીવાનું પાણી આપે છે ..ખેતીને પોષે છે એટલે મૂલ્યવાન જ છે પણ યાદ રાખો, ગરમી પડશે તો જ વરસાદ આવશે માટે ગરમી પણ એટલી જ જરૂરી છે.આ ગરમી હોય કે પછી જીવનમાં કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ તેનો મનથી સ્વીકાર કરો અને તેના દોષ ભૂલી ગુણ જુઓ તો તે વસ્તુ તે સ્થિતિ તમને ત્રાસરૂપ નહિ લાગે.જુઓ આ છેલ્લાં બે ત્રણ વર્ષથી ચોમાસું નબળું જાય છે પણ આ વર્ષે અસહ્ય ગરમી છે એટલે વરસાદ પણ સારો જ થશે.તેથી ખુશ થાવ અને ગરમીનો પણ સહર્ષ સ્વીકાર કરો.’ મહારાજ સાહેબે સુંદર સમજ આપી કે જીવનમાં જે થાય,જે મળે તેનો સ્વીકાર કરો.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.