પેટલાદ : આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના સુકાની તરીકે જવાબદારી ધર્મજના રાજેશભાઈ પટેલને સોંપવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્ધારા બુધવારના રોજ તેઓની નિમણૂંક જાહેર કરતાં જ જીલ્લા ભાજપના રાજકારણમાં ચહલ પહલ વધી ગઇ હતી. સંગઠન સાથે વર્ષોથી સંકળાયેલા અને મજબૂત કાર્યકર તરીકેની છાપ ધરાવનાર રાજેશભાઈ પટેલનું નામ જાહેર થતાં જ આણંદના કમલમ્ કાર્યાલય ખાતે આગેવાનો અને કાર્યકરોનો જમાવડો શરૂ થઈ ગયો હતો.
મૂળ ધર્મજના વતની રાજેશભાઈ રમેશભાઈ પટેલનો જન્મ 11મી ઓગષ્ટ 1959ના રોજ સોજીત્રા ખાતે થયો હતો. હાલ કરમસદ રહેતા અને રાજુ ધર્મજ તરીકે ઓળખાતા 63 વર્ષીય રાજેશભાઈ અભ્યાસથી સિવીલ અને મિકેનીકલ એન્જીનિયરીંગની પદવી ધરાવે છે. તેઓ વેપાર અને ખેતી સાથે સંકળાયેલા છે. જો કે હાલમાં તેઓ લેખક તરીકે પોતાના પુસ્તકો પણ પ્રસિદ્ધ કરી રહ્યા છે. સામાજીક, શૈક્ષણિક, સહકારી, સેવાભાવી વગેરે જેવી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રાજેશભાઈ રાજકીય રીતે પણ પરિપક્વતાની છાપ ધરાવે છે.
સામાજીક પ્રવૃત્તિઓમાં રાજેશભાઈ ધર્મજની જલારામ જનસેવા ટ્રસ્ટ સહિત અનેક સંસ્થાઓમાં સેવાઓ આપી રહ્યા છે. ધર્મજના દર વર્ષે ઉજવાતા ધર્મજ ડે નું તેઓએ વર્ષ 2007થી 2017 સુધી સફળ સંચાલન કર્યું હતું. લેખનના શોખિન એવા રાજેશભાઈએ અત્યાર સુધીમાં બેસ્ટ સેલર પુસ્તક જીવન પથનાં પગથિયાં ઉપરાંત કોફી ટેબલ બુક્સ, વંશાવલી, ધર્મજ એક ઉદાહરણીય ગામ, ચાલો ધર્મજ, ચાલો ચરોતર જેવા પુસ્તકો સમાજને ભેટ આપ્યા છે. ભાજપ માટે પણ તેઓએ ભાજપ સંગઠન સાથે મારા અનુભવો, કાર્યક્રમ સંચાલન જેવા પુસ્તકો પણ લખ્યાં છે.
શૈક્ષણિક ક્ષેત્રે તેઓએ કોલેજ કાળથી જ બી એન્ડ બી પોલિટેકનીકમાં જનરલ સેક્રેટરી બની નેતૃત્વનો પાયો નાંખ્યો હતો. બાદમાં એસપી યુનિવર્સિટીમાં સમયાંતરે સિન્ડીકેટ સભ્ય, સ્પોર્ટ્સ એન્ડ વેલફેર બોર્ડના ચેરમેન, સરકારના પ્રતિનિધી વગેરે જેવી સેવાઓ પણ આપી ચૂક્યા છે. સહકારી ક્ષેત્રે રાજેશભાઈ ગુજરાત સ્ટેટ કો ઓપરેટિવ હાઉસિંગ ફાયનાન્સ કોર્પોરેશનના ડિરેક્ટર તથા ચરોતર ગ્રામોદ્ધાર સહકારી મંડળી લિ.માં પણ ડિરેક્ટર રહી ચૂક્યા છે. સ્પોર્ટ્સ, એનસીસી, ફોટોગ્રાફી જેવી પ્રવૃત્તિઓના શોખીન રાજેશભાઈ પટેલ પેટલાદની રોટરી ક્લબ, ચેમ્બર ઓફ કોમર્સ જેવી સેવાભાવી સંસ્થાઓમાં પણ જવાબદારી સંભાળી ચૂક્યા છે.
રાજકીય કારકિર્દીની વાત કરીએ તો રાજેશભાઈ પટેલ ધર્મજ ગ્રામ પંચાયત અને આણંદ જીલ્લા પંચાયતમાં સભ્ય તરીકે ચૂંટાઈ સેવાઓ આપી ચૂક્યા છે. વર્ષ 2007માં તેઓ પેટલાદ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડી ચૂક્યા છે. જો કે તેઓ કોંગ્રેસના નિરંજનભાઈ પટેલ સામે ખૂબ જ ઓછાં માર્જિનથી હારી ગયા હતા. છતાં તેઓ આજદિન સુધી ભાજપ સંગઠન સાથે સંકળાયેલા અને સક્રિય આગેવાનની ભૂમિકામાં છે. હવે જોવાનું એ રહેશે કે આણંદ જીલ્લાના ભાજપ સંગઠનમાં તેઓ કેવો બદલાવ લાવે છે ? શું પાર્ટીનો આંતરકલહ ઠંડો પાડી શકશે ? શું જીલ્લાની નગરપાલિકાઓ, તાલુકા પંચાયતોના વહિવટનું સુચારૂં આયોજન કરી શકશે ? પાર્ટીમાં ચાલતી જૂથબંધીને એક કરવામાં કેટલા સફળ થાય છે એ પણ ખૂબ મોટો પડકાર રાજેશભાઈ પટેલ સામે હોવાની વાત ચર્ચાના એરણે છે !