સુરત: ગ્રીષ્મા હત્યાકાંડે આખાય ગુજરાતને હચમચાવી મુક્યું છે. ખમીરવંતી પ્રજા પાટીદારોના ખમીરને ઢંઢોળી દીધું છે. એક તરફ પાટીદાર યુવતીની ઘાતકી હત્યાનું દુ:ખ છે તો બીજી તરફ સમાજના જ એક યુવાને આ ક્રુરતા આચરી હોવાના લીધે સમાજ શરમમાં મુકાયો છે, ત્યારે આજે પાટીદાર સમાજના ગુજરાતના ટોચના નેતા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલે ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરીયા અને કાકા અશોક વેકરીયા સાથે ટેલિફોનીક વાતચીત કરી પરિવારને આશ્વસન આપવા સાથે એવી વાત કરી હતી જે આગામી દિવસોમાં પાટીદાર સમાજમાં મોટી નવાજૂનીના એંધાણના સંકેત આપી ગઈ છે.
- પાટીદાર સમાજ ગ્રીષ્માના પરિવારની પડખે, આરોપી વિરુદ્ધ કાર્યવાહીમાં મદદરૂપ થવા નરેશ પટેલે ખાતરી આપી
- ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પરિવારની મુલાકાત લીધી, આરોપીને ઝડપથી આકરી સજા થાય તે માટે સરકાર કટીબદ્ધ હોવાનું આશ્વસન આપ્યું
- સમાજના આગેવાન દિનેશ નાવડીયાએ કહ્યું, સુરતનો પાટીદાર સમાજ યુવાનોને સુધારવા માટે અભિયાન ઉપાડશે
ગઈ તા. 12 ફેબ્રુઆરીને શનિવારના રોજ ફેનિલ ગોયાણી નામના યુવકે ગ્રીષ્મા વેકરીયા નામક યુવતીની તેના જ ઘર નજીક માતા અને ભાઈની નજર સામે ચપ્પુથી ગળું કાપી ઘાતકી હત્યા કરી હતી. આ ઘટનાનો લાઈવ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેર, રાજ્ય સહિત સમગ્ર દેશ હચમચી ઉઠ્યો હતો. તાલિબાનીની જેમ ફેનિલે એક માસૂમ યુવતીનું ગળું કાપી નાંખ્યાની ઘટનાએ લોકોના મનને ઢંઢોળી દીધા છે. આ ઘટના બાદ પાટીદાર સમાજે સંસ્કારના માર્ગ પરથી ભટકેલા યુવાનોને સુધારવા અને સમાજની દીકરીઓને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવાની મૂવમેન્ટ ઉપાડવાનું નક્કી કર્યું છે, ત્યારે આ ઘડીએ પાટીદાર સમાજના નેતા નરેશ પટેલે પણ સમાજના નેતા તરીકેની પોતાની નૈતિક જવાબદારી નિભાવતા ગ્રીષ્માના પરિવાર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી.
નરેશ પટેલે આજે બપોરે ગ્રીષ્માના પિતા નંદલાલ વેકરીયા અને કાકા અશોક વેકરીયા સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નરેશ પટેલે ગ્રીષ્માની ક્રુર હત્યા બદલ દુ:ખ વ્યક્ત કર્યું હતું અને પરિવારને સાંત્વના આપી હતી. આ સાથે જ પાટીદાર સમાજ પરિવારની પડખે હોવાની ખાતરી આપી હતી. આ કેસમાં ઝડપથી આરોપી વિરુદ્ધ કાર્યવાહી કરાય તે માટે સરકારમાં પાટીદાર સમાજ દ્વારા રજૂઆત કરાઈ છે અને ક્યાંય તપાસમાં કોઈ કચાશ જણાય તો પોતે મદદની પરિવારને ખાતરી આપી હતી.
આરોપીને ઝડપથી સજા થાય તે માટે સરકાર કટીબદ્ધ: સી.આર. પાટીલ
ગુરુવારે સાંજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે ગ્રીષ્માના પરિવારની મુલાકાત લીધી હતી. આ તબક્કે સી.આર. પાટીલે કહ્યું હતું કે, ઘટનાના પુરાવા જગજાહેર છે. પોલીસ ખૂબ જ ઝડપથી તપાસ આટોપવાની દિશામાં કામ કરી રહી છે. આ ઘટનાએ આખાય દેશને હચમચાવી મૂક્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યક્તિગત રીતે કેસમાં તપાસની પ્રગતિ પર નજર રાખી રહ્યાં છે. ઝડપથી આરોપીને આકરી સજા થાય તે માટે સરકાર કટીબદ્ધ છે અને આવશ્યક સૂચનાઓ પોલીસ વિભાગને આપી દેવાઈ છે.
ગ્રીષ્મા હત્યાકાંડે સમાજને હચમચાવી દીધો, 22મીએ મનોમંથન મિટીંગ: દિનેશ નાવડીયા
પાટીદાર સમાજના એક યુવકે સમાજની જ યુવતીનું તાલીબાનની જેમ ગળું ચીરી નાંખ્યું તે ઘટનાએ સમાજને હચમચાવી દીધો છે. સમાજના યુવાનો આડે માર્ગે જતા રહ્યાં હોવાનું ચિત્ર ઉભું થયું છે. પોલીસ કપલ બોક્સ, સ્મોકિંગ ઝોન બંધ કરાવી રહી છે, પરંતુ હવે સમાજના આગેવાનો પણ ચૂપ નહીં બેસે. તા. 22મી ફેબ્રુઆરીને મંગળવારના રોજ સમાજના 500 આગેવાનોની એક મિટીંગ મળશે, જેમાં આગામી દિવસોમાં સમાજના યુવાનોને સુધારવા માટે કયા પગલાં લેવા તે બાબતે ચર્ચા થશે.