Editorial

પાટીદાર અનામત આંદોલન: 7 વર્ષે પાસના નેતાઓ રાજકારણમાં અને સમાજને કશું મળ્યું નહીં

ગુજરાત રાજ્યની રચના બાદ અનેક વખત આંદોલનો થયા પરંતુ તેમાં જો યાદ રહી જાય તેવા આંદોલનો હોય તો તે નવનિર્માણ, અનામત અને છેલ્લે 2015માં થયેલું પાટીદારોનું અનામત આંદોલન ગણી શકાય. આ તમામ આંદોલનમાં ઉભા થયેલા નેતાઓ બાદમાં રાજકીય નેતાઓ બનીને કોઈને કોઈ પક્ષમાં સમાઈ ગયા હતા. આજ સ્થિતિ હવે પાટીદાર અનામત આંદોલનના નેતાઓની પણ થઈ છે. પાટીદાર અનામત આંદોલન માટે 2015માં હાર્દિક પટેલ દ્વારા પાટીદાર અનામત આંદોલન સમિતી એટલે કે પાસની રચના કરવામાં આવી હતી. આ પાસ દ્વારા મોટાપાયે આંદોલન છેડવામાં આવ્યું હતું. સુરતમાં વિશાળ રેલી હાર્દિક પટેલ દ્વારા કાઢવામાં આવી હતી અને સુરતમાં તોફાનો પણ થયા હતા. ત્યાં સુધી કે સુરતમાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં કરફ્યુ નાખવાની ફરજ પડી હતી.

પાસે જ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનો ભોગ લીધો હતો અને છેક કેન્દ્રની મોદી સરકારને એ ફરજ પડી હતી કે 10 ટકા ઈડબલ્યુએસ માટે અનામતની જોગવાઈ કરવામાં આવે. જોકે, આંદોલન છેડનારી આ પાસ સમિતીનો બાદમાં જો કોઈએ તેનો પહેલો રાજકીય ફાયદો ઉઠાવ્યો હોય તો તે હાર્દિક પટેલ છે. હાર્દિક પટેલ બાદ રેશ્મા પટેલ, વરૂણ પટેલ પણ રાજકીય પાર્ટીઓમાં જોડાઈ ગયા હતા. હાર્દિક પટેલે પહેલા કોંગ્રેસ અને છેલ્લે છેલ્લે ભાજપને પસંદ કરી લીધું. જ્યારે વરૂણ પટેલને હવે કોઈ પુછતું નથી. આજ સ્થિતિ રેશ્મા પટેલની છે. રેશ્મા પટેલે પહેલા ભાજપ અને બાદમાં ભાજપે વધુ કોઠું નહીં આપતા એનસીપી જોઈન કરી લીધી હતી. બાદમાં રેશ્મા પટેલને ગોંડલ વિધાનસભા માટે ટિકીટ નહીં આપવામાં આવતાં રેશ્મા પટેલે આપ પાર્ટી જોઈન કરી લીધી.

આ નેતાઓ રાજકીય નેતાઓ બની જવા છતાં પણ પાસના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયા બાકી હતા પરંતુ હવે તે બંને પણ આપના ઉમેદવાર બની ગયા છે. આ રીતે પાસનું ‘અચ્યુત્તમ કેશવમ’ થઈ ગયું છે. પાટીદાર અનામત આંદોલનથી આમ તો કોઈ ખાસ ફાયદો પાટીદારો કે અન્યોને થયો નથી. સરકારે આ આંદોલનને કારણે 10 ટકા ઈડબલ્યુએસ અનામત આપી પરંતુ માત્ર પાટીદારો જ નહીં પરંતુ જે પરિવારની આવક 8 લાખથી ઓછી હોય તેવા તમામ તેનો લાભ લઈ શકે. આ જોતા પાટીદારોને વિશેષ કશું જ મળ્યું નથી. આંદોલનમાં પાટીદારો દ્વારા અનેક મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા પરંતુ તે મુદ્દાઓ બાજુ પર રહી ગયા અને નેતાઓએ રાજકીય પાર્ટીઓ સાથે ગોઠવણો કરી લીધા. સરવાળે આંદોલન કરનાર પાટીદાર સમાજ માટે ફરી એજ સ્થિતી આવીને ઊભી રહી છે.

અત્યાર સુધી પાસનું અસ્તિત્વ હતું. પાસમાં મોટાભાગે યુવાનો જોડાયેલા હોવાને કારણે તેમાં થનગનાટ જોવા મળતો હતો પરંતુ હવે પાસના નેતાઓ રાજકીય નેતાઓ બની ગયા હોવાથી તેનું અસ્તિત્વ પુરૂં થઈ ગયું છે. ત્યાં સુધી કે કહે છે કે, અલ્પેશ કથિરીયા દ્વારા પાસનું વિસર્જન પણ કરી દેવામાં આવ્યું છે. અને તમામને રાજકીય કાર્યક્રમોમાં લગાડી દેવામાં આવ્યા છે. આ જોતા આગામી દિવસોમાં પાસના રહી ગયેલા નેતાઓ પણ અન્ય રાજકીય પાર્ટીઓમાં જોડાઈ જવાની સંભાવના છે. જે પાસ 2015માં રચાઈ હતી તેનું હવે 7 વર્ષ બાદ 2022માં વિસર્જન થઈ ગયું હોવાની સ્થિતિ છે.

Most Popular

To Top