Business

પાટીદાર, પ્રેશર અને નરેશ પટેલ!!

કાગવડધામ ખાતે લેઉઆ અને કડવા પટેલ અગ્રણીઓની શનિવારે એક બેઠક મળી હતી. આમ તો આ બેઠક પછી ખોડલધામના ચેરમેન નરેશ પટેલે એવું કહ્યું હતું કે, ખાસ કરીને સંગઠનને કેવી રીતે મજબૂત કરવું અને પાટીદાર સમાજને રાજકીય પ્રભુત્વ કેવી રીતે મળે તે અંગે મંથન કરવામાં આવ્યું હતું. ખરેખર કોઈ રાજકીય પક્ષની બેઠક થાય ત્યારે ખળભળાટ મચવો જાેઈએ, પણ ગુજરાતમાં જ્યારે જ્યારે પાટીદાર સમાજની બેઠક થઈ છે ત્યારે રાજકીય માહોલ ગરમાયો છે. ઈતિહાસ આનો સાક્ષી છે.

શનિવારની બેઠકમાં ગુજરાતની પ્રજા અને ભારતીય જનતા પાર્ટીને એવો મેસેજ આપવામાં આવ્યો હતો. કે, દરેક પાટીદાર સંસ્થા એક નેજા હેઠળ આવશે અને હવેથી લેઉઆ-કડવા નહીં, પણ પાટીદાર લખાશે. આ ઉપરાંત એવું નિવેદન પણ આવ્યું છે કે, આ વખતે કોઈ પાટીદાર નેતા રાજ્યના સીએમ તરીકે જાેવા મળે તેવી સમાજની ઈચ્છા છે! આટલું જ નહીં નરેશ પટેલે આમઆદમી પાર્ટીના ભરપેટ વખાણ કરીને એક નવો ફણગો ફોડ્યો હતો.

હવે ચર્ચા એ શરૂ થઈ ગઈ છે કે, ખોડલધામના નરેશ પટેલને ચૂંટણીઓ નજીક આવે ત્યારે જ સમાજ કેમ યાદ આવે છે? બરાબર ચૂંટણી પહેલાં જ સમાજનાં લોકોને એકઠાં કરી બંધ બારણે બેઠકો કેમ કરે છે? અને બેઠકો કર્યાં પછી પોતે મૌન ધારણ કેમ કરી લે છે? ચૂંટણી લડશે કે નહીં, કયા પક્ષને ટેકો આપશે તેની કોઈ ખૂલીને વાત પણ નથી કરતાં. શનિવારે ફરી ખોડલધામ ખાતે લેઉઆ અને કડવા પટેલ સમાજના આગેવાનો મળ્યા હતા. હજુ વિધાનસભા ચૂંટણીને દોઢ વર્ષ જેટલી વાર છે છતાં આટલી વહેલી તૈયારી કેમ? એવા અનેક સવાલો ચર્ચાવા માંડ્યા છે.

બેઠક શરૂ થાય એ પહેલાં જ નરેશ પટેલ પાછું એવું બોલ્યા હતા કે કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી. આગામી સીએમ પાટીદાર સમાજનો હોય એવી ઈચ્છા છે. ગુજરાતમાં પાટીદાર સમાજ વિશાળ સંખ્યામાં હોવાથી સરકાર તેમજ વહીવટી તંત્ર બંનેમાં પાટીદાર સમાજને વધુમાં વધુ સ્થાન મળે એ વિશે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. હાલ ભાજપ અને કોંગ્રેસમાં બંનેમાં અધ્યક્ષસ્થાને પાટીદારોની ચર્ચા થઈ રહી છે. હજુ ૧૫ મહિના પછી ચૂંટણી યોજાવાની છે ત્યારે પાટીદારો ચૂંટણીમાં કયા પક્ષ સાથે હશે એ કહેવું મુશ્કેલ છે.

નરેશ પટેલે એવું પણ કહ્યું હતું કે, કોરોનાકાળમાં ક્યાંક ને ક્યાંક તંત્ર ફેલ ગયું છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજાે પક્ષ ફાવ્યો નથી, પરંતુ હાલ ‘આપ’ જે રીતે આગળ વધી રહ્યું છે એ જાેતાં ભવિષ્યમાં ‘આપ’નું વર્ચસ્વ હશે, એવું મને લાગે છે. ‘આપે’ ગુજરાતમાં એન્ટ્રી કર્યા બાદ ઘણાં સારાં કામ કર્યાં છે અને એની કામ કરવાની શૈલી પણ ઉમદા હોવાને કારણે ભવિષ્ય ઘણું ઊજળું દેખાઈ રહ્યું છે, પરંતુ કેશુભાઈ પટેલ જેવા આગેવાન હજુ સુધી મળ્યા નથી.

તો શું આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રાજકીય સમીકરણો બદલાઈ જશે? મહામારી વખતે સરકારની નિષ્ફળતા, પાટીદારોનો સરકારથી દૂરી બનાવી રાખવાનો માહોલ, પાટીદાર સમાજના બે પાયાનું એક છત્ર નીચે આવવું વગેરે બાબતો ગુજરાતનું રાજકીય ચિત્ર બદલી નાખશે? અલબત્ત, એ તો સમય જ જણાવશે, પણ ગુજરાતમાં ધર્મનો સમાજ પર અને સમાજનો રાજકારણ પર પ્રભાવ નોંધપાત્ર રહ્યો છે. હા, ગુજરાતમાં ત્રીજાે મોરચો ક્યારેય ફાવ્યો નથી. હવે શું થશે એ ખબર નથી!

લેઉઆ પાટીદાર સમાજનો ગુજરાતના રાજકારણ પર પ્રભાવ રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલના સમયથી છે. કેશુભાઈ પટેલ ઉપરાંત ગોરધન ઝડફિયા, વિઠ્ઠલ રાદડિયા જેવા લેઉઆ પટેલ નેતાઓ, આ સમાજના ઉદ્યોગપતિઓનો પણ ભાજપ અને ગુજરાતના રાજકારણમાં દબદબો રહ્યો હતો.

ઈતિહાસને તપાસીએ તો કેશુભાઈ પટેલને સ્થાને મુખ્ય મંત્રી બન્યા બાદ ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપને બહુમતીથી ફરી વખત સત્તામાં લઈ આવેલાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં જ્ઞાતિના રાજકારણનાં સમીકરણો બદલાયાં હતાં. વળી, ગોરધન ઝડફિયાએ ૨૦૦૫માં ગુજરાતના મંત્રીમંડળના વિસ્તરણ સમયે શપથવિધિ સમારંભમાં મંત્રીપદનો અસ્વીકાર કરીને પક્ષમાં રહેલા આંતરિક અસંતોષને જાહેર કરી દીધો હતો. ઝડફિયાએ એ પછી ૨૦૦૬માં ‘મહાગુજરાત જનતા પાર્ટી’ ઊભી કરીને ૨૦૦૯ની લોકસભા ચૂંટણી અને ૨૦૧૦ની મ્યુનિસિપલ કોર્પોરેશન્સની ચૂંટણીઓમાં પણ ભાજપના મત ઘટાડવાના પ્રયાસો કર્યા હતા.

એ સમયે ખોડલધામનું નામ ગુજરાતમાં ખાસ જાણીતું નહોતું. ૨૦૧૦ પહેલાં રાજકોટ જિલ્લાના કાગવડ પાસે આવેલું ખોડલધામ લેઉઆ પાટીદાર સમાજનાં કુળદેવી ખોડિયાર માતાનું માત્ર મંદિર હતું અને સમાજનું આસ્થાનું સ્થળ ગણાતું હતું. ખોડલધામ ટ્રસ્ટ માત્ર લેઉઆ પાટીદાર સમાજના સંગઠનની ઓળખ હતું. જાે કે, ખોડલધામ ચર્ચામાં ૨૦૧૨માં આવ્યું હતું. એ વખતે રાજ્યના ૨૧ લાખ કરતાં વધુ લેઉઆ પાટીદારોને કાગવડમાં ખોડલધામ ખાતે એકઠા કરીને વિશ્વવિક્રમ રચવાનો કાર્યક્રમ નરેશ પટેલના નેતૃત્વમાં યોજવામાં આવ્યો હતો. વળી, બિનરાજકીય સામાજિક સંગઠન ખોડલધામ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મંચ પર એકમાત્ર રાજકીય નેતા કેશુભાઈ પટેલને પાટીદાર સમાજના અગ્રણી તરીકે સ્થાન આપવામાં આવ્યું હતું. એ વખતે ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદી હતા. એ વખતે પહેલી વાર ખોડલધામ ચર્ચામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ખોડલધામ દ્વારા શક્તિ પ્રદર્શન હતું કે લેઉઆ પાટીદાર સમાજની એકતા માપવાનો પ્રયાસ? એ કોઈને સમજાયું ન હતું. જાે કે, આ કાર્યક્રમના માત્ર સાત મહિના પછી ઓગસ્ટ, ૨૦૧૨માં કેશુભાઈ પટેલે ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ની સ્થાપના કરી હતી. એ સાથે ગોરધન ઝડફિયાના રાજકીય પક્ષ ‘મહાગુજરાત જનતા પાર્ટી’નું કેશુભાઈની પાર્ટીમાં વિલીનીકરણ પણ થયું હતું. એટલે કે, ગુજરાતમાં ત્રીજાે મોરચો ઊભો થઈ ગયો હતો. ત્યાર બાદ ડિસેમ્બર, ૨૦૧૨માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં માત્ર ચાર મહિના પહેલાં સ્થપાયેલા રાજકીય પક્ષ ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ને માત્ર બે બેઠક મળી હતી! આ ઉપરાંત અનેક બેઠકો પર પરિવર્તન પાર્ટીએ ભાજપને ખાસ અસર કર્યાં વગર પાટીદાર મતોનું વિભાજન કરી નાખ્યું હતું.

સૌરાષ્ટ્રની પાટીદારોના બહુમતી મતો ધરાવતી બેઠકો પર જાેવા મળેલાં એ મત વિભાજન પાછળ માત્ર કેશુભાઈ પટેલના રાજકીય પ્રભાવને કારણે જ નહીં, પરંતુ ખોડલધામ દ્વારા જાન્યુઆરીમાં યોજાયેલા વિશ્વવિક્રમ રચવા માટે યોજાયેલા એ કાર્યક્રમની અસર પણ માની શકાય. કાગવડમાં યોજાયેલા વર્ષ ૨૦૧૨ના લેઉઆ પટેલ સમાજના એ મેળાવડા બાદ નરેશ પટેલ પોતાના પદ અને કદથી બિલકુલ વાકેફ છે. પોતાના એક વાક્યની અસર સામાજિક અથવા રાજકીય પરિપ્રેક્ષ્યમાં શું થઈ શકે છે તે વિશે તેઓ હંમેશાં સભાન હોય છે. તેમનાં નિવેદનો પણ જાેખીને અપાયેલાં હોય છે. નરેશ પટેલની એક ખાસિયત છે, તેઓ કહેવાનું કહી દઈને મૌન સાધી લે છે. પૂરતી સજાગતાને કારણે નરેશ પટેલ નિવેદનને કારણે ક્યારેય કોઈ રાજકીય વિવાદમાં ફસાયા નથી.

આ તો ઈતિહાસ હતો. હવે વાત કરીએ વર્તામાનની તો છેલ્લા ઘણા વખતથી એવી વારંવાર ચર્ચા સાંભળવા મળી છે કે, પાટીદાર સમાજના મુખ્ય મંત્રી પદના દાવેદાર નરેશ પટેલ છે. નરેશ પટેલ લેઉઆ પાટીદાર છે. રાજકોટમાં જ જન્મ્યા અને ઉછર્યા છે. આજે તેઓ દેશના એક મોટા ઉદ્યોગપતિ છે. તેમની કંપની દ્વારા બનાવાતાં બોલબેરિંગ દુનિયાના ૩૦થી વધુ દેશોની એન્જિનિયરિંગ કંપનીઓ ઉપયોગમાં લે છે. સામાજિક ક્ષેત્રે તેઓ ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી, ચેરમેન છે. ખોડલધામ ઉપરાંત રાજકોટની વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે પણ જાેડાયેલા છે. નરેશ પટેલ ત્રણ ભાઈઓમાં સૌથી નાના છે, તેમને ત્રણ બહેનો પણ છે. નરેશ પટેલનાં પત્નીનું નામ શાલીનીબહેન છે. સંતાનમાં બે દીકરીઓ અને એક દીકરો છે.

હવે જાેવાનું એ રહે છે કે, જે રીતે ભૂતકાળમાં કદાવર નેતા કેશુભાઈ પટેલ ત્રીજાે મોરચો ઊભો કર્યાં પછી સફળ થયા નહોતા ત્યારે પાટીદાર સમાજ કેજરીવાલની પાર્ટી ‘આપ’ને સપોર્ટ આપે છે કે કેમ? અથવા તો પ્રેશર ઊભું કરીને સરકારમાં પાટીદારોનું પ્રભુત્વ વધારી શકે છે કે કેમ? કોણ કોનો ઉપયોગ કરશે? એ તો આગામી સમયમાં જાેવું રસપ્રદ બનવાનું છે. કોરોના મહામારીને હેન્ડલ કરવામાં નિષ્ફળ ભાજપની સરકાર પર આમ પણ પહેલેથી પ્રેશર છે. તેમાં હવે ગુજરાતમાં ‘આપ’ની એન્ટ્રી અને પાટીદાર સમાજના બંને ચોકાઓ એક છત્ર નીચે આવ્યા છે ત્યારે આગામી સમયમાં રાજકીય સમીકરણો કેવાં હશે એ અત્યારથી કહેવું મુશ્કેલ છે. જે કંઈ થશે, થશે તો રસપ્રદ જ.

Most Popular

To Top