સુરત: આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ પાટીદાર આંદોલનના સુરતના ચહેરા એવા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા વિધિવત રીતે આવતીકાલે તા. 27મી એપ્રિલના રોજ ભાજપમાં જોડાશે. 9 વર્ષ પહેલાં સુરતમાં જે સ્થળેથી પાટીદાર આંદોલન શરૂ થયું હતું તે જ સ્થળ પર આ બંને યુવાન પાટીદાર નેતાઓ આવતીકાલે 200 જેટલાં યુવાન કાર્યકરો સાથે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરશે.
વર્ષ 2015માં સુરતના માનગઢ ચોકમાં આવેલી સરદાર વલ્લભભાઈની પ્રતિમા પાસેથી પાટીદાર આંદોલનની શરૂઆત થઈ હતી. સમગ્ર આંદોલનનું કેન્દ્રબિંદુ માનગઢ ચોક રહ્યું હતું. ત્યારે હવે પાટીદાર આંદોલન સમિતિ સાથે સંકળાયેલા આ યુવાન નેતાઓ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ સહિતના નેતાઓની હાજરીમાં ભાજપમાં જોડાવા જઈ રહ્યાં છે. વિધિવત રીતે બન્ને પોતાના સમર્થકો સાથે આવતીકાલે તા. 27 એપ્રિલના રોજ ભાજપમાં જોડાશે. જો કે, ભાજપમાં જોડાવા પાછળનું કારણ શું છે તે અંગે બંને નેતાઓએ કોઈ ખુલાસો કર્યો નથી.
એક મીડિયા ઈન્ટરવ્યુમાં ધાર્મિક માલવિયાએ કહ્યું કે, વડીલો તથા સમાજના યુવાનોની ઈચ્છા અનુસાર નિર્ણય લીધો છે. લોકસભાની ચૂંટણી પહેલાં જ આ વિષય પર બેઠકો યોજી ચર્ચા કરવામાં આવી હતી. આપમાંથી રાજીનામા આપ્યા બાદ યુવાનો સાથે બેઠકો યોજી હતી. તેમના મંતવ્યો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં તમામની એક જ ઈચ્છા હતી કે સતાપક્ષ સાથે રહીએ. જેથી આવતીકાલે ભાજપમાં વિધિવત રીતે જોડાવાનું નક્કી કર્યું છે.
નોંધનીય છે કે પાટીદાર આંદોલનમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ ખૂબ કામ કર્યું હતું. બંને વિરુદ્ધ રાજ્યમાં 100થી વધુ કેસ ચાલી રહ્યાં છે. અલ્પેશ અને ધાર્મિક બંને આમ આદમી પાર્ટી તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી હારી ચૂક્યા છે. ઈલેક્શન હાર્યા બાદથી બંને નિષ્ક્રિય હતા. આખરે બંને યુવાન નેતાઓએ સત્તા વિના કશું કરી શકાય નહીં તે સમજી ગઈ તા. 18મીએ આપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું અને હવે તેઓ બંને ભાજપમાં જોડાશે.