સુરત (Surat) : વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણી (Assembly Election) અને સુરત મનપાની (SMC) 2020ની ચૂંટણીમાં ભાજપને (BJP) પાટીદાર આંદોલનના (Patidar Andolan) કારણે મોટુ નુકશાન સહન કરવુ પડ્યું હતું. તેથી છેલ્લા ચાર પાંચ વર્ષથી ભાજપના ટોચના નેતાઓ સતત પાટીદાર સમાજને રીઝવવા મહેનત કરી રહ્યા છે. ત્યારે ભાજપના યુવા નેતા બનવા માટે હવાતીયા મારી રહેલા શહેર ભાજપના પૂર્વ યુવા પ્રમુખ મનીષ કાપડિયાએ એક ધાર્મિક કાર્યક્રમમાં પાટીદાર આંદોલનને નિશાન બનાવી એવુ કહ્યુ હતુ કે, પાટીદાર આંદોલનથી બીજુ કંઇ મળ્યું કે નહીં તે ખબર નથી. પરંતુ ફેનિલ જેવા 1000 ગુંડા પેદા થયા છે. તેમના આ નિવેદનથી યુવાનોને ન્યાય માટે લોહી વહેડાવનાર પાટીદાર સમાજના કાર્યકરો અને સમાજના અન્ય સભ્યોની લાગણી દુભાઇ છે. અને ભાજપના નેતાઓની દાઢમાં હજુ પણ પાસના યુવા કાર્યકરો નિશાન પર છે. તેવી પ્રતીતિ થઇ હોય ભાજપના નેતાઓની પાટીદાર સમાજને રીઝવવાના પ્રયાસો પર પાણી ફેરવવા પ્રયાસ થયો હોવાની લાગણી ઉભી થઇ છે.
વરાછામાં જ સ્વામીનારાયણ સંપ્રદાયના એક ધાર્મિક કાર્યક્રમનાં મંચને મનીષ કાપડિયાએ શહેરીજનોની લાગણી સાથે જોડાયેલા ગ્રીષ્મા હત્યા કેસનો સહારો લેવાનો પ્રયાસ કરીને પાસના આંદોલન સાથે જોડાયેલા યુવાનોને જાણે ગ્રીષ્માના હત્યારા ફેનિલ સાથે સરખાવતો હોય તેમ એવુ નિવેદન કર્યું હતુ કે પાસના આંદોલનથી ફાયદો કે નુકસાન થયાની ખબર નથી. પણ વરાછા રોડ પર ફેનિલ જેવા એક હજાર ટપોરીઓ પેદા થયા છે. મનીષ કાપડિયાનું આ નિવેદન સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં જ પાટીદાર અનામત આંદોલન સમિતિનાં નેતાઓ અને કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. દરમિયાન મનીષ કાપડિયાના આવા બેજવાબદાર નિવેદનથી નારાજ થઇને પાટીદાર આંદોલન સમિતિના ધાર્મિક માલવિયાએ સખ્ત શબ્દોમાં ઝાટકણી કાઢતી પોસ્ટ ફેસબુક પર મૂકી હતી. સાથે સાથે જ પાટીદાર સમાજના અનેક યુવાનો અને લોકોએ મનીષ કાપડિયાની ઝાટકણી કાઢતી પોષ્ટ મુકતા ફરી એકવાર રાજકીય વમળો પેદા થયા હતા અને સ્વામીનારાયણ સંપ્રદાયના મંચને રાજકીય મહત્વકાંક્ષા સંતોષવાનું તેમજ પાટીદાર સમાજને નિશાન પર લેવાનું માધ્યમ બનાવવા બદલ મનીષ કાપડિયા સામે ભાજપના નેતાઓમાં પણ નારાજગી ફેલાઇ હતી.
સોશિયલ મીડિયામાં મનીષ કાપડિયાનો ફજેતો થતા માફી માંગી થૂંકેલું ચાટ્યું
સોશિયલ મીડીયામાં જુદી જુદી પોસ્ટ પર પાસનાં કાર્યકર્તાઓએ તેમજ પાટીદાર સમાજના લોકોએ મનીષ કાપડિયાને કેન્દ્રમાં રાખીને ઝાટકણી કાઢતી પોસ્ટનો મારો ચલાવ્યો હતો. અને માત્ર ગાળો દેવાનુ જ બાકી રાખ્યુ હતુ. મનીષ કાપડિયાના ફજેતાના પગલે ભાજપ પણ શરમજનક સ્થિતિમાં મુકાયો હતો. દરમિયાન મનીષ કાપડિયાએ સોશિયલ મીડીયામાં પોતાના નિવેદન બદલ માફી માગતો વિડીયો પોસ્ટ કરીને થુંકેલુ ચાટવાની ફરજ પડી હતી. તેણે વિડીયા મુકી જણાવ્યુ હતુ કે મારી સ્પીચની અંદર જે રીતે વરાછા રોડ પર ટપોરીઓ વધે છે અને ગ્રીષ્મા હત્યાકાંડ જેવી ઘટનાઓ બને છે એ બાબતમાં મેં વાત કરી હતી. પણ ક્યાંકને ક્યાંક વાત પાટીદાર અનામત આંદોલન સમિતિ સાથે જોડાય તેવું કેટલાક મિત્રોને લાગે છે. તો આમાં કોઇને પણ મારા નિવેદન બદલ કોઇ ઠેસ પહોંચી હોય તો હું બે હાથ જોડીને માફી માગું છું.
તાજેતરમાં ચેમ્બરની ચૂંટણીમાં ઝંપલાવવા પણ હવાતિયા માર્યા હતા
યોગ્યતા વગર જ માત્ર વજનદાર નેતાની ચાપલુસીના કારણે ટુંકા સમય માટે સુરત ભાજપના યુવા મોરચાના પ્રમુખ બની ચુકેલા મનીષ કાપડિયાએ તાજેતરમાં બિન રાજકીય સંગઠન એવા ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણીમાં વાઇસ પ્રેસિડેન્ટ પદે ઉમેદવારી કરી અહી પણ રાજકીય રોટલો શેકવા હવાતીયા માર્યા હતા. પરંતુ તેની સામે ચેમ્બરનાં મોટા ભાગના સભ્યોએ ઉકળાટ ઠાલવતા ચેમ્બરમાં રાજકારણ રમવાની કારી ફાવી નહોતી.
મનીષ કાપડિયા પાટીદારોને રીઝવવાના સી.આર.પાટીલના પ્રયાસો ઉંધા પાડવા હાથો બન્યાની ચર્ચા
છેલ્લા થોડા સમયથી ભાજપ સામેનો પાટીદાર સમાજનો રોષ શાંત થઇ રહ્યો છે. ભાજપે પાટીદાર નેતા ભુપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યા બાદ કેન્દ્રમાં પણ પાટીદાર સમાજને મહત્વ આપ્યુ છે. દરમિયાન પાટીદાર સમાજની ભાજપ સામેની રહી સહી નારાજગી દુર કરવા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ સામે મજબુત વિપક્ષ તરીકે ઉભરી રહેલા આમ આદમી પાર્ટીમાં પણ પાટીદાર નેતાઓ મજબુતીથી ઉભરી રહ્યા હોય સી.આર.પાટીલના પ્રયાસ પર પાણી ફેરવવા મનીષ કાપડિયાની અપરીપક્વતાનો ગેરલાભ ઉઠાવી રાજકીય નેતાઓનો હાથો મનીષ કાપડિયા બન્યા હોવાની ચર્ચા ઉઠી છે.
તમારી સરકારની નિષ્ફળતા અને નપુંસકતાને કારણે દુષણો પ્રવેશ્યા તે હવે સ્વીકારી લો : ધાર્મિક માલવિયાનો વળતો પ્રહાર
મનીષ કાપડિયાના બિન જવાબદાર નિવેદનના કારણે શાંત થયેલા પાસના નેતાઓએ ફરી સરકાર સામે ફુંફાડો માર્યો હતો તેમજ સોશિયલ મીડીયામાં પાસના ધાર્મિક માલવિયાએ વળતો પ્રહાર કરતાં જણાવ્યુ હતુ કે, તમારી સરકારની નિષ્ફળતા અને નપુંસકતાને પરિણામે સમાજમાં દૂષણો પ્રવેશ્યા છે તે સ્વીકારો. આંદોલનથી શું ફાયદો થયો તે ગુજરાતના કરોડો લોકો જાણે છે. ધાર્મિક માલવિયાએ આ પોસ્ટમાં મનીષને પણ ટેગ કર્યો હતો.