સુરત મનપાની ચૂંટણીઓના પરિણામોમાં વરાછા વિસ્તારમાં પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં ફરી એકવાર ભાજપનો કરૂણ રકાસ થયો છે. તેમજ 120 બેઠક જીતવાનાં સપનાંને આ વિસ્તારના મતદારોએ ચકનાચૂર કરી દીધા છે. તેમજ ભાજપે પ્રથમ વખત સૌરાષ્ટ્રવાસી નેતા નિરંજન ઝાંઝમેરાને આપેલું પ્રમુખ પદ પણ સૌરાષ્ટ્રવાસી મતદારોને રીઝવી શક્યું નથી. ઊલટું આ વખતે કતારગામ વિસ્તારમાં પણ ત્રણ બેઠક ગુમાવવી પડી છે.
ત્યારે હવે નવા વિપક્ષ તરીકે ઊભરેલા આમ આદમી પાર્ટીના 27 સભ્ય ચુંટાઈ આવતાં સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં આ અપક્ષ અધિકારીઓને મથાવે તેવી શક્યતા છે. વળી, પાટીદારોના જેમ તેમ ઓછા થયલા રોષને અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ અપાતાં નવી ચિનગારી મળી છે.
જેનો પરચો ગુરુવારે મનપાના અધિકારીઓને પુણા વિસ્તારના યોગી ચોકમાં જોવા મળ્યો હતો. યોગી ચોક વિસ્તારમાં આવેલા યોગી ઉદ્યાનનું નામ ઘણા સમયથી પાટીદાર ઉદ્યાન કરવાની લોકોની માંગ હતી. પરંતુ મનપા દ્વારા આ ઉદ્યાનનું નામ યોગી ઉદ્યાન રાખવામાં આવ્યું છે.
ત્યારે બુધવારે રાત્રિના સમયે સ્થાનિક લોકોએ આ ઉદ્યાનનું નામ પાટીદાર ઉદ્યાન દર્શાવતું બોર્ડ કરી દેતાં વિવાદ થયો હતો. જો કે, સવારે મનપાના અધિકારીઓને જાણ થતાં જ ફરીથી જૂનું બોર્ડ ચડાવી દેવાયું હતું. પરંતુ આ ઘટનાથી વરાછા વિસ્તારમાં હજુ પણ રોષની સ્થિતિ હોવાના સંકેત મળ્યા હતા.
સ્થાનિક લોકોએ બોર્ડ બદલ્યું, અમે તો નિયમ મુજબ ઠરાવ કરાવીશું : ધર્મેશ ભંડેરી
આ વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીના નગર સેવક તરીકે ચુંટાઇ આવેલા ધર્મેશ ભંડેરી આ ઉદ્યાનના નામ બદલવામાં સામેલ હોવાની ચર્ચા ઊઠી હતી. જો કે, ‘ગુજરાતમિત્ર’એ તેમની સાથે વાત કરી ત્યારે ધર્મેશ ભંડેરીએ જણાવ્યું હતું કે, મને જાણ નથી. આ નામકરણ સ્થાનિક લોકોએ કર્યું છે. હું ત્યાં હાજર પણ ન હતો. જો કે, નામ બદલવાની માંગણી લાંબા સમયથી છે. તેથી અને ચુંટાયેલા સભ્ય તરીકે આ ઉદ્યાનના નામકરણ માટે રજૂઆત કરી દરખાસ્ત લાવી ઠરાવ કરાવીશું.