દિવાળીના દિવસોમાં સુરત અને ઉઘના રેલ્વે સ્ટેશનો પર મુસાફરોના ઘસારાના વર્તમાન પેપરોમાં છપાયેલ ફોટા જોતા એવુ લાગતુ હતું કે સુરત શહેર જાણે ખાલી થઇ જવાનુ આ લોકટોળામાં સુરતના ટેકક્ષ્ટાઇલ સહિત અન્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ કામદારોના ટોળા સ્ટેશનો પર દેખાતા હતા. રાજ્યોમાંથી ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં પણ રોજગારી માટે ઘણા લોકો જાય જ છે. આ ટ્રેનનો ઘસારો એ વાસ્તવિકતાની પણ સાક્ષી પુરે છે કે દેશમાં એવા રાજ્યો છે કે જ્યાં ત્યાંના સ્થાનિકો માટે જરૂરી રોજગારીનુ સર્જન નથી થતુ. આપણે ઘણાં વર્ષોંથી જોઇએ છીએ કે ગુજરાતમાં મહદ્અંશે શાંતિ પ્રવર્તતી હોવાના કારણે મોટાભાગની બહારથી આવેલ પ્રજા ગુજરાતમાં નોકરી–ઘંઘો કરી અહિં જ સ્થાયી થવાનું પસંદ કરે છે.
આપણુ ગુજરાત વિકાસના પંથે આગળ વધે એ ગુજરાતીઓ માટે તો ગૌરવ લેવા જેવી વાત છે પરંતુ સમગ્ર દેશને એક વિકસીત રાષ્ટ્રની ગણનામાં સમાવવા માટે બઘા રાજ્યોનો સમતોલ વિકાસ થાય એ જરૂરી જ નહીં પરંતુ આવશ્યક છે. આ તો જ થઇ શકે જ્યારે દેશના વડા પોતાના પક્ષના રાજ્યોના રાજકીય હિતની ઉપરવટ જઇ અન્ય પક્ષો શાસિત રાજ્યોના વિકાસ માટે જરૂરી યોગદાન આપે અને જે તે રાજ્યોનું વહીવટી તંત્ર પણ ત્યાંના રહેવાસીઓ માટે રોજગારીની યોગ્ય તકોના સર્જન પર ઘ્યાન આપે તો જ દેશનો સમતોલ વિકાસ થઇ શકે અને દરેક રાજ્યોના મોટાભાગના લોકો માટે એમના રાજ્યોમાં રોજગારી મળી રહે તો જે ચિત્ર સુરત કે ઉઘના સ્ટેશન પર ઉપસ્યુ એવા બનાવો સમય જતા ઓછા પ્રકાશીત થાય.
ચોક્કસ પ્રકારના કાર્યો કે નોકરી–ઘંઘા માટે લોકોનુ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થાળાંતર થાય એ સ્વાભાવિક અને જરૂરી પણ છે પરંતુ જે તે રાજ્યોના લોકોએ એમની જીંદગીની મૂળભુત જરૂરિયાતોની પૂર્તી માટે પણ બીજા રાજ્યોમાં સ્થાળાંતર કરવુ પડે એવી પરિસ્થિતિનુ નિર્માણ થાય એ જ બતાવે છે કે વિકાસશીલમાંથી વિકસીત દેશમાં ગણના પામવાની આપણી મજલ હજી ઘણી લાંબી છે.
સુરત – હિતેન્દ્ર ભટ્ટ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.