SURAT

ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રખડતાં કૂતરાંનો ત્રાસ, મુસાફરો પાછળ દોડે છે…

સુરત: સુરત: સુરતની 200 જેટલી ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશન પર શિફ્ટ કરાતા 75,000 જેટલા મુસાફરોની ભીડ જોવા મળી રહી છે. વધુ મુસાફરોની સુવિધા માટે ઉધના રેલવે સ્ટેશનની બહાર પેસેન્જર હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યો હતો, પરંતુ તે હાલ અન્ય સમસ્યાના કારણે તેમના હેતુને નિભાવવામાં નિષ્ફળ રહ્યો છે.

  • ઉધના રેલવે સ્ટેશન પર મુસાફરોના હોલ્ડિંગ એરિયા પર પાર્કિંગનો કબ્જો, લોકો મુશ્કેલીમાં

હાલમાં હોલ્ડિંગ એરિયાને પાર્કિંગ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યો છે. ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગાડીઓને આ એરિયામાં પાર્ક કરવામાં આવી રહી છે, જેનો મૂળ ઉદ્દેશ મુસાફરો માટે રાહત સ્થળ પૂરું પાડવાનો હતો. હોલ્ડિંગ એરિયાને પાર્કિંગમાં ફેરવાતા મુસાફરોને અસહજતા થવા લાગી છે.

બહુ મોટી સંખ્યામાં લોકોના ઊભા રહેવાના ક્ષેત્રમાં વાહનોનો કબ્જો થઈ જતા મુસાફરોને બેસવા કે ઊભા રહેવા માટે પણ જગ્યા મળી રહી નથી. પરિણામે, મુસાફરોને તેમની ટ્રેનો માટે રાહ જોતા અનિચ્છનીય પરિસ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

ઉધના રેલવે સ્ટેશનની બહાર અંધારું, સ્ટ્રીટ લાઇટનો અભાવ
સુરતથી 200 જેટલી ટ્રેનોને ઉધના રેલવે સ્ટેશન ખાતે શિફ્ટ કરી દેવામાં આવી છે. જો કે પહેલી રાત્રે જ ઉધના રેલવે સ્ટેશનની બહાર સ્ટ્રીટ લાઇટનો અભાવ જોવા મળ્યો હતો. મોટાભાગની સ્ટ્રીટ લાઈટ બંધ હાલતમાં હોવાથી ઉધના સ્ટેશનની બહાર અંધારું જોવા મળ્યું હતું. જેથી મુસાફરો સહિતના લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

ઉધનાના પ્લેટફોર્મ પર રખડતાં કૂતરાઓનો ત્રાસ, મુસાફરોની પાછળ દોડે પણ છે
સુરત સ્ટેશન ખાતે રીડેવલપમેન્ટ કામગીરીને પગલે ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોનો ધસારો વધ્યો છે. પરંતુ ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર રખડતાં કૂતરાંઓનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેને પગલે મુસાફરોમાં ભય ફેલાયો છે. પ્લેટફોર્મ પર કૂતરાઓ મુસાફરોની પાછળ પણ દોડતા નજરે પડ્યા હતા. જેથી પ્લેટફોર્મ પર આવતા મુસાફરોમાં ભય સાથે અકસ્માત સર્જાય તેવો ડર પણ જોવા મળ્યો હતો.

પ્લેટફોર્મ નં. 1 પર વચ્ચોવચ પાર્સલ મૂકી દેવાતા મુસાફરો અટવાયા
ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરોના ધસારાને ધ્યાનમાં લઈને રેલવે તંત્ર દ્વારા વિશેષ તૈયારીઓ કરી દેવાઈ છે. પરંતુ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-1માં વચ્ચોવચ પાર્સલ ઓફિસ આવેલી છે. જેથી પાર્સલ પ્લેટફોર્મની ઉપર આડેધડ મૂકી દેવામાં આવ્યા છે, જેને કારણે મુસાફરોને હાલાકી વેઠવી પડી રહી છે. તેમજ પાર્સલના પોટલાંઓને કારણે કોઈ અકસ્માત સર્જાય તેવી શક્યતા જોવા મળી રહી છે. પ્લેટફોર્મ 1ની મોટાભાગની જગ્યા આ પાર્સલને કારણે રોકાઈ જાય છે. જેથી પ્લેટફોર્મ અને ટ્રેનની સીડીઓ વચ્ચે વધારે જગ્યા પણ રહેતી નથી.

ઉધના સ્ટેશન ઇસ્ટ બાજુથી પણ વાહનોના અવર-જવર ચાલુ રહેતા મુસાફરોને રાહત રહી
પશ્ચિમ રેલવેના વિનીત અભિષેકે જણાવ્યું હતું કે, સ્ટેશનના કામને લઈને અમારી ટીમ સતત મુસાફરોની વચ્ચે રહી હતી. કાલે રાતથી વધારાની ટીમને તૈનાત કરી દેવામાં આવી હતી. તેમજ પ્લેટફોર્મ નંબર-6થી મુસાફરોની અવર-જવર માટે રસ્તાઓ બનાવી દેવામાં આવ્યા છે. જેથી લોકો ત્યાંથી પણ આવી રહ્યા હતા. જેથી કોઇપણ મુસાફરને હાલાકી નહિ પડી હતી, તેમજ અલગથી ટિકિટ બારીઓ પણ બનાવવામાં આવી છે.

સુરતના પ્લેટફોર્મ 2 અને 3 ખાલીખમ જોવા મળ્યા
સુરત સ્ટેશનના રીડેવલપમેન્ટ માટે પ્લેટફોર્મ 2 અને 3, 60 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યા છે. જેને લઇને પ્લેટફોર્મ 2 અને 3 ખાલીખમ જોવા મળ્યા હતા. જ્યાં મુસાફરોનો ધસારો હોય છે તે પ્લેટફોર્મ ખાલી રહ્યા હતા. જેથી સુરત સ્ટેશન કોઈ સામાન્ય અથવા નાનું સ્ટેશન હોય તેમ મુસાફરોની ભીડ ઓછી લાગી રહી હતી. તેમજ તાત્કાલિક ધોરણે આ પ્લેટફોર્મ પર કામ પણ ચાલુ કરી દેવામાં આવ્યું હતું.

Most Popular

To Top