બીલીમોરા : બીલીમોરાથી સુરત (Surat) જતી એસટી બસમાં (ST Bus) ગૌરવપથ ઉપર શોર્ટસર્કિટને કારણે આગ (Fire) લાગી હતી. બસ ચાલક અને કંડકટરની સમયસૂચકતાને પગલે 21 મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. બીલીમોરા ફાયરે ગણતરીની મિનિટમાં ધસી જઇ આગને કાબુમાં લીધી હતી.
શુક્રવારે સાંજે 4 કલાકે એસટી બસ નં. GJ 18Z 0717 લઈ ચાલક આશિષ એલ.કોકણી અને મહિલા કંડકટર મધુબેન ડી. મહિડા નિત્યક્રમ પ્રમાણે સુરત જવા નીકળ્યા હતા. બસમાં સવાર 21 મુસાફરોને ટીકીટ આપવામાં આવી હતી. દરમિયાન ફેડરલ બેંક સામે બસમાં શોર્ટ સર્કિટ સર્જાતા ધુમાડાઓ દેખાયા હતાં. મુસાફરોની બુમાબુમ વચ્ચે ચાલકે સમયસૂચકતા વાપરી બસ અટકાવી દીધી હતી. જે દરમિયાન મુસાફરો ત્વરિત ઉતરી ગયા હતા અને ફાયર સિલિન્ડર વડે આગ કાબુમાં કરવા પ્રયાસ શરૂ કર્યો હતો. દરમિયાન બીલીમોરા ફાયર ફાઈટર ધટના સ્થળે આવી પહોંચ્યાં હતા. સાઇરનોનો અવાજ તેમજ આકાશમાં ધુમાડો જોઈ વાહન વ્યવહાર થંભી ગયો હતો. ફાયર ફાયટરોએ સતત પાણીનો મારો ચલાવતા 15 મિનિટ બાદ આગ કાબૂમાં આવી હતી. જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસ, મામલતદાર જગદીશ ચૌધરી, પાલિકા નગરસેવિકા કલ્પના પટેલ, યતિન મિસ્ત્રી, મલંગ કોલીયા તેમજ અગ્રણીઓ ઘટનાસ્થળે ધસી આવ્યા હતા.
ગુજરાત ક્વીન ટ્રેનને જોડતી ધરમપુર બસ સેવા ફરી શરૂ
વલસાડ : વલસાડ રેલવે સ્ટેશનથી વહેલી સવારે અમદાવાદ, વડોદરા કે સુરત જતા મુસાફરો માટે મહત્વની ગુજરાત ક્વીન ટ્રેનને જોડતી ધરમપુર સુધીની બસ સેવા ફરી શરૂ કરાતા મુસાફરોમાં ખુશી વ્યાપી ગઇ છે.
વલસાડ એસટી સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત ક્વીન ટ્રેનમાં જતા ધરમપુર તાલુકાના મુસાફરો માટે વલસાડ સુધી પહોંચવા જરૂરી મહત્વની બસ સેવાને કોરોના કાળને લઈ લાંબા સમયથી બંધ કરી દેવાઈ હતી. જેને લઈ મુસાફરોએ ખાનગી વાહનમાં વલસાડ પહોંચવાની ફરજ પડતી હતી. ધરમપુરથી વલસાડ અને ત્યાંથી સુરત, બરોડા અને અમદાવાદ તરફ જનારા અને પરત આવનાર મુસાફરો માટે બસ સેવા આશીર્વાદ રૂપ હતી. જોકે થોડા સમય અગાઉ થોડા દિવસો સુધી બસ સેવા શરૂ કરાઈ હતી. જોકે મુસાફરોની અપૂરતી સંખ્યાને લઈ બંધ કરી દેવાઈ હતી. મુસાફરો દ્વારા ફરી રજૂઆત કરાતા ધરમપુર- વલસાડ વચ્ચે ફરી આ બસ ચાલુ કરાઈ છે, જેનો મુસાફર જનતા લાભ લે.