ભારત દેશ વિવિધ સંસ્કૃતિ અને જુદા જુદા ધર્મો સાથે તાલમેલ મેળવીને ધર્મ નિરપેક્ષતાની ઉદારતા સાથે વિશ્વમાં વિશિષ્ટ સ્થાને છે. વિશ્વના મહાનતમ ધર્મો સાથે એકજૂટતા જાળવી આગળ વધવું એ બહુ અઘરું કામ છે. ભારત એ એવો દેશ છે જેની મૂળ સંસ્કૃતિ સનાતની છે ઉપરાંત જૈન, બૌદ્ધ અને શિખ જેવા ધર્મનું ઉદ્ભવસ્થાન પણ છે. મહાવીર સ્વામી, ગૌતમ બુધ્ધ અને ગુરુનાનકની જન્મભૂમિ અને કર્મભૂમિ ભારત છે. બુધવાર તારીખ ૨૨થી જૈનોનો પર્વાધિરાજ પર્યુષણ પર્વનો પ્રારંભ થઇ રહ્યો છે તો આ પવિત્ર પાવન પર્વના સંદર્ભે સંક્ષિપ્તમાં જાણીશું.
પર્યુષણ પર્વ જૈન સમાજનો ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે શ્વેતાંબર જૈન લોકોનું પર્યુષણ પર્વ ૮ દિવસ ચાલે છે જે બે દિવસ પછીના બુધવાર તા. ૨૪થી પ્રારંભ થશે. આઠ દિવસના પર્યુષણ પર્વ પછી દિગમ્બર જૈન સમાજનું પર્યુષણ પર્વ તા. ૩૧મી ઓગસ્ટથી પ્રારંભ થશે જે દસ દિવસનું હશે. એટલે દસ લક્ષણ ધર્મ નામથી પણ સંબોધાય છે. ચાતુર્માસના પ્રારંભ પછી એક મહિનો ને વીસ દિવસ પછી પર્યુષણ પર્વનો પ્રારંભ થતો હોય છે. તપ, ધ્યાન અને દાનના આ પર્વ દરમ્યાન આત્મશુદ્ધિ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.
ઉપાશ્રય, દેરાસર અને જૈન મંદિરોને ધ્વજા -પતાકા અને રંગબેરંગી લાઇટોની રોશની દ્વારા સુશોભિત કરાયા હોય છે. શ્વેતાંબર અને દિગંબર એમ બંને જૈન સમાજના લોકો આનંદપૂર્વક સપરિવાર પર્યુષણ પર્વને સધાર્મિક ઉજવણી કરે છે. જોકે પર્યુષણ પર્વ દિપાવલી અને ક્રિસમસ જેવો આનંદ ઉલ્લાસનો તહેવાર નથી છતાં સમગ્ર જૈન સમાજ ઉપર ખૂબ જ પ્રભાવી છે. ઉપવાસ, બેલા, તેલા, અઠ્ઠાઇ, માસખમણ જેવી કંઇપણ ખાધા-પીધા વગરની નિર્જળા તપસ્યા કરવાવાળા હજારો જૈનોની ભકિત અને શકિત અનન્ય અને સરાહનીય છે. ભારત સિવાય બ્રિટન, અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, જાપાન, જર્મની તેમજ અન્ય દેશોમાં જયા પણ જૈન વસેલા છે એવા સ્થળે પણ પર્યુષણ પર્વ પૂરા ભકિતભાવથી ધામધૂમથી ઉજવાય છે.
જૈન ધર્મના મૂળ સિધ્ધાંતો સાથે યોગ્ય જ્ઞાન, વિશ્વાસ અને ધાર્મિક આચરણ સાથે મુકિત અને મોક્ષના ઉદ્દેશ્ય સાથે ઉજવાતા પર્યુષણ પર્વમાં ત્યાગ, પ્રત્યાખ્યાન, પોષધ સામાયિક, સ્વાધ્યાય, જપ, તપ, આગમ, સંયમ અને ઉપવાસનું વિશેષ મહત્વ રહેલું છે. જૈન અનુયાયીઓ ઉપાશ્રય અને દેરાસરોમાં જઇને મહાત્માઓ, ભગવંતો અને જૈન સાધુ-સાધ્વીઓને નમન કરી આત્મશુદ્ધિ સાથે વિશ્વ કલ્યાણની પ્રાર્થનાઓ કરતા હોય છે. જૈન ધર્મમાં સાધુ માટે પાંચ કર્તવ્ય દર્શાવાયા છે. સંવત્સરી, પ્રતિક્રમણ, કેશલોચન, તપશ્ચર્યા અને આલોચના મતલબ ક્ષમા યાચના, જયારે ગૃહસ્થી જૈનો માટે શ્રવણ, તપ, અભયદાન, સુપાત્રદાન, બ્રહ્મચર્યનું પાલન, સંઘ સેવા તથા ક્ષમા યાચના જેવા કર્તવ્યોનું પાલન કરવા જણાવાયું છે. પર્યુષણ પર્વના સમાપન પર વિશ્વ-મૈત્રી દિવસ એટલે કે સંવત્સરી પર્વની ઉજવણી થાય છે. આ દિવસે દિગંબર જૈનો ‘ઉત્તમ ક્ષમા’ તથા શ્વેતાંબરો ‘મિચ્છામિ દુકકડમ’ કહીને એકબીજા પાસે વર્ષ દરમ્યાન થયેલી ભૂલ કે અપરાધ માટે ક્ષમા માંગતા હોય છે.
ક્ષમા માંગણી કે ક્ષમા આપવી બહુ જ કઠીન છે. પણ મહાવીર સ્વામીની આજ્ઞા સમાન સુત્ર અહિંસા પરમો ધર્મને સ્વીકારી જૈન સમુદાય પર્યુષણના અંતિમ દિવસે પરસ્પર, મુનિ-મહાત્માઓ કે ભગવંતો સામે, ભગવાન મહાવીર સ્વામી સમક્ષ કે કુદરત અને પ્રકૃતિને સંબોધીને ‘મિચ્છામી દુકકડમ’ કહીને ક્ષમાયાચના કરે છે. ક્ષમાપના દ્વારા આત્મસંતોષ સાથે આહ્લાદ્ક ભાવ પ્રગટે છે. પરસ્પરની મૈત્રી ભાવમાં વૃધ્ધિ સાથે ભાવશુદ્ધિ થાય છે. લોકો વર્ષ દરમ્યાન અનેક વ્યકિતઓના પરિચયમાં આવતા હોય છે અને કોઇપણ કારણોસર સંપર્કમાં આવતી વ્યકિતઓ સાથેના સંબંધોમાં કટુતા જન્મી હોય તો મિચ્છામી દુક્કડમ એક સંબંધો જોડવાનું મીઠા મધ જેવા ઔષધનું કામ કરે છે.
વિશ્વભરમાં ક્ષમા માગવાની જૈન ધર્મની આ પરંપરા અદ્ભૂત અને પ્રસંશસનીય ગણાય છે. જૈન ધર્મમાં વર્ષ દરમ્યાન ત્રણ પર્યુષણ આવે છે પણ ચાતુર્માસ પછીના પચાસ દિવસે આવતા આ પર્યુષણનું મહત્વ વિશેષ રહ્યું છે. જૈન સમુદાયમાં વધુને વધુ લોકો વિવિધ વ્યવસાથ સાથે જોડાયેલા છે તેથી વિવિધ પ્રકારના માનસ ધરાવતા લોકોના સંપર્કમાં આવવું સ્વાભાવિક છે અને ત્યારે એવી અનેક પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવી શકે કે માણસ સંયમ ના રાખી શકે, વિવેક ગૂમાવી દે, ગુસ્સો કરે તો પર્યુષણના અવસરે જૈન મુનિઓ, ભાગવંતોનો એવો જ એક સંદેશ હોય છે કે ખુદના મન, વાણી અને શરીર પર આત્માનુશાસન જરૂરી હોય છે.
માણસ આત્માને તો ઓળખતો નથી કારણ કે આત્મા એ દ્રશ્યમાન કે અનુભવાતુ તત્વ નથી તો પછી સંયમ અને તપ દ્વારા શરીર પર અનુશાસન કેળવવું જરૂરી છે. મન પર અનુશાસન જરૂરી છે. વાણી પર અનુશાસન જરૂરી છે જો પ્રથમ મન પર અનુશાસન કેળવશો તો વાણી અને શરીર પર અનુશાસન કેળવવું સરળ થશે. મન પરના અનુશાસન દ્વારા શુદ્ધ વાણી, સંયમીત વાણી અને શરીરના શુદ્ધ આચરણ શકય બનશે. ગીતામાં પણ સ્થિતપ્રજ્ઞતા પર ભાર મુકાયો છે. સ્થિતપ્રજ્ઞતા એટલે જ મન, વાણી અને શરીર પરનુ અનુશાસન… મન, વાણી અને શરીરનું શ્રુદ્ધ આચરણ હશે તો એ આત્માનુશાસન જ આપોઆપ ગણાશે. દિગંબર જૈન ધર્મમાં તો પાલન કરવા માટે દશ લક્ષણો દર્શાવાયા છે.
(1) ક્ષમા (2) માર્દવ (3) આર્જવ (4) વિચાર (5) સત્ય (6) સંયમ (7) તપ (8) ત્યાગ (9) અકિંચન્ય અને (10) બ્રહ્મચર્ય…. આ દસ લક્ષણોનું પાલન મુકિતદાયક છે. સંસારી જીવન જીવતો માણસ સ્વાભાવિક જ બધા નિયમોનું પાલન ના કરી શકે પણ શુભ-અશુભ કાર્યો ને જાણવાની સભાનતા તો જરૂર કેળવે જ. ગૃહસ્થી માટે બ્રહ્મચર્યનું સ્વરૂપ સંયમિતતા કરી શકાય છે. તપ, ત્યાગ અને દાન એ ગૃહસ્થી માટે આચરણના સરળ લક્ષણો પણ કહ્યા છે. જેમ શરીર માટે આપણે જે પ્રકારનું ભોજન કરીએ એ પ્રમાણે શરીર સ્વસ્થ રહે અથવા એવા કોઇક ભોજન મુજબ શરીર બગડે પણ ખરું, બસ એવું જ મનનું અને આત્માનું છે. સારા વિચારો એ સારું ભોજન છે, સાત્વિક વિચારો એ મનનું પૌષ્ટિક ભોજન છે. આવા પૌષ્ટિક અને સાત્વિક વિચારો માટેનું પર્યુષણ પર્વ છે. શ્રાવક મુનિ – ભગવંતોના સારા વિચારો, સાત્વિક વાણી દ્વારા શ્રવણ કરી આત્મ ઉન્નતિ કરી શકે છે. આપણે વર્ષ આખુ દેરાસર કે જૈન મંદિરોમાં ના જઇ શકીયે પણ પર્યુષણ પર્વે જ્ઞાન, દર્શન, ચરિત્ર, દાન, તપ, શીલ, ભાવ અને ક્ષમા જેવા આધ્યાત્મિક તત્વ યજ્ઞોને સંપન્ન કરી આત્મ ઉન્નતિનો અનુષ્ઠાન સફળ બનાવી શકાય છે.