સૌરાષ્ટ્રના જૂનાગઢમાં બાબી રાજવંશની હવેલીમાં 1954માં જન્મેલી પરવીન બાબી બાળપણથી જ વિદ્રોહી હતી. રાજગૌરવ ને વૈભવમાં ઉછરેલી પરવીનમાં આત્મવિશ્વાસ ને આઝાદીની તડપ જન્મજાત હતી. જૂનાગઢમાં શાળા-કોલેજમાં નાનામોટા ગુજરાતી નાટકો પણ કર્યા. પછી ઉચ્ચ અભ્યાસ માટે અમદાવાદ આવી. કોલેજમાં એની સુંદરતા ને સેક્સ-અપીલ, સિગરેટ પીવાની અદા વગેરેએ ત્યારના સંકુચિત શહેરમાં ચકચાર જગાવેલી. એ દરમિયાન ફિલ્મ નિર્દેશક બી. આર. ઇશારાની નજર પરવીન પર પડી ને ફિલ્મ ‘ચરિત્ર’માં જામનગરના હેંડસમ સ્ટાર-ક્રિકેટર સલિમ દુરાની સામે હીરોઇન બનાવી.
મુંબઈએ પરવીનને ઓળખ આપી ને સિનેમાએ સ્ટાર બનાવી. સિત્તેરના દાયકામાં બોલીવૂડમાં હીરોઈન ઇમેજ એટલે ‘શરમાળ ને સંયમી કન્યા’. પરવીન બાબીએ એ વ્યાખ્યા તોડી નાખી. એ બિકિનીમાં આવી, વેસ્ટર્ન વસ્ત્રોમાં આત્મવિશ્વાસ સાથે પડદા પર છવાઇ ગઇ. ભારતીય સિનેમામાં મોડર્ન ને આઝાદ ઔરતની નવી જ ઇમેજ ઊભી કરી.
‘દીવાર’, ‘નમક હલાલ’, ‘કાલિયા’, ‘અમર અકબર એન્થની’, ‘મહાન’ફિલ્મોમાં પરવીન-અમિતાભની જોડી ખૂબ જામેલી. એની સ્ક્રીન પ્રેઝન્સ અને ગ્લેમરને લીધે ત્યારના યુવાનો માટે પરવીન, પોસ્ટર ગર્લ બની, એક સ્વપ્ન-સુંદરી! ગોસિપ મેગેઝિનના કવર્સ, વિદેશી પ્રવાસો, ફાઈવ સ્ટાર હોટેલ્સની પાર્ટીઓ, શરાબ, ડ્રગ્ઝ વગેરે એની લાઇફ સ્ટાઇલ બની ગઇ પરંતુ આ ચમકદમકની અંદર ધીમે ધીમે એનામાં એક અદૃશ્ય ડર જનમતો ગયો.
પરવીન અત્યંત સંવેદનશીલ સ્ત્રી હતી. જેને ચાહતી એને પૂરા મનથી પ્રેમ કરતી. ડેની ડેન્ઝોંગપા સાથે પરવીનનો બહુ લાંબો સંબંધ રહ્યો. ત્યાર બાદ કબીર બેદી એના જીવનમાં આવ્યો. હેંડસમ કબીર તે સમયનો આંતરરાષ્ટ્રીય સ્ટાર હતો ને ‘સંદોકન’નામની મિનિ-ટીવી સીરીઝ પછી એ યુરોપમાં ખૂબ લોકપ્રિય હતો. પરવીન, કબીરની સાથે ઇટલી ગઈ પણ ઇટલીમાં કબીરને લોકો ઓળખતા હતા, પરવીનને નહીં. સ્ટાર પરવીન એ અવહેલના ઝેલી ના શકી. રોમમાં ઇટાલિયન અભિનેત્રી જીના લોલોબ્રિજિડા તરફથી બેઉને ડિનરનું આમંત્રણ મળ્યું. જીનાએ કબીરનું ભવ્ય સ્વાગત કર્યું પરંતુ પરવીન સાથે વાત પણ ના કરી. ડાન્સ દરમિયાન જીનાએ પરવીનને પૂછ્યું કે તે અહીં શું કરી રહી છે? પરવીને જવાબ આપ્યો: ‘‘હું મારા પ્રેમી સાથે આવી છું …કેમ?’’કબીરે પરવીનને શાંત પાડતા કહ્યું કે તે જીનાથી વધારે સુંદર છે એટલે જીના ઈર્ષા કરે છે. પરંતુ પરવીન આ અપમાન સહન કરી શકી નહીં અને બંને ડિનર પહેલાં જ પાર્ટી છોડીને નીકળી ગયાં. આ ઘટનાએ પરવીનના મનની અસુરક્ષાને વધુ ને વધુ ઘેરી બનાવી દીધી. પછી ત્યારના ફ્લોપ ડિરેક્ટેર મહેશ ભટ્ટ, પરવીનના જીવનમાં આવ્યા. બંને લિવ-ઇન સંબંધમાં રહ્યાં. એ સમયગાળામાં જ પરવીનની માનસિક સ્થિતિ ઝડપથી બગડવા લાગી. ૧૯૭૯ની એક સાંજે મહેશ, જુહૂમાં પરવીનના ફ્લેટમાં ગયા. બહાર પરવીનની મા ઊભી હતી. તેમણે ભટ્ટને ધીમેથી કહ્યું: ‘‘પરવીનની હાલત સારી નથી.’’મહેશ ભટ્ટ, અંદર ગયા ત્યારે બેડરૂમમાં પરફ્યુમની તીવ્ર સુગંધ ફેલાઈ હતી. ડ્રેસિંગ ટેબલ પર અનેક પરફ્યુમની બોટલો લાઈનમાં ગોઠવેલી. પરવીન, દીવાલ ને પથારી વચ્ચેની સાંકડી જગ્યા પાસે ફિલ્મી કપડાંઓ વચ્ચે બેઠી હતી. એના હાથમાં રસોડાનું ચાકુ હતું. એ ટોર્ચના પ્રકાશની સામે ડરી ગયેલ પ્રાણી જેવી લાગતી હતી.
જ્યારે મહેશ ભટ્ટે એને પૂછ્યું કે એ શું કરી રહી છે, ત્યારે પરવીને તેમને ચૂપ રહેવાનો ઈશારો કર્યો ને ધીમેકથી કહ્યું કે કોઈ એને મારી નાખવા માંગે છે! એણે કહ્યું કે છત પરનું ઝૂમર એના પર પાડવામાં આવશે. પછી એણે ભટ્ટનો હાથ પકડી તેમને રૂમમાંથી બહાર ખેંચી કાઢ્યા.
આ ઘટના વિશે ભટ્ટે અનેક સાયકાયટ્રિસ્ટ્સ સાથે ચર્ચા કરી પરંતુ પરવીનની સ્થિતિ સુધરતી જ નહોતી. એ પોતાના જ ઘરમાં ગભરાઇને આમતેમ શંકામાં ફરતી રહેતી. ક્યારેક કહેતી કે એ.સી.માં ઝેરી જીવડો છે જે એને મારવા માંગે છે. મહેશ ભટ્ટે એ.સી. ખોલાવી બતાવ્યું છતાં પરવીનનો ભ્રમ દૂર જ થતો નહોતો. ક્યારેક તે કહેતી કે જીવડો પરફ્યુમમાં છે. ક્યારેક કહેતી કે પંખામાં છે. નિષ્ફળ મહેશ ભટ્ટ, પરવીનની મદદથી સંઘર્ષના દિવસો ગુજારતા. એક વાર અચાનક પરવીન ચીસ પાડવા લાગી કે કારમાં બોમ્બ છે. એણે ચાલતી કારમાંથી કૂદવાની પણ કોશિશ કરી. મહેશ ભટ્ટે, માંડ માંડ પરવીનને સંભાળી લીધી. રસ્તા પર લોકોને લાગ્યું કે એ બંને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, જ્યારે હકીકતમાં મહેશ ભટ્ટ એનો જાન બચાવી રહ્યા હતા.
પરવીન ‘સ્કિઝોફ્રેનિયા’નામની ગંભીર માનસિક બીમારીથી પીડાઈ રહી હતી. જેમાં દર્દીને સતત જાતજાતના ભ્રમ થાય. પરવીનને લાગતું કે અમિતાભ, એને મારવા માંગે છે. ઘણી વાર એ પ્રિન્સ ચાર્લ્સને પણ પોતાના જાનનો દુશ્મન ગણાવતી! આ ભય ને શંકાને લીધે પરવીને પોતાની દુનિયાને એકલતામાં સંકોરી લીધી.
૧૯૮૪ની આસપાસમાં પરવીન અચાનક, ફિલ્મો છોડીને, ભારત છોડીને વિદેશ ભાગી ગઈ. અમેરિકા, લંડન ને સ્વિટ્ઝર્લેન્ડમાં ફરી. આધ્યાત્મિક શાંતિની શોધમાં ઓશોના આશ્રમમાં ગઈ ને પછી યુ. જી. કૃષ્ણમૂર્તિ પાસે રહી પણ ભયભીત મનને ક્યાંય શાંતિ મળી નહીં.
૧૯૮૯માં મુંબઈ પાછી આવી, પણ બોલિવૂડથી બિલ્કુલ દૂર રહી. જુહૂના ફ્લેટમાં સાવ એકલી એકાંતમાં જીવવા લાગી. દિવસો સુધી ઘરની બહાર નીકળતી નહીં, બારીઓ બંધ રાખતી. કોઈ કરતાં કોઇને મળતી નહીં. મને બરોબર યાદ છે જુહૂ તારા રોડ પર હું કારમાં હતો ને પરવીન રિક્ષામાં, ફૂલાઇને જાડી થઇ ગયેલી એવા એના ફોટા જોયેલા. મેં એની સામે જોયું ને એણે ગાળો આપવા માંડી. મેં ડ્રાઇવરને કાર ભગાવવા કહ્યું. એ વિસ્ફારિત આંખો હું ક્યારેય નહીં ભૂલી શકું કારણ કે 1983માં હું ટીનએજર હતો ત્યારે મેં પરવીનને મારા ડ્રેસ ડિઝાઇનર આન્ટી સ્વ. લીના દરુના ઘરે જોયેલી. ત્યારે ‘રૂપ રૂપનો અંબાર’શબ્દ મને પહેલી વાર સમજાયેલો! આખરે 20 જાન્યુ. ૨૦૦૫માં એક દૌરની સૌથી સેક્સી ને હસમુખ અભિનેત્રીનું જીવન દિવસે (કે રાતે?) ખતમ થયું. પરવીનના ઘરની બહાર અખબાર ને દૂધના પેકેટના ઢગલા જમા થવા લાગ્યા. ત્રણ દિવસ પછી ફ્લેટનો દરવાજો તોડવામાં આવ્યો. અંદર પરવીન બાબી સડેલી હાલતમાં મૃત મળી આવી. પોસ્ટમોર્ટમ મુજબ એ ડાયાબિટીસથી પીડાતી હતી, પગમાં ગૅન્ગ્રીન થયેલું અને લાંબા સમયથી બરોબર જમી પણ નહોતી.
હમણાં ૪ અપ્રિલે જ એ શાપિત સૌંદર્યાનો જન્મદિવસ ગયો.
