Business

પર્વશૃંખલા એટલે દીપોત્સવ

વિશ્વભરમાં ભારત એક એવો દેશ છે જ્યાં વધુ ને વધુ વ્રત, ઉત્સવો અને તહેવારો ઉજવાય છે. આ વ્રત, ઉત્સવોનું સ્વરૂપ નાનું કે મોટું હોઈ શકે છે પણ પૂર્ણ આસ્થાથી આનંદપૂર્વકની ઉજવણી એ સનાતની ધર્મીઓની પૌરાણિક પરંપરા રહી છે. આજે અગિયારસથી દીપોત્સવનો પ્રારંભ થશે. નાના-મોટા સૌ કોઈ ઉમંગ-ઉલ્લાસથી પર્વપંચકની ઉજવણીમાં સામેલ થશે. રંગ-રોશનીના આ ધર્મપર્વની આબાલ-વૃધ્ધ સૌ કોઈને પ્રતીક્ષા હોય છે કારણ કે પર્વાધિરાજ કહેવાતા દીપોત્સવમાં  આખાયે સપ્તાહ દરમ્યાનનો માહોલ કંઈક રંગીન બની જતો હોય છે.

નવરાત્રિ અને શરદપૂર્ણિમા પછી ઘરસફાઈમાં જોતરાઈ ગયેલી બહેનો દીપોત્સવના પ્રારંભથી મઠિયાં, ઘૂઘરા જેવાં ફરસાણો અને મિઠાઈઓ બનાવવામાં લાગી જશે. સપ્તાહ પહેલાં જ ખરીદેલાં નવાં વસ્ત્રો સજવાને અધીરા બની રહેલા યુવકો-યુવતીઓ અને બાળકો ઉત્સાહપૂર્વક દીપોત્સવની પ્રતીક્ષા કરતા હોય છે. રંગબેરંગી ફટાકડા ફોડવા, આંગણે રંગોળી સજાવવી, ઘરના ટોડલે તોરણો બાંધી રોશનીના ઝગમગાટ સાથે નવાં નવાં વસ્ત્રો સજી, જાતજાતની મીઠાઈઓ આરોગવા સુધીનો  આનંદ લાવતું પર્વ દીપોત્સવ એ આપણી પૌરાણિક પરંપરા અને પૂર્ણત: ધાર્મિકતા આધારિત છે.

આજે રમા એકાદશી છે. શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની અગિયારસ એમ મહિનાની બે અને બારેમાસની 24 સાથે અધિક માસની બે અગિયારસ સાથે 26 એકાદશીનું ધાર્મિક મહત્ત્વ પ્રત્યેકની અલગ કથા સાથે જોડાયેલું છે. રમા એ લક્ષ્મીજીનું એક સ્વરૂપ છે. આજની અગિયારસ આમ તો ગઈકાલની દસમીના સંધ્યાકાળથી પ્રારંભ થઈ ચૂકી છે પણ અગિયારસનો ઉપવાસ આજે કરી શકાય છે. જો કે અગિયારસની તિથિ આજે બપોરે 13-22 સુધીની જ છે પણ ઉપવાસ આખા દિવસનો કરવો. બપોરે 13-22 કલાક પછી બારસની તિથિનો પ્રારંભ થાય છે.

આ બારસ એટલે વાઘબારસ જેને આપણે વાગ્ બારસ, વાક્ બારસ અને ગોવત્સ બારસ તરીકે પણ ઓળખીએ છીએ. ગોવત્સ બારસે લોકો ગાયની પૂજા કરે છે. ગૌશાળામાં દાન-ધર્માદા કરે છે અને ગાયમાતામાં સમાયેલા 33 કોટિ દેવતાઓના આશિષ પ્રાપ્ત કરે છે. વાક્ બારસનું અપભ્રંશ વાઘબારસ થયું હોવાની માન્યતા છે. વાક્ એટલે વાણી… આ દિવસે મા સરસ્વતીની પૂજાઅર્ચના થાય છે. સારસ્વતો, સાહિત્યકારો અને કલાના આરાધકો વિશેષ રૂપે મા સરસ્વતીની વંદના કરે છે.

મંગળવાર તા. 2-11-21ના રોજ 11-31 કલાક સુધી વાક્ બારસની તિથિ રહેશે અને ત્યાર બાદ તેરસની તિથિ એટલે ધનતેરસનો પ્રારંભ થશે. આ દિવસ સોનું, ચાંદી, ઘર, વાહન જેવી શુભ ખરીદીઓ માટેનો ઉત્તમ દિવસ મનાય છે પણ આ દિવસે બપોરે 3-10 થી 4-35 દરમ્યાન રાહુકાળ હોવાથી કોઈ શુભ ખરીદી કે શુભકાર્ય કરવું જોઈએ નહિ. ઘરમાં સચવાયેલાં સોના-ચાંદીનાં ઘરેણાં, મૂર્તિઓ કે ધનની આજે પૂજા કરાય છે. ગામડાંઓમાં ધણતેરસ પણ કહે છે અને ગોધુલી સમયે ચરીને પાછાં ફરતાં ગાય-ભેંસોના ધણની પૂજા કરતા હોય છે. આયુર્વેદના દેવ ભગવાન ધન્વંતરી સમુદ્રમંથન દરમ્યાન આજના દિવસે પ્રગટ થયેલા એટલે સ્વસ્થ જીવનની અભિલાષા સાથે ભગવાન ધન્વંતરીની પૂજા કરવામાં આવે છે. મૃત્યુના દેવતા યમરાજની પ્રસન્નતા માટે દીપદાન કરવાની પણ એક પરંપરા છે જે ગુજરાતમાં બહુ પ્રચલિત નથી.

આ વર્ષે બબ્બે તિથિઓ એક દિવસમાં સાથે આવે છે. ધનતેરસ મંગળવારથી પ્રારંભ થઈ બુધવારે સવારે 9-02 કલાકે પૂર્ણ થઈ ચૌદસનો પ્રારંભ થાય છે. જેને આપણે કાળીચૌદસ કે નરક ચતુર્દશી તરીકે ઉજવીએ છીએ. નરકની મુક્તિ માટે આ દિવસે વિષ્ણુપૂજન કરાય છે. શનિદેવના કોપથી મુક્તિ માટે હનુમાનજાપ અને મહામૃત્યુંજય જાપના કાર્યક્રમો યોજાય છે. નરકાસુર દૈત્યનો સંહાર આ દિવસે થયો હોવાની ધાર્મિક કથાઓ છે. આંતરશુધ્ધિ માટે જાપ-નામ, પૂજા-ઉપાસના સાથે બાહ્ય શુધ્ધિ માટે ઔષધમિશ્રિત તેલ શરીરે ચોળી સ્નાન કરવાની પણ એક પરંપરા છે. તંત્ર-મંત્ર-જપ માટે તાંત્રિકો આજના દિવસે મહાકાલીની ઉપાસના કરતા હોય છે. કાળીચૌદસના રાત્રિપૂજન માટે રાત્રિના 23-56 થી 24-47 કલાક સુધીનું મુહૂર્ત આ વખતે શ્રેષ્ઠ છે.

શુભ દીપાવલી પર્વ: વિક્રમ સંવત કેલેન્ડરનો આ અંતિમ દિવસ લક્ષ્મીપૂજન, ચોપડાપૂજન, શ્રીયંત્ર પૂજન જેવા અનેક પ્રકારે ધાર્મિક રીતે અને ધર્મકથાઓ સાથે જોડાયેલો છે. દેવરાજ ઈંદ્રના શાપને કારણે લક્ષ્મીજીને સમુદ્રમાં જઈને રહેવું પડ્યું હતું. સમુદ્રમંથનમાં પ્રાપ્ત ચૌદ રત્નો સાથે લક્ષ્મીજી પણ પ્રગટ થયેલાં જેને વિષ્ણુ ભગવાને સ્વીકાર્યાં હતાં. લક્ષ્મીજીના પ્રાકટ્યથી દેવી-દેવતાઓમાં શ્રી અને શક્તિનો પુન:સંચાર થતાં અસુરો પર વિજય પ્રાપ્ત કર્યો હતો જેની ખુશાલીમાં સમસ્ત લોકમાં દીપ પ્રજ્વલિત કર્યા હતા.

દશાનન રાવણનો વધ કરી ભગવાન શ્રીરામ અયોધ્યામાં પરત ફર્યા ત્યારે નગરવાસીઓએ આખા અયોધ્યામાં દીપ પ્રગટાવી, ઢોલ-નગારાં વગાડી અને ફટાકડા ફોડી ખુશી મનાવેલી. એ સમયે ફટાકડા ફોડ્યાનો ઉલ્લેખ મળે છે પણ ફટાકડા ત્યારે હતા કે કેમ એ અંગેનું તથ્ય ક્યાંયથી મેળવી નથી શકાયું. નરકાસુરના વધ પછી તેના દ્વારા કેદ કરાયેલ દેવ, ગાંધર્વ અને માનવોની સોળહજાર કન્યાઓને કોઈ સ્વીકારે એવું નહિ લાગતા ભગવાન કૃષ્ણે મુક્તિ અપાવી રાણી તરીકે સ્વીકારી હતી તેની પણ ખુશી વ્યક્ત કરી આ દિવસે લોકોએ દીપ પ્રગટાવ્યા હતા.

દિવાળીના દિવસે ભારતભરનાં મંદિરોમાં અન્નકૂટના દર્શન થશે. વેપારીઓ દિવાળીની રાત્રે ચોપડાપૂજન, લક્ષ્મીપૂજન કરી ફટાકડા ફોડી ફોડી ઉજવણી કરશે. આજે સર્વાધિક આનંદ સાથે ભારતભરમાં જ નહીં નેપાળ, મ્યાનમાર, મોરિશ્યસ, ગુયાના ત્રિનિદાદ, ટોબેગો, સૂરીનામ, મલેશિયા, અને ફીઝી જેવા દેશોમાંય આ મહાપર્વની ઉજવણી થશે. ઉપરાંત જ્યાં-જ્યાં હિન્દુઓ મોટા પ્રમાણમાં વસેલા છે ત્યાં દીપાવલીના પર્વની હોંશભેર ઉજવણી કરતા જોવા મળે છે.

મોગલ રાજા જહાંગીરે શીખ ધર્મના છઠ્ઠા ગુરુ ગોવિંદસિંહની સાથે બાવન રાજાઓને બંદી બનાવેલા પણ એક વાર તેના સ્વપ્નમાં કોઇ ફકીરે એ લોકોને મુક્ત કરવાનું ફરમાન કરતાં સન 1619માં દિવાળીના દિવસે મુક્તિ મળી હતી તેની ખુશાલીમાં શીખ સમાજ પણ હોંશભેર દિવાળીના પર્વને ઉજવે છે. સન 1619માં દિવાળીના દિવસે જ અમૃતસરના સુર્વણમંદિરનો શિલાન્યાસ થયેલો તેને પણ શીખ સમાજ યાદ કરી દિવાળી મનાવે છે.

જૈનોનાં 24મા તીર્થંકર મહાવીર સ્વામીનો આ દિવસે નિર્વાણદિન છે. તેના પ્રથમ શિષ્ય ગૌતમ ગણધરને આજના દિવસે કેવલજ્ઞાનની પ્રાપ્તિ થતાં જૈન સમાજ પણ પૂર્ણભાવથી દીપાવલી મનાવે છે. પ્રખર ગુરુસ્વામી રામતીર્થનો જન્મ અને મૃત્યુ આ સમયે એક તિથિએ થયાં હતાં. દયાનંદ સરસ્વતીએ આર્યસમાજની સ્થાપના દિવાળીના દિવસે કરી હતી તો તેનો નિર્વાણદિન પણ આ જ તિથિએ આવે છે. લાખો માછીમાર અને દેવીપુત્રોનો ઉધ્ધારક તથા સુરતના હીરાઘસુઓને રત્નકલાકાર જેવું સમ્માનજનક નામ આપનાર સ્વાધ્યાય પરિવારના દાદા પાંડુરંગ આઠવલેજીએ દિવાળીના દિવસે દેહત્યાગ કર્યો હતો.

અનેક ધર્મપ્રસંગો જોડે જોડાયેલા પવિત્ર પાવનકારી દીપાવલીએ પર્વની મોડીરાત્રી સુધી ફૂટતા ફટાકડા માંડ એકાદ-બે કલાકના વિરામ પછી વહેલી પરોઢે નવા વર્ષને આવકારવા ફરીને ફૂટવા લાગે છે. જો કે આ વર્ષે ઘણી બધી મર્યાદાઓમાંથી મુકિત મળવા છતાં સરકારી ગાઇડલાઇન મુજબ મર્યાદાઓ તો પાળવી જ પડશે અને તે આપણા લોકોની સુરક્ષા માટે હિતાવહ છે. નૂતન વર્ષ, ભાઇબીજ સુધી ચાલનારી તહેવારોની વણથંભી વણઝાર પછી બેત્રણ દિવસના વિરામ બાદ સૌ કોઇ લાભપાંચમથી નોકરીધંધાના શ્રીગણેશ કરશે.

Most Popular

To Top