પછી મેં એ બન્ને ગ્રુપ વચ્ચે ઝગડો શાંત કરાવ્યો અને બન્ને પક્ષના લોકોને સમજાવ્યું કે આપસમાં લડવામાં કંઈ સાર નથી, મળીસમજીને રહેશો તો સહુને ફાયદો થશે અને એટલી પ્રતિષ્ઠા તો મારી છે કે હું બોલું પછી સામે કોઈ દલીલ નથી કરતું.’ જગમોહનદાસ ચાના ઘૂંટ લેતાં બોલતા હતા અને પાંચ- છ અનુયાયી જેવા લોકો અહોભાવથી સાંભળી રહ્યા હતા. જગમોહનદાસ અમારા વિસ્તારના નાગરિક કલ્યાણ સંસ્થાના પ્રમુખ. ઉંમરલાયક માણસ હતા. સંસ્થામાં દર ત્રણ વરસે ચૂંટણી થતી અને છેલ્લી ચાર ચૂંટણીમાં એ સતત જીતતા આવ્યા હતા આથી એ જેટલા લોકપ્રિય હતા એટલા જ એમના વિરોધીઓ પણ હતા એટલે એમના જાહેર ભાષણ હોય ત્યારે પોલીસને અગાઉથી સૂચના આપી પરવાનગી લેવી પડતી કારણ કે ક્યારેક જગમોહનદાસના સમર્થકો અને વિરોધીઓ વચ્ચે મારામારી પણ થઇ જતી પણ જગમોહનદાસનું રૂંવાડું પણ ફરકતું નહીં. એ વાતો કરવાના શોખીન અને ભાષણ આપવામાં ઉસ્તાદ હતા. એ જે પણ કહેતા એ એટલું જોરદાર રીતે કહેતા કે દિવસના ભાષણ હોય અને એ કહી દે કે અત્યારે રાત છે તો ભાષણ સાંભળનારા રાત છે એમ માની જ લેતા.
પણ ગયા અઠવાડિયે જગમોહનદાસનું ભાષણ ફિયાસ્કો થઇ ગયું. સંસ્થાની મીટિંગ હતી અને હંમેશ મુજબ એ ભાષણ આપી રહ્યા હતા અને અચાનક ચૂપ થઇ ગયા. એક મિનિટ ચૂપ રહી ‘બસ હવે હું અટકું છું’ કહી એ બેસી ગયા. એમણે એવું કેમ કર્યું એ સમજાયું નહીં. એ ભાષણ કરે ત્યારે પોલીસ બંદોબસ્ત કરવો પડે. આ વખતે બંદોબસ્તમાં મારો મિત્ર તેમ જ મારા ચાના બાંકડાનો નિયમિત ગ્રાહક હવાલદાર શિંદે પણ હતો. એ અંદરથી માહિતી લઇ આવ્યો કે જગમોહનદાસ ભાષણ આપતાં કેમ અચાનક અટકી ગયેલા. મારી ચાનીની અન્ય એક નિયમિત ગ્રાહક લૈલા અને હું મારા ચાના બાંકડે ગપ્પાં મારતાં હતાં ત્યારે શિંદેએ અમને જણાવ્યું : ‘એ ભાષણ આપતા હતા ત્યારે અચાનક મંગુને ચક્કર આવેલા.’
મંગુને ચક્કર આવે તો એમાં જગમોહનદાસ પોતાનું ભાષણ શીદ અટકાવે?! મંગુ એક મૂંગોબહેરો પણ હોંશિયાર યુવાન હતો અને જગમોહનદાસનો ખૂબ વિશ્વાસુ હતો. એ વાત જાણીતી હતી પણ મંગુ માંદો પડે એટલે જગમોહનદાસ પોતાનું ભાષણ અટકાવી દે એ વાત કંઈ પલ્લે ન પડી. શિંદેએ આગળ કહ્યું ‘ત્યાત એક રહસ્ય આહે, જે તુમ્હી લોકાંના માહિત નાહી મ્હણુન ખરં નાહી વાટત…’ લૈલાએ ચિઢાઈને કહ્યું ‘વાતમાં આટલું મોણ ન નાખતા હોવ તો!’ શિંદેએ આજુબાજુ કોઈ સાંભળતું તો નથી એ જોઈ ધીમા અવાજમાં કહ્યું ‘જગમોહનદાસ કો ભાષણ દેના નહીં આતા હૈ. ઉનકા સારા ભાષણ મંગુ હી તૈયાર કરતા હૈ.’
આ વળી નવું! મૂંગો/બહેરો માણસ ભાષણ તૈયાર કરે અને એ ભાષણ બોલી કે વાંચીને જગમોહનદાસ તાળીઓ ઉઘરાવે? ‘ફેંક નહિ મારો શિંદે, એકબે વાર મેં પણ એમણે ભાષણ આપતા સાંભળ્યા છે, જોયા પણ છે પણ ક્યારેય વાંચીને નથી બોલતા એટલે તો એમના ભાષણ આટલાં લોકપ્રિય છે.’ ‘અરે બાબા, મંગુ કો તુમ લોગોને કભી ભાષણ કે વક્ત દેખા? વો કિધર હોતા હૈ જગમોહનદાસ કે ભાષણ કે વક્ત? કિસી કો નહીં પતા’ ‘શિંદે! સમજાય એવું બોલ ને બાપા!’ ‘રહસ્યમય બાત યહ હૈ કી એ જગમોહનદાસ ગૂંગે-બહેરો કી ભાષા – ઈશારો કી ભાષા સીખ લિયા હૈ ઔર ઉસી સે વો અપના ભાષણ દેતા હૈ.
કિસી કમરે મેં સે એ મંગુ મોબાઈલ પર લાઈવ હો કર જગમોહનદાસ કો ઇશારે સે ભાષણ બતાતા હૈ ઔર મોબાઈલ મેં દેખ દેખ કર જગમોહનદાસ ભાષણ દેતા હૈ ઔર ભોલી પબ્લિક કો લગતા હૈ કી જગમોહનદાસ બીના કિસી કાગજ કો પઢે ક્યા મસ્ત ભાષણ દેતા હૈ!’ લૈલા અને હું વિચારમાં પડ્યાં. ખેર, આ અંગે થોડી શંકાકુશંકાઓ કરી આખરે અમે બીજી વાતે ચઢી ગયા હતા કેમ કે આમ હોય તો પણ તેથી કોઈને શું ફરક પડે છે? જગમોહનદાસના ભાષણ લોકપ્રિય હતા અને જગમોહનદાસ લોકપ્રિય હતા- વાત પૂરી. લોકપ્રિયતાના અહંકારમાં જગમોહનદાસ કોઈ વાર એવું પણ કંઈ બોલી બેસતા જેને કારણે લોકોની લાગણી દુભાઈ જતી પણ લાગણી દુભાય એ કરતાં તાળી મારનારા લોકોની સંખ્યા વધારે હતી માટે જગમોહનદાસને કોઈની પરવા નહોતી.
એવા આ જગમોહનદાસ બહાર આંટો મારવા નીકળે કે મારા બાંકડે ચા પીવા ક્યારેક આવી ચઢે તો પણ એકલા ન હોય. પાંચસાત એમના ચેલા કે અનુયાયી સાથે ને સાથે ફરતા હોય જ જે જગમોહનદાસ જે કંઈ પણ કહે તે અહોભાવથી સાંભળીને જાણે કોઈ મુશાયરામાં જબરો શેર સાંભળ્યો હોય એમ ‘વાહ વાહ..’ કરતા રહેતા. આજે પણ માર બાંકડે એ અડ્ડો જમાવી ગપ્પાં મારી રહ્યા હતા અને કેટલાક લોકો એમની વાતો મુગ્ધ થઇ સાંભળી રહ્યા હતા. એટલામાં અચાનક એમનો ફોન વાગ્યો. વાત અટકાવી એમણે ફોન ઊંચકી વાત સાંભળી પછી બોલ્યા ‘ના ના…ગીતા ચાલુ છે…’ અટકીને મોટેથી બોલ્યા ‘સાંભળો મહોલ્લામાં ગીતા ચાલુ છે એટલે સહુ બિઝી છે. પછી વાત કરીએ’ અને એમણે ફોન મૂકી દીધો. પણ એમની વાતથી સહુને જાણે સાપ કરડી ગયો. એમના ચેલકાઓના ચહેરા આઘાતથી પડી ગયા હતા અને બાંકડે ઉપસ્થિત અન્ય લોકો જે એમના ચેલા નહોતા એ ગુસ્સે થઇ ગયા હતા. સહુના પડેલા ચહેરા જોઈ જગમોહનદાસે સહુ સામે જોઈ કહ્યું ‘શું વાત છે? કંઈ પ્રોબ્લેમ?’ ‘અરે બેશરમ આ ઉંમરે તો વાત કરવાનું ભાન રાખો!’ મારી ભાણી બાબત તમે આવી ગંદી વાત કરો છો?’
‘કોણ તમારી ભાણી? હું તો તમને પણ નથી ઓળખતો…’ અચકાઈને જગમોહનદાસ બોલ્યા. ‘તમે હિન્દ સોસાયટીમાં રહો છો – અમે જાણીએ છીએ.’ ‘તમે શું, બધા જ જાણે છે કે હું ક્યાં રહું છું, હું એક જાણીતો આગેવાન છું’ સ્વસ્થ થઇ જગમોહનદાસ આત્મવિશ્વાસ સાથે બોલ્યા. ‘મારી ભાણી ગીતા પણ હિન્દ સોસાયટીમાં રહે છે’ ‘એમ? હશે. તો?’ જગમોહનદાસે પૂછ્યું.
‘અરે તો વાળી, પહેલાં એ વાતનો જવાબ આલ કે ‘ગીતા ચાલુ છે’ એમ બોલ્યો જ કેમ ?’ એક જણે ઉશ્કેરાઈ જઈ મોટા અવાજમાં પૂછ્યું. આ સાંભળી જગમોહનદાસના ચેલાઓ ‘ મોટેથી બોલી ડરાવે છે કે?’ બોલતા ઊભા થઇ ગયા અને ‘તારી જાતને સમજે છે શું?’ ‘અમારી મા- બહેન બાબત ફાવે તેમ બોલે એને છોડીશું નહિ’ ‘અરે થાય એ કરી લે’ કિસમના હોંકારા- પડકારા શરૂ થઇ ગયા. જગમોહનદાસ ‘અમારી વાત તો સાંભળો…’ એમ બોલતા રહ્યા પણ એમનું કોઈ સાંભળી નહોતું રહ્યું. સદભાગ્યે મામલો વધુ બિચકે એ અગાઉ હવાલદાર શિંદે આવી ગયો અને સહુ ચૂપ થયા. આખી વાત જાણી શિંદેએ જગમોહનદાસને કહ્યું ‘કાય હો સાહેબ, વય કાય આપલી આણી આપણ અસં બોલતાત?’ ‘અરે ભાઈ, હમેરે મહોલ્લા મેં હમણાં ગીતાપાઠ ચાલી રહેલા હૈ – મતલબ મેં બોલ્યા કે અમારે ઉધર અબી ગીતા કા વાંચન ચાલતા હૈ… યે લોગ કૌન સી ગીતા કી બાત કરતે હૈ વો મેરે કુ નહીં માલૂમ…’ જગમોહનદાસના આ ખુલાસાથી સોપો પડી ગયો. શિંદેએ જગમોહનદાસ પર ગુસ્સે થઇ ગયેલા લોકોને કહ્યું ‘સુના? ક્યા તુમ લોગ ભી પૂરી બાત સુને બીના રાશનપાની લે કર ચઢ જાને કો હંમેશાં રેડી હોતે હૈ?’ ‘ઓ હવાલદાર સા’બ એ આદમી કી બાત પર હમકો ભરોસા નહીં. એ હંમેશાં અપને ભાષણ મેં એસા ભગા કરતા હૈ -ઇસ કો બોલો અભી કે અભી સબ કે સામને માફી માંગે નહીં તો હમ લોગ ઇસકો છોડેંગે નહિ…’
‘સાલા જુઠા હર બાર તેઢા બોલ કર બચ જાતા હૈ પર ઇસ બાર નહીં ચલેગા. બહુત હો ગયા નાટક.’ આમ શાંત થઇ ગયા છે એવું લાગતું હતું એ મિથ્યા સાબિત થયું. જગમોહનદાસનો ખુલાસો કોઈને ગળે નહોતો ઊતરી રહ્યો. શિંદેએ આખરે મોટા અવાજમાં સહુને દબડાવતા પૂછ્યું ‘આખિર ઇન કી બાત પર આપ લોગ શક ક્યોં કર રહે હો? ક્યા બોલને- સુનને મેં ગલતફહમી નહિ હો સકતી ક્યા? તુમ સબ તો ઇસ આદમી કો જબરદસ્તી ગુનેગાર સાબિત કરને કી જીદ પર અડ ગયે હો!’ ‘આજ ઇસ કી બાત કો હમ કયોં માન લે? ઇસ કા ઈતિહાસ ચેક કરો. આજ કે પહેલે ભી યે આદમીને બહોત ગડબડ બાતે કી હૈ.’ એક સમજણા લાગતા માણસે શિંદે સામે દલીલ કરી.
‘મૈ ક્યા બોલતા હૈ’ શિંદેએ નરમ અવાજમાં કહ્યું ‘પહેલે કી બાત છોડો – અભી જો ભી હુઆ-’ ‘પહેલે કી બાત કયોં છોડે? યે આદમીને બોલા થા ઔર એસા હી ગલત બાત બોલા થા’ એક યુવાને શિંદેની વાત કાપતાં કહ્યું ‘ઇતના ઉંમર હો ગયા હૈ ફિર ભી પિછલે સાલ મહેતા કોલોની કી રીટા કે બારે મેં ક્યા બોલા થા પૂછો.’ શિંદે કંઈ બોલે એ પહેલાં ત્રીજાએ ઊભા થઇ કહ્યું ‘ઔર રાશિ માથુર કે બારે મેં બોલા થા, પેરુ વાડી કી મધુ કે બારે મેં બોલા થા , ઉસ કે ખુદ કી સોસાયટી કી જોઈન્ટ સેક્રેટરી સુનંદા કે બારે મેં ક્યા બોલા થા વો માલૂમ હૈ તુમકો?’ શિંદેએ આઘાત પામી જગમોહનદાસ સામે જોયું. એ ગભરાઈને પરસેવો લૂછવા માંડ્યા. મારા બાંકડે આ બધું શું થઇ રહ્યું હતું?