ગામમાં માથાભારે છોકરાઓની ટોળી. આખો દિવસ રમે, આંબલી, બોર, આંબા, ચીકુ બધુ વાડીઓના ઝાડ પરથી તોડી ભેગું કરે અને ગામના પાદરે ભેગા મળી બેસે. છોકરાઓની ટોળીનો સરદાર વેલજી બધાના ભાગ પાડે. નાનપણના સંસ્કાર મુજબ એક ભાગ પ્રભુનો પણ કાઢીને બાજુમાં મુકે. બધા પોતપોતાનો ભાગ લઇ લે અને પ્રભુનો ભાગ ત્યાં જ રહેવા દે. એમ માને કે પ્રભુ આવીને લઇ લેશે. બીજે દિવસે જુએ તો બોરના ઠળિયા આજુબાજુ પડ્યા હોય. તેઓ રાજી થઈ જાય કે પ્રભુએ ભાગ લઇને ખાય લીધો. આ ટોળી રોજ પ્રભુનો ભાગ કાઢવાનું ન ભૂલે.
આમ ને આમ બાળપણના વર્ષો વીતી ગયા. બધા મોટા થઈને છુટા પડી ગયા. ગામ પણ છૂટ્યું. વેલજી શહેરમાં રહેવા લાગ્યો. વધુ કમાવા લાગ્યો. વધુ ને વધુ પૈસા મેળવવાની લાલચમાં કુટુંબને બધી સવલતો આપવા માટે તે વધુ ને વધુ દોડવા લાગ્યો. સઘળું ભૂલી ગયો અને પ્રભુનો ભાગ કાઢવાનું પણ ભૂલી ગયો. પહેલા તે ભેગા કરેલા ફળોમાંથી પણ પ્રભુનો ભાગ કાઢતો હતો અને હવે વધુને વધુ ભેગું કરવામાં કમાયેલા પૈસામાંથી પ્રભુનો ભાગ કાઢવાનું ભૂલી ગયો. આમ જોવા જઈએ તો સ્વાર્થ અને લોભમાં પ્રભુને પણ ભૂલી ગયો.
વર્ષો વિત્યા. પૈસા પાછળ દોડી દોડીને વેલજીએ કુટુંબ માટે ઘણું ભેગું કર્યું પણ ભગવાનને ભૂલીને. એટલે પુણ્યનું ભાથું બાંધવાનું રહી ગયું. વર્ષો વિત્યા, વેલજી થાક્યો અને વૃદ્ધ વેલજી હવે કુટુંબીજનો માટે ભારરૂપ બની ગયો. એક દિવસ વેલજી ઘરના સભ્યોના વર્તનથી કંટાળીને ગામમાં આવી ગયો. જાતે જાતે એક વાર રસોઈ બનાવી બે વાર જમતો. ગામમાં આવ્યાને 2 દિવસ થયા હશે, ત્યાં વહેલી સવાલે ડેલી ખખડી. વેલજીને નવાઈ લાગી કે અહીં કોણ આવ્યું હશે. દરવાજો ખોલી જોયું તો સામે તેનો બાળપણનો સાથી દેવજી હતો. દેવજીને નાનપણથી પોલિયો હતો. એટલે વેલજી પોતાના મિત્રોની ટોળીમાં તેને સાથે રાખતો નહિ. દેવજી વેલજી માટે ચા અને ગાંઠિયા લઈને આવ્યો હતો. ચા – નાસ્તો કરતા દેવજીએ કહ્યું, ‘દોસ્ત, હું તારો બાળપણનો મિત્ર છું. એટલે તારે જાતે રસોઈ કરવાની કોઈ જરૂર નથી. તારો ચા – નાસ્તો અને જમવાનું બધું મારે ત્યાંથી આવશે સમજ્યો.’
આ સાંભળી વેલજીની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, ‘અલ્યા દેવજી, તું તો સાચે દેવસ્વરૂપ છે. મેં તને બાળપણમાં જોડે ન રમાડ્યો તો પણ તું મને અત્યારે તારો બાળપણનો મિત્ર કહીને આટલો પ્રેમ આપે છે. તારું ઋણ હું ક્યાં જન્મમાં ચૂકવીશ.’ દેવજી બોલ્યો, ‘ના દોસ્ત, આ તો હું તારું ઋણ ચુકવવા આવ્યો છું. બાળપણમાં તું જે ભગવાનનો ભાગ કાઢતો હતો, તે તમે બધા જતાં પછી હું ખાઈ લેતો હતો. એટલે તે તો મને રોજ ભાગ આપ્યો જ છે. મને થતું હું તારું આ ઋણ કઈ રીતે ચૂકવીશ અને મને ભગવાને અત્યારે આ મોકો આપ્યો છે.’ વેલજી તેની વાત સાંભળી ભેટી પડ્યો અને પછી ભગવાનને હાથ જોડી બોલ્યો, ‘પ્રભુ મને માફ કરજે. હું તને ભૂલ્યો પણ તું મને નથી ભૂલ્યો. તારો આભાર.’
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.