ભરૂચ: ભરૂચમાં (Bharuch) જર્જરિત બનેલા નર્મદા એપાર્ટમેન્ટના (Narmada Apartment) એક બ્લોકનો કેટલોક હિસ્સો ધરાશાયી (Block Collapsed) થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દબાઈ જતાં મોત નીપજવાની ઘટના બની હતી. જ્યારે પરિવારના અન્ય લોકોને ફાયર ફાયટરો અને પોલીસે બહાર કાઢવામાં મદદ કરી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચની જૂની મામલતદાર કચેરી સામે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટના મોટા ભાગના મકાનો જર્જરિત થઈ ગયા છે. તેથી ગુરુવારની મધ્યરાત્રિએ બ્લોક નંબર 18ના ઉપરના ભાગના મકાનનો કેટલોક હિસ્સો ધડાકાભેર તુટી પડ્યો હતો. જેના પગલે સમગ્ર વિસ્તારમાં ગભરાટ પ્રસરી ગયો હતો અને આસપાસના રહીશો દોડી આવ્યા હતા.
- જૂની મામલતદાર કચેરી સામે આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના નર્મદા એપાર્ટમેન્ટમાં બનેલી ઘટના
- મકાનમાં પાંચ વ્યક્તિઓ પૈકી એક યુવકને સામાન્ય ઈજા, આધેડનું કાટમાળમાં દબાઈ જતાં મોત
એપાર્ટમેન્ટનો ભાગ ધરાશાયી થતાં મકાનમાં નિંદ્રાધીન બે મહિલા, બે પુરુષ અને એક આધેડ મળી પાંચ વ્યક્તિઓ પૈકી ધર્મેશ નામના યુવકને પગમાં સામાન્ય ઈજા થઈ હતી તો આધેડ વયના પંકજ ચૌહાણ કાટમાળ નીચે દબાયા હતા. ઘટનાના પગલે ભરૂચ પાલિકાના બે ફાયર ફાયટરો અને પોલીસ કાફલો તેમજ વીજ કંપનીના કર્મચારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર બાદ કાટમાળ નીચે દબાયેલા પંકજભાઈને બહાર કાઢી એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.
વિસ્તારમાં અનેક મકાનો જર્જરિત હાલતમાં
ભરૂચ જુની મામલતદાર કચેરીની સામે નર્મદા એપાર્ટમેન્ટના 25 જેટલા બ્લોકમાં 500થી વધુ મકાનો આવેલા છે. તેમાંથી કેટલાક બ્લોકના મકાનો અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સ્લેબ ધરાશાયી થવાની ઘટનાઓ પણ અગાઉ બની ચૂકી છે. આ સંદર્ભે ભરૂચ નગરપાલિકાએ માત્ર જર્જરિત ઈમારતો મુદ્દે નોટીસ આપી મરામત કરાવવા અને ઘરમાંથી ખસી જવા માટે આહવાન કરી પોતાની કામગીરીમાંથી હાથ ખંખેરી લેવાની વાત સ્થાનિકો કરી રહ્યા છે.
અગાઉ ભરૂચના મકેરી ફળિયામાં પણ જર્જરીત મકાન ધરાશાયી થઈ હતું
જુના ભરૂચના મકેરી ફળિયામાં એક જર્જરીત મકાનનો અડધો ભાગ ધરાશાઈ થતાં નીચે પાર્ક કરેલા વાહનો પર કાટમાળ પડ્યો હતો. જેને લઈ બાઇકને નુકસાન થયું હતું. જો કે, વહેલી સવારનો સમય હોવાથી કોઈ અવરજવર નહીં હોવાથી જાનહાની ટળી હતી. મકાનનો કાટમાળ માર્ગ પર પડતાં આવવા જવા માટેનો રસ્તો બંધ થઈ ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, જર્જરિત મકાનનો પાછળનો ભાગ પહેલા જ ઉતારી લેવામાં આવ્યો હતો.