તા-૧૬મી જુલાઈ-૨૦૨૩ સ્વાતંત્ર્ય સંગ્રામના ગાંધીયુગમાં જોડાનાર અને મહિલાઓનું નેતૃત્વ કરનાર મીઠુબેન પીટીટ ઉર્ફે માયજીની ૫૦મી પુણ્યતિથિ હતી. આખા દક્ષિણ ગુજરાતમાં આદિવાસીઓ માટે મીઠુબેન પીટીટ ‘માયજી’ બિરુદથી દેશભરમાં જાણીતાં હતાં.માયજીના એક પુસ્તકમાં પૂર્ણિમાબેન પકવાસાના લેખમાં એવો પ્રસંગ વાંચ્યો કે તેમણે શરૂ કરેલી કેવડી આશ્રમમાં કોઈક માથાભારે માણસે ગેરકાયદે ખેતી શરૂ કરી.સ્થાનિકોએ ખેતી કરનારો માથાભારે માણસ આખા ગામને હેરાન કરીને ધારેલું કામ કરે છે.
માયજીએ શાંત ચિત્તે બેસીને કોઈ અણસાર ન આપ્યો.ફરિયાદ કરનારાને માયજીએ શાંતિથી કહ્યું કે “જરા થોભો,શું ઉતાવળ છે?” બાદમાં ખેતરમાં પાક તૈયાર થઇ ગયો.એટલે માયજી તો ગાડાં લઈને હાથમાં ડાંગ (લાકડી) સાથે આશ્રમના લોકોને લઈને ત્યાં પહોંચી ગયાં અને માયજીએ આજ્ઞા આપી કે માંડો પાક વાઢવા અને ભરો ગાડાંમાં.ક્ષણિક ખંચકાઈને પેલા માથાભારેની બીક હતી અને અહીંયાજ લડાઈ થશે.માયજીએ હિંમતથી કહ્યું કે કશા ભય વિના કામ ચાલુ કરો હું બેઠી છું ને ! તમારો વાળ વાંકો નહિ થાય.પાક વાઢીને હેમખેમ આશ્રમ પહોંચી ગયો અને માયજી નિરાંતે પોતાની બેઠકમાં બેઠાં હતાં અને પેલી ડાંગ પણ સાથે જ હતી.
એ વખતે પેલો માથાભારે માણસ આવીને કહેવા લાગ્યો કે કોની હિંમત છે કે મારો પાક વાઢીને લઇ ગયા! માયજી પણ ડાંગ લઈને સામે ધસી ગયાં અને ત્રાડ પાડીને પૂછ્યું કે “એ જમીન તારા બાપની હતી કે ત્યાં વાવણી કરી લીધી? અને આશ્રમની રજા લીધેલી? તારો શો અધિકાર હતો કે ત્યાં વાવણી કરી દીધી? પેલો માણસ મનફાવે એમ તેમ બોલીને હું વાવણી કરીને પાક લઇ શકું છું મને રોકનાર કોણ..!! માયજીએ કડક સ્વરે કહ્યું કે “તારી આડોડાઈ બીજે ચલાવજે.અહીં નહિ ચાલે.આ તો આશ્રમની જમીન છે.જો વધારે વાત કરી છે તો તારું માથું જ ભાંગી નાંખીશ.જો કે માયજીનું સાક્ષાત્ ચંડિકા સ્વરૂપ અને કડક સ્વરથી પેલો માણસ ઢીલોઢસ થઈને નરમાશથી વાતો કરવા લાગ્યો.માયજીએ સાફ શબ્દોમાં કહ્યું કે હવે ન્યાયની વાત ન કરતો. પારકાની જમીનમાં વાવીને પાક લેવો એ તો હડહડતો અન્યાય જ છે.આમ માયજીનું સ્વરૂપ શાંત અને રૌદ્રનું હતું.
ભરૂચ -વીરેન્દ્રસિંહ અટોદરિયા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.