Entertainment

બ્યુટી બાબતે ‘ફૂલ’ બનાવતા પાર્લર

મોટી ફિલ્મો, મોટા સ્ટાર્સવાળી ફિલ્મ રજૂ થવાની હોય તેની પહેલાં નાની ગણી શકાય એવી ફિલ્મો રજૂ થઇ જતી હોય છે. એવી ફિલ્મો કેટલો ધંધો કરી શકે તેનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે પણ આ બધા બજારના પ્રશ્ન છે. એક વાત કહેવી જોઇએ કે આવી નાની ફિલ્મો વિષયને આધારે ધ્યાન ખેંચવા પ્રયત્ન કરતી હોય છે પણ આપણો પ્રેક્ષક પહેલાં સ્ટાર્સને જુએ છે અને પછી વિષય જુએ છે. મોટા સ્ટાર્સવાળી ફિલ્મો મનોરંજનના તત્વોથી એટલી બંધાયેલી હોય છે કે તેઓ ગંભીર વિષયોનું જોખમ ઉઠાવતી નથી.

આ અઠવાડિયે ‘પિન્કી બ્યુટી પાર્લર’ રજૂ થઇ રહી છે જેમાં પિન્કી (સુલગ્ન પાણી ગ્રહી) અને બુલબુલ (ખૂશ્બુ ગુપ્તા) નામની બે બહેનોની કહાણી છે જે બનારસમાં બ્યુટી પાર્લર ચલાવે છે. એક દિવસ તેમના બ્યુટી પાર્લરમાંથી એક મૃતદેહ મળે છે અને પછી જે તપાસ શરૂ થાય છે તે બ્યુટી પાર્લરની કલરફૂલ દૂનિયામાં લઇ જાય છે. સ્ત્રીઓની ગોરા દેખાવાની ઘેલછાથી માંડી રૂપાળા દેખાવાની કદરુપી દુનિયાએ તપાસમાંથી ઉઘડતી આવે છે. આ ફિલ્મ છ વર્ષથી બનીને તૈયાર હતી અને આ દરમ્યાન કેન્સ, મેલબોર્ન, કેનેડા, સિડની, અમેરિકા, મોસ્કો ઉપરાંત ભારતના ઘણા ફિલ્મોત્સવોમાં પ્રદર્શીત થઇ પ્રશંસા મેળવી ચુકી છે. શું હવે સામાન્ય પ્રેક્ષકોની પ્રશંસા પામશે? નિર્માતા અને દિગ્દર્શક અક્ષય સીંઘ પ્રેક્ષકો પાસે આશા રાખીને બેઠા છે. ‘કિસી કા ભાઇ કિસી કી જાન’ રજૂ થાય તે પહેલાં જે આ ફિલ્મ સારો ધંધો કરી શકશે તો છ વર્ષ રાહ જોયાનું સાર્થક નીવડશે.

જો કે લોકો માટે અજાણ્યા કળાકારોવાળી ફિલ્મ મોડી પડે કે વહેલી, તેનાથી ફરક પડતો નથી. સુલગ્ન, પાણિગ્રહી આ પહેલાં ‘મર્ડર-2’ ‘ઇશ્ક વાલાલવ’, ‘ગુરુ દક્ષિણા’, ‘રેઇડ’ ને ‘શર્માજી નમકીન’ નામની ફિલ્મોમાં આવી ચુકી છે. ‘અંબર ધારા’, ‘દો સહેલીયાં’, ‘બિદાઇ’ અને ‘વિદ્રોહી’ નામની ટી.વી. શ્રેણી ઉપરાંત ‘અફસોસ’ નામની વેબ સિરીઝમાં પણ તે કામ કરી ચુકી છે પણ આ ફિલ્મને તે જરા વધારે મહત્વ આપે છે. ઓરિસ્સાની સુલગ્ન કહે છે કે આ વિષય જરા જૂદો છે અને અમે આ ફિલ્મ રજૂ થવાની રાહ પણ ઘણી જોઇ છે તો હવે સારા પરિણામની આશા તો રાખવી જ જોઇએને! ખુશ્બુ ગુપ્તા આ પહેલાં ‘હમારા તિરંગા’ અને ‘રાઇટ યા રોંગ’ ફિલ્મમાં આવી ચુકી છે. ‘પિન્કી બ્યુટી પાર્લર’ એક વ્યંગ્ય ધરાવતી ફિલ્મ છે અને ઘણા ફિલ્મોત્સવ પછી પ્રેક્ષકો સામે આવી રહી હોવાથી ખુશ્બુ ઉત્તેજીત છે. તે કહે છે કે આ ફિલ્મના દિગ્દર્શક અક્ષય સીંઘની આ પહેલી જ ફિલ્મ છે પણ લોકોને વ્યંગ સાથે આનંદ આપશે. બ્યુટી પાર્લર હવે જાણે અનિવાર્ય થઇ ગયા છે અને તેમાં દરેક સ્ત્રીની રૂપવતી દેખાવાની ઘેલછાનો ધંધો છે. બ્યુટી પાર્લરમાં તો સ્ત્રી જાય છે પણ ‘પિંકી બ્યુટી પાર્લર’માં જશે?

Most Popular

To Top