ગાંધીનગર (Gandhinagar): ગુજરાતમાં અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), વડોદરા (Vadodara), રાજકોટ (Rajkot), જામનગર (Jamnagar) અને ભાવનગર (Bhavngar) સહિત છ મનપાની ચૂંટણીના પરિણામોમાં છ મનપામાં ભાજપનો (BJP) કેસરિયો લહેરાયો છે. એટલે કે ભાજપે તમામ છ મનપામાં સત્તા જાળવી રાખી છે. બીજી બાજુ કોંગ્રેસનો (Indian National Congress) છ મનપાની ચૂંટણીમાં કારમો પરાજય થયો છે. સુરતમાં 27 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ (AAP) રાજનીતિમાં એન્ટ્રી મારી દીધી છે. બીજી તરફ અમદાવાદમાં ઓવૈસીની એઆઈએમઆઈએમ દ્વારા 7 બેઠકો સાથે એન્ટ્રી મારી છે.
સમાચાર આવ્યા છે કે મેયરની પસંદગી માટે આગામી બે દિવસમાં જ ભાજપની પ્રદેશ પાર્લિમેન્ટરી બોર્ડની બેઠક (Parliamentary Board Meeting) મળશે અને એમાં ત્રણ નામોમાંથી એકને પસંદ કરીને મેયરપદે નિયુક્ત કરાશે. જણાવી દઇએ કે અનામતના નિયમ પ્રમાણે ત્રણ શહેરોમાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા નેતાને જ મેયરપદે નિમાશે. પાર્લમેન્ટરી બોર્ડની બેઠકમાં મેયરપદના ઉમેદવારોના નામ પર ચર્ચા કરીને હાઇકમાન્ડને મોકલવામાં આવશે, જ્યાંથી નામ ફાઇનલ થયા બાદ આવતા અઠવાડિયામાં જે-તે શહેરમાં પાર્ટીના મેયરની વરણી કરાશે.
મનપા દીઠ અનામત વ્યવસ્થા:
નોંધનીય છે કે સરકારી નિયમો અનુસાર અમદાવાદમાં પહેલા અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે મેયરનું પદ અનામત છે જ્યારે બાકીના અઢી વર્ષ મહિલા ઉમેદવાર માટે અનામત છે. વડોદરામાં પહેલા અઢી વર્ષ જનરલ અને બીજી અઢી વર્ષ મહિલા ઉમેદવાર નિમાશે. જ્યારે રાજકોટમાં પહેલા અઢી વર્ષની ટર્મ OBC ઉમેદવાર અને બીજા અઢી વર્ષની ટર્મ મહિલા ઉમેદવાર માટે અનામત રખાઇ છે. ભાવનગરમાં પહેલા મહિલા અને પછી OBC ઉમેદવાર નિમવાના રહેશે. જામનગરમાં પહેલા ટર્મ માટે મહિલા અને બીજા ટર્મ માટે શેડ્યૂલ કાસ્ટના ઉમેદવારને મેયરપદે નિમવાના રહેશે. સુરતની વાત કરીએ તો સુરતમાં પહેલા અઢી વર્ષના ટર્મ માટે મહિલા અને પછીના અઢી વર્ષના ટર્મ માટે જનરલ કેટેગરીના મેયર નિમાશે. સુરતમાં ભાજપને 93 અને આમઆદમી પાર્ટીને 27 બેઠક મળી છે, એટલે સ્વાભાવિક રીતે વિપક્ષ તરીકે આમઆદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં હશે.
પરિણામો આવ્યા પછી કોંગીના સિનિયર અગ્રણી અર્જુન મોઢવાડિયાએ ટ્વિટ કરીને કહ્યું હતું કે, ‘છ મનપાના પરિણામો નિરાશાજનક છે.જો કે અણે પ્રજાના જનાદેશનો સ્વીકાર કરીએ છીએ. દરેક અંધારી રાત પછી અજવાળા સાથે સવાર તો થાય છે. મહાનગરોમાં પ્રજાનો વિશ્વાસ મેળવવા માટે વધુ પરિશ્રમ કરીશું.’. જ્યારે PM નરેન્દ્ર મોદીએ (PM Modi) ટ્વિટ કરીને લખ્યુ હતું કે, ‘ગુજરાતના મતદારોએ ભાજપમાં ફરીથી વિશ્વાસ મૂકયો છે. છેલ્લા બે દાયકાથી ગુજરાતમાં ભાજપની સત્તા છે એટલે આ વખતે પણ મનપાની ચૂંટણીમાં ભાજપને મળેલો વિજય ખાસ છે.’. કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે (Hm Amit Shah) કહ્યું હતું કે, ‘છ મનપાની ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક પર વિશ્વાસ મૂકવા બદલ મતદારોનો આભાર માન્યો હતો. શાહે ગાંધીનગરમાં સીએમ વિજય રૂપાણી અને પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી આર પાટીલને મળીને તેમને ફૂલહાર પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા.’.