SURAT

‘અમે રોજ દુકાનની સામે રોડ પર જ ગાડી પાર્ક કરીશું, તમારાથી થાય તે કરી લો’

સુરતઃ પાંડેસરા પત્રકાર કોલોની સર્કલ પાસે નો પાર્કિંગમાં (No Parking) કાર (Car) પાર્ક કરી પોલીસ (Police) સાથે દાદાગીરી કરનાર મોબાઈલની દુકાનના (Mobile Shop) માલિક અને પાર્ટનર સામે ફરજમાં રૂકાવટનો ગુનો નોંધાયો હતો. પાંડેસરા પત્રકાર કોલોની સર્કલ પાસે પ્રિતમ મોબાઈલ નામની દુકાન આવેલી છે. ગત ગુરુવારે સાંજે દુકાન પાસે નો પાર્કિંગ ઝોનનું બોર્ડ લાગેલું હતું ત્યાં જીજે-05-આરજે-0856 નંબરની બ્રેઝા કાર પાર્ક કરેલી હતી. આ કાર મેઈન રસ્તામાં વાહનચાલકો અને લોકોની અવરજવર માટે અડચણરૂપ હતી.

દરમિયાન પાંડેસરા પોલીસ પેટ્રોલિંગમાં હતી ત્યારે આ કાર બાબતે પૂછપરછ કરતાં એક વ્યક્તિએ આવીને પોતાનું નામ નિલેશસિંહ હોવાનું અને પોતે આ મોબાઈલ દુકાનનો પાર્ટનર છે તેમ કહ્યું હતું. પોલીસે તેને ગાડી રસ્તામાંથી હટાવી લેવાનું કહેતાં હું ગાડી અહીંથી હટાવવાનો નથી, તમારાથી થાય તે કરી લો તેમ કહી ગાળો આપી હતી. ત્યારે બીજો વ્યક્તિ આવીને અમે રોજ અહીં દુકાનની સામે રોડ પર જ ગાડી પાર્ક કરીએ છીએ, અમારી ગાડી અહીંથી હટશે નહીં, તમારાથી થાય તે કરી લો તેમ કહી બૂમો પાડી અસભ્ય વર્તન કરી ગાળો આપી હતી. આ વ્યક્તિ પોતે દુકાનનો માલિક હોવાનું કહ્યું હતું. પાંડેસરા પોલીસે દુકાનના માલિક મનીષ હોલારામ દલવાણી (ઉં.વ.36) (રહે.,રત્નશ્યામ, અલથાણ કેનાલ રોડ) તથા પાર્ટનર નિલેશસિંહ બુદ્ધરાજસિંહ (ઉં.વ.29) (રહે.,હરિઓમનગર, પાંડેસરા)ની સામે ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો.

પલસાણામાં બે લાખથી વધુનો દારૂ ભરેલો ટેમ્પો ઝડપાયો
પલસાણા: પલસાણાના ગાગપોર ગામની સીમમાં બિનવારસી હાલતમાં એક વિદેશ દારૂનો મોટો જથ્થો ભરેલો ટેમ્પો હોવાની બાતમી પલસાણા પોલીસને મળતાં પોલીસે સ્થળ પર જઇ તપાસ કરી ૨ લાખથી વધુના વિદેશી દારૂના જથ્થા સાથે ટેમ્પોને કબજે લઇ ટેમ્પોચાલકને વોન્ટેડ જાહેર કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર પલસાણાના ગાંગપોરથી ચલથાણ જતા રોડ પર એક મહિન્દ્રા પિકઅપ ટેમ્પો નં.(જીજે ૦૫ બીજેડ ૨૫૫૩)માં વિદેશી દારૂ હોવાની બાતમી પલસાણા પોલીસને મળતાં પલસાણા પોલીસ સ્થળ પર પહોંચે એ પહેલાં ટેમ્પોચાલક દારૂ ભરેલો ટેમ્પો મૂકી નાસી છૂટ્યો હતો. ત્યારે પલસાણા પોલીસે ટેમ્પોમાંથી દારૂની બોટલ નંગ-૧૮૦૦ કિંમત ૨૭૪૮૦૦ રૂ. તેમજ ટેમ્પોની કિ.૩ લાખ મળી કુલ ૫૭૪૮૦૦ રૂપિયાના મુદ્દામાલને કબજે કરી પોલીસે અજાણ્યા ટેમ્પોચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી હતી.

Most Popular

To Top