Sports

પેરિસ ઓલિમ્પિક્સ: ભારતીય મહિલા તીરંદાજી ટીમ સીધી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

પેરિસ ઓલિમ્પિકમાંથી (Paris Olympics) સકારાત્મક સમાચાર સામે આવ્યા છે. ભારત માટે સારી રમતની શરૂઆત થઈ છે. ત્રણ મહિલા તીરંદાજ (Female Archer) અંકિતા ભકત, ભજન કૌર અને દીપિકા કુમારી મહિલા મુખ્ય રેન્કિંગ તીરંદાજી ઇવેન્ટમાં અનુક્રમે 11મા, 22મા અને 23મા ક્રમે રહી છે. ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે.

પેરિસ ઓલિમ્પિકમાં ગુરુવારે મહિલા તીરંદાજીનો રેન્કિંગ રાઉન્ડ શરૂ થયો છે. ભારતીય ટીમ આ રાઉન્ડમાં ચોથા ક્રમે રહી હતી. તેણે 1983 પોઈન્ટ બનાવ્યા. ટીમ સીધી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. આ રાઉન્ડમાં કોરિયાએ ઓલિમ્પિક રેકોર્ડ તોડ્યો અને 2046 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. દક્ષિણ કોરિયાની લિમ સિ-હ્યોને આ જ ઈવેન્ટમાં 694/720ના વ્યક્તિગત સ્કોર સાથે અગાઉના શ્રેષ્ઠ 692/720ને પાછળ છોડી વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે. ચીન (1996 પોઈન્ટ) બીજા ક્રમે અને મેક્સિકો (1986 પોઈન્ટ) ત્રીજા ક્રમે છે. ભારતીય તીરંદાજ અંકિતાએ સિઝનનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તે 666 પોઈન્ટ સાથે 11મા નંબરે છે. ભજન 659 પોઈન્ટ સાથે 22મા ક્રમે અને દીપિકા કુમારી 658 પોઈન્ટ સાથે 23મા ક્રમે છે. આ ત્રણેયને રાઉન્ડ ઓફ 64 રમવું પડશે.

મહિલા વર્ગમાં તમામની નજર દીપિકા પર રહેશે . માતા બન્યાના 16 મહિનામાં જ તેણે શાંઘાઈમાં વર્લ્ડ કપના પ્રથમ ચરણમાં સિલ્વર મેડલ જીતીને શાનદાર વાપસી કરી હતી. મહિલા ટીમમાં તેને સમર્થન આપવા અંકિતા ભગત અને ભજન કૌર છે. પેરિસ ઓલિમ્પિકમાં આ બંને માટે પ્રથમ ઓલિમ્પિક હશે, પુરુષોની ટીમની ફાઈનલ સોમવારે શરૂ થશે જ્યારે વ્યક્તિગત એલિમિનેશન મંગળવારે શરૂ થશે. મિશ્ર ટીમની ફાઇનલ આવતા શુક્રવારે અને મહિલા અને વ્યક્તિગત ફાઇનલ તે જ સપ્તાહના અંતે યોજાશે.

મેન્સ ટીમની ક્વોલિફિકેશન સાંજે 5:45 વાગ્યે શરૂ થશે . ભારતને પુરૂષ તીરંદાજી ટીમ પાસેથી ઘણી આશાઓ છે, જેણે આ વર્ષે શાંઘાઈમાં વર્લ્ડ કપ ફાઇનલમાં કોરિયાને હરાવીને ઈતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમમાં તરુણદીપ રાય અને અગાઉના ઓલિમ્પિક સહભાગી પ્રવીણ જાધવના રૂપમાં અનુભવી ખેલાડીઓનો સમાવેશ થાય છે, જ્યારે યુવા ખેલાડી ધીરજ બોમ્માદેવરાએ એક મહિના પહેલા જ ટોક્યો ઓલિમ્પિકના સિલ્વર મેડલ વિજેતા ઈટાલીના મૌરો નેસપોલીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

લંડન ઓલિમ્પિક 2012 પછી આ પ્રથમ વખત છે જ્યારે તમામ છ ખેલાડીઓને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય પુરૂષ અને મહિલા ટીમોએ રેન્કિંગના આધારે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે, એટલે કે ભારતીય તીરંદાજો આ વખતે પાંચ તીરંદાજી સ્પર્ધાઓમાં ભાગ લેશે.

જણાવી દઈએ કે તીરંદાજી ભારતની પ્રાચીન રમત છે. ભારતમાં સદીઓથી તીરંદાજીની પરંપરા ચાલી આવે છે, પરંતુ ઓલિમ્પિકમાં તેના નિયમો તદ્દન અલગ હોય છે. ઓલિમ્પિકમાં તીરંદાજીને ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવે છે: ટારગેટ, ઇન્ડોર અને ફિલ્ડ. વિશ્વ તીરંદાજીએ આ ડિસિપ્લીન બનાવ્યા છે.

Most Popular

To Top