Sports

Paris Olympics: ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી સુરતના હરમીત દેસાઈની વિજયી શરૂઆત, મનુ ભાકર ફાઈનલમાં

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ પેરિસ ઓલિમ્પિકમાં વિજયી શરૂઆત કરી છે. સુરતના વતની ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ પોતાની રમતની શાનદાર શરૂઆત કરી હતી. તેણે પોતાની પ્રથમ મેચ જીતી લીધી છે. હરમીતે અબુ યમન ઝાયદને રસપ્રદ મુકાબલામાં હરાવ્યો હતો. હરમીતે આગલા રાઉન્ડમાં જગ્યા બનાવી લીધી છે.

ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી હરમીત દેસાઈએ ઓલિમ્પિકમાં પોતાના અભિયાનની શરૂઆત કરી દીધી છે. હરમીત દેસાઈએ પેરિસ ઓલિમ્પિકમાં ટેબલ ટેનિસના 4 ગેમના પ્રારંભિક રાઉન્ડમાં જોર્ડનના ખેલાડીને હરાવીને રાઉન્ડ ઓફ 64માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. હરમીતે મેન્સ સિંગલ્સની મેચમાં ઝાયદ અબુ યમનને એકતરફી મેચમાં 4-0થી હરાવ્યો હતો. હરમીતે 30 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-7, 11-9, 11-5, 11-5થી જીત મેળવી હતી. આ સાથે હરમીત રાઉન્ડ ઓફ 64માં પહોંચી ગયા છે.

બીજી તરફ પેરિસ ઓલિમ્પિકમાં મેન્સ સિંગલ બેડમિન્ટન ઈવેન્ટમાં લક્ષ્ય સેને ગ્રુપ Lમાં પોતાની પ્રથમ મેચ સતત 2 સેટમાં જીતીને શાનદાર શરૂઆત કરી છે. તેણે ગ્વાટેમાલાના ખેલાડી કેવિન કોર્ડનને હરાવ્યો. સેને બંને સેટ 21-8 અને 22-20થી જીત્યા હતા. લક્ષ્યે પ્રથમ ગેમ સરળતાથી જીતી લીધી હતી અને તેણે કોર્ડનને કોઈ તક આપી ન હતી. જોકે, કોર્ડને બીજી ગેમમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અંતે લક્ષ્યે કમબેક કર્યું હતું અને એકતરફી રીતે આ ગેમ જીતી લીધી હતી.

આ પહેલા ભારતની મનુ ભાકરે 10 મીટર એર પિસ્તોલ મહિલા ઈવેન્ટમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તે ત્રીજા સ્થાને રહી હતી. હવે આવતીકાલે ફાઈનલ મેચો રમાશે. મનુ ભાકર ભારતીય સમય અનુસાર બપોરે 3.30 કલાકે મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે. જ્યારે ભારતની બીજી શૂટર રિદિમા સાંગવાન 15માં સ્થાને રહી હતી.

Most Popular

To Top