વડોદરા: શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતા ઉપર પતિ સહિત સાસરીયાઓ દ્વારા દહેજ માટે ત્રાસ ગુજારી શારીરિક માનસિક ત્રાસ આપતા મામલો મહિલા પોલીસ મથકે પહોંચ્યો છે. લગ્ન બાદ છાશવારે પિયરમાંથી પૈસા લાવવા પતિ દ્વારા દબાણ કરી વારંવાર છુટ્ટા હાથે માર મરવામાં આવતો હતો. આટલુંજ નહીં સાસરીયાઓ પરણિતાના પિતાને તું ભિખારી છે. તે દહેજમાં કંઇ આપેલ નથી. તું અમારા લાયક નથી. તો તે શા માટે તારી છોકરી અહિંયા પરણાવી. તેમ કહિ અપમાન કરતા હતા. પરણીતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા હતા.
શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં પિયરમાં રહેતી પરિણીતાના વર્ષ 2010માં મેં મહિનામાં સાવલી ગામના રહેવાસી મનોજ નટુભાઈ ઠાકોર સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પિતાએ પરિણીતાને ધરવખરીનો સામાન આપ્યો હતો. લગ્નના થોડાક દિવસો બાદ બધું સારૂ ચાલ્યું હતું. પરંતુ ત્યાર બાદ સાસરીયાઓએ મેણા-ટોણા મારવાનું શરૂ કરી દીધું હતું. સાસરીયાઓ પરિણીતાને સંભળાવતા હતા કે, તારા બાપે તને કંઇ આપ્યું નથી. અમોને આનાથી સારી છોકરીઓ મળતી હતી. અમારી ભુલ થઇ ગઇ છે. તારી જોડે સગપણ કરી.. આમ કહી પરિણીતાને શારીરિક માનસીક ત્રાસ આપતા હતા. પોતાનો ઘરસંસાર ટકી રહે તે માટે પરિણીતા બધુ મુંગામોંઢે સહન કરતી હતી.
લગ્ન જીવન દરમિયાન પરિણીતાને ત્યાં બે સંતાનનો જન્મ થયો હતો. બંને વખતે પિયરમાંથી ડીલીવરી ખર્ચ લાવવા માટે સાસરીયાઓએ પરિણીતા પર દબાણ કર્યું હતું. મોટા પુત્રને ખેંચની બિમારી હોવાથી તેની તકલીફ સમજવાની જગ્યાએ સાસરીયાઓએ પરિણીતાને કહી દીધું કે. બિમારીનો તમામ ખર્ચ તારે તારા બાપ પાસેથી લાવવાનો રહેશે અને તેની પાછળ એક પણ પાઇ ખર્ચ કરવાના નથી. બાળકની બિમારીનો માસીક ખર્ચ રૂ. 5 હજાર પરણિતા તેના પિયર માંથી લાવતી હતી. આખરે પરણિતાએ મહિલા પોલીસ મથકમાં પતિ મનોદ ઠાકોર, સાસુ તારા ઠાકોર, જેઠ કૌશિક ઠાકોર, જેઠાણી સુદાબેન ઠાકોર રહે (કિર્તીસ્તંભ, નહેરૂભવન, મહાકાળી સેવઉસળની બાજુમાં, વડોદરા) સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.