પેટલાદ : પેટલાદ તાલુકાના રાવલી ગામમાં બે દિવસ પહેલા પરિણીતાના મોતને લઇ પિયરીયાએ હત્યાનો આક્ષેપ કર્યો છે. આ ગંભીર ઘટનાના પગલે પોલીસે સોમવારના રોજ મામલતદારની રૂબરૂમાં કબરમાંથી લાશને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી હતી. પ્રાથમિક રિપોર્ટમાં ગળેફાંસાથી મોત આવતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે, પરિણીતાએ શા માટે આપઘાત કર્યો ? કે પછી ગળુ દબાવી હત્યા કરી છે ? તે બાતે પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
બોરસદમાં રહેતી જાયદાબાનુ ઉર્ફે નસીમ લગ્ન અઢી વર્ષ પહેલા પેટલાદના રાવલી ગામે રહેતા વારીસશા મકસુદશા દિવાન સાથે થયાં હતાં. આ અઢી વર્ષના લગ્ન જીવન દરમિયાન 11મી ફેબ્રુઆરી,23ના રોજ જાયદાબાનુનું મૃત્યું નિપજ્યું હતું. આ સમયે સાસરિયાઓએ જાયેદા ઘરમાં પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્યાનું જણાવ્યું હતું. બાદમાં તેમની દફનવિધિ પણ કરી દેવામાં આવી હતી. આ ઘટનામાં શંકાસ્પદ વાત એ હતી કે, ગુલાબશા અને તેમના પરિવારજનોએ મૃતક જાયદાબાનુનો ચહેરો પણ બતાવવામાં આવ્યો નહતો. આ ઉપરાંત સમાજના આગેવાનોને બોલાવી દફનવિધિ ઝડપથી પુરી કરી દીધી હતી.
આ અંગે જાયદાબાનુના ભાઇ ગુલાબશા સલીમશા દિવાન (રહે.બોરસદ વાસણા)એ મહેળાવ પોલીસ મથકે અરજી આપી આ ઘટનાની તલસ્પર્શી તપાસની માંગણી કરી હતી. તેઓએ આક્ષેપ કર્યો હતો કે, સાસરિયાએ જાયેદાની હત્યા કરી છે. આ અરજી આધારે પોલીસે સોમવારના રોજ મામલતદારની રૂબરૂમાં કબરમાંથી જાયેદાનો મૃતદેહ બહાર કાઢી તેને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. પ્રાથમિક તારણમાં ગળેફાંસાથી મોત થયાનું ખુલતાં પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી તેના પિયરપક્ષ અને સાસરીપક્ષનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી છે. આ નિવેદન બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ સૂત્રોના જણાવ્યાનુસાર, જાયેદાના અઢી વર્ષના લગ્ન ગાળામાં સંતાન પ્રાપ્તિ ન થતાં જેને લઇને પરિણીતાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. બંને – પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ હતો કે નહીં તે બાબતે તપાસ ચાલી રહી છે. સોમવારના રોજ પરિણીતા જાયેદાનો મૃતદેહ કબર ખોદીને બહાર કાઢીને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલ ખાતે પેનલ ડોક્ટર દ્વારા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પરિણીતાનું મોત ફાંસો ખાઈને થયું હોવાનું ખુલવા પામ્યું હતું.