Gujarat

વિધાનસભાની બહાર કોંગ્રેસનો હલ્લાબોલ, પોલીસની ઝપાઝપીમાં પરેશ ધાનાણીને ઇજા

રાજ્યમાં તાજેતરમાં આવેલા તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્તો સાથે સહાયની ચૂકવણીમાં સરકાર દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો, અને વાવાઝોડામાં થયેલા નુકસાન સહાય ચૂકવણી વિસંગતતાઓ અને અનિયમિતતાઓ દૂર કરી ગેરરીતિ આચરનાર જવાબદારો સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી સાથે કોંગ્રેસના ધારાસભ્યો કાર્યકરોએ વિધાનસભા બહાર હલ્લાબોલ કર્યો હતો.

આ દરમિયાન પોલીસે ટીંગાટોળી કરીને વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા સહિત 25 જેટલા ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી હતી. ઝપાઝપી અને ધક્કામુક્કીમાં પોલીસ સાથેના ઘર્ષણમાં પરેશ ધાનાણીને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. રાજ્યમાં તાજેતરમાં જ આવેલા તૌકતે વાવાઝોડામાં અસરગ્રસ્ત થયેલા લોકોને સહાય ચૂકવણી બાબતમાં સરકાર દ્વારા વ્હાલા -દવલા નિતી અપનાવવામાં આવી હોવાનો ગંભીર આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો હતો.

આજે સવારે વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની ઓફિસમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળી હતી. જેમાં આશ્ચર્યજનક કાર્યક્રમ ઘડીને વિધાનસભા બહારથી બહાર પરેશ ધાનાણી, અમીત ચાવડા સહિત 25 જેટલા ધારાસભ્યો અને સંખ્યાબંધ કોગ્રેસ કાર્યકરોએ ધરણા પ્રદર્શન યોજી વિરોધ પ્રદર્શન કર્યો હતો. આ દરમિયાન પોલીસે વિરોધ કરી રહેલા ધારાસભ્યો, કાર્યકરોને અટકાવ્યા હતા, તે દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ થતા પરેશ ધાણાનીને માથાના ભાગે ઇજાઓ થઇ હતી. જ્યારે ઈલેક્ટ્રોનિક મીડિયાના કેટલાક કેમેરામેનને પણ સામાન્ય થવા પામી હતી. પોલીસે પરેશ ધાનાણી અમિત ચાવડા સહિત 25 જેટલા ધારાસભ્યો અને સંખ્યાબંધ કાર્યકરોની અટકાયત કરી હતી.

બીજી તરફ આ સમગ્ર મામલે પરેશ ધાનાણી દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણી ને પત્ર લખી રજૂઆત કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કરવામાં આવેલી રજુઆતમાં નુકસાન અંગે જાહેર થયેલા પેકેજમાં નક્કી કરાયેલા ધારાધોરણ મુજબ સહાય ચૂકવવામાં આવતી નથી કેશડોલ ચૂકવણીમાં અમુક ગામોમાં 100% કેશડોલ્સ ચુકવવામાં આવી છે જ્યારે અમુક ગામમાં સો ટકા કેશડોલ ચુકવાઇ નથી.

આ ઉપરાંત ખરેખર અસરગ્રસ્ત થયેલા લોકોને હજુ એક પણ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી નથી મકાન સહાય ચૂકવણી માં ભારે અનિયમિતતા અને ગેરરીતિ આચરવામાં આવી છે. રાજુલા વિસ્તારમાં વ્યાપક નુકસાન થયેલ હોવા છતાં સહાય ચૂકવવામાં વિસંગતતાઓ જોવા મળે છે. હજુ સુધી ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી વિષયક વીજ પુરવઠો પ્રસ્થાપિત થઈ શક્યો નથી.

Most Popular

To Top