Charchapatra

શ્રાધ્ધપક્ષમાં તૃપ્ત થતા પિતૃઓ કે કાગડાઓ?

ભાદરવો મહિનો આવે એટલે કાગડાઓ બધાને યાદ આવે. બધા લોકો કાગડાના સ્વરૂપે પોતાના મૃતક પિતૃઓને ખીર-પુરી ખવડાવે. એમ તો કાગડાનો અવાજ અને રૂપ-રંગને કોઇ પસંદ કરતું નથી. પરંતુ શ્રાધ્ધ પક્ષના પંદર દિવસ કાગડાની પણ ખૂબ બોલબાલા હોય છે. શ્રાધ્ધમાં માણસો કાગડાને શોધે અને કાગડાઓ માણસે બનાવેલી ખીર શોધે. જીવતા – જીવત દાદા – દાદી (પિતૃઓ)ને કયારેય ભાવનાં ભોજન પિરસાયાં ન હોય! કયારેક મનપસંદ ભોજનની માંગણી પણ કરી હોય તો ખંચકાતા હૃદયે પૂર્ણ કરતાં પુત્ર-પુત્રીઓ શ્રાધ્ધ પક્ષમાં કુટુંબીઓને ખીર-પુરી જમાડે છે.

કાગડા કે ગાય – કૂતરાને વાસ મૂકે છે અને પોતાના મનની શાંતિ અનુભવે છે કે પિતૃઓનું શ્રાધ્ધ કરી તેઓ ધન્ય થઇ ગયા! પરંતુ જેમને જીવતાજીવત સમ્માન ન આપ્યું, એમને મૃત્યુપર્યંતના શ્રાધ્ધ અને વિધિઓ કઇ રીતે પહોંચશે?  માટે માતા-પિતા / દાદા – દાદીના દરેક મોજશોખ  પૂરા કરવા જોઇએ. કારણ કે મૃત્યુ પછીના ખીર-પુરીના શ્રાધ્ધ એ માત્ર વર્ષોથી ચાલી આવતી માત્ર પરંપરા જ છે. એનાથી પિતૃઓ તૃપ્ત ન થાય માત્ર કાગડાઓ જ તૃપ્ત થાય છે!
અમરોલી           પાયલ વી. પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top