એક ગરીબ પિતાએ પોતાના દીકરાની ૧૬ મી વર્ષગાંઠે તેને પાસે બેસાડીને જન્મદિનની ભેટ રૂપે, હાથમાં એક ચિઠ્ઠી આપતાં કહ્યું, ‘દીકરા, આ ચિઠ્ઠીમાં મેં સારા જીવન માટે ઉપયોગી ત્રણ એકદમ મહત્ત્વની વાત લખી છે અને તું આ ત્રણ વાત જીવનમાં ક્યારેય ભૂલતો નહિ.’ છોકરાએ ચિઠ્ઠી ખોલી અને વાંચી તેમાં લખ્યું હતું — વ્હાલા દીકરા, તારા જીવનમાં તું નીચે જણાવેલી ત્રણ વાત ક્યારેય ભૂલતો નહિ.—૧. હંમેશા સર્વોત્તમ ખોરાક ખાવો …૨.— હંમેશા સૌથી આરામદાયક ખાટલામાં સૂવું ….૩.— હંમેશા સૌથી શ્રેષ્ઠ ઘરમાં રહેવું. ચિઠ્ઠીમાં આટલું જ લખ્યું હતું. દીકરાને આ ચિઠ્ઠી વાંચી નવાઈ લાગી. તેણે પોતાના પિતાને પૂછ્યું, ‘ પિતાજી, આપણે તો ગરીબ છીએ. માંડ માંડ બે ટંક જે મળે તે ખાઈએ છીએ તો પછી હું આ ચિઠ્ઠીમાં તમે જણાવેલી ત્રણ વસ્તુઓ કઈ રીતે કરી શકીશ.
બધું સર્વોત્તમ અને શ્રેષ્ઠ મેળવવા કેટલા બધા પૈસા જોઈએ અને આપણી પાસે તો પૈસાની કમી છે.’ પિતાએ કહ્યું, ‘દીકરા, મારી વાત બરાબર સાંભળ અને ચિઠ્ઠીમાં છુપાયેલો મર્મ સમજ. પહેલી વાત માટે જો તું જયારે એકદમ ભૂખ્યો હોઈશ ત્યારે જ ભોજન કરીશ તો દરેક ભોજન તને સૌથી સ્વાદિષ્ટ જ લાગશે. ભૂખ લાગે ત્યારે જે ખાઈએ તે સર્વોત્તમ આહાર છે. બીજી વાત માટે જો તું ઈમાનદારીથી સખત મહેનત કરીશ અને તનતોડ મહેનત કર્યા બાદ થાકી જઈશ ત્યારે તને એવી મીઠી ઊંઘ આવશે, જાણે તું સૌથી આરામદાયક ગાદલામાં સૂતો હોઈશ અને ત્રીજી વાત માટે જો તું વિનમ્ર અને પ્રેમાળ બનીશ અને બધાને સન્માન આપી તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર કરીશ તો તું તેમના હ્રદયમાં સ્થાન પામીશ અને કોઈના હ્રદયમાં રહેવું એ સૌથી શ્રેષ્ઠ છે.’
દીકરો પિતાની વાત ધ્યાનથી સાંભળી અને સમજી રહ્યો હતો. ત્યાં માતાએ આવીને કહ્યું, ‘દીકરા, આ ત્રણ બાબત માટે વધુ પૈસાની જરૂર નથી. જરૂર છે સાદગી, ભરપૂર પરિશ્રમ અને પ્રેમની…તું સાદગીપૂર્ણ ભૂખ લાગે ત્યારે સાત્ત્વિક ખોરાક ખાઇશ તો સ્વાસ્થ્ય સારું રહેશે. તું સખત પરિશ્રમ કરીશ તો થાકી ગયા બાદ સારી ઊંઘ આવશે જ અને કરેલી મહેનત ક્યારેય એળે જતી નથી એટલે તને તેનું સારું ફળ પણ મળશે જ અને બધાને તું ભરપૂર પ્રેમ કરીશ અને દિલથી માન આપીશ તો તને બધાના દિલમાં સ્થાન અને માન, પ્રેમ મળશે જ.’ માતા–પિતાએ દીકરાને જીવન જીવવાની સાચી રીત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.