Charchapatra

વાલીમિત્રો સાવધાન! કોરોના વધી રહ્યો છે

દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના નવા કેસ રોજ વધતા જાય છે. સાથે જ રાજ્યમાં પણ છેલ્લા દસ દિવસમાં કોરોનાનાં નવા ૬૬૨ કેસ આવ્યા છે અને તેમાં પણ કોરોનાની ઝપેટમાં છેલ્લા દસ દિવસમાં 33 વિદ્યાર્થીઓ આવી ગયા છે. સુરતમાં ઓફ લાઈન શાળાઓ શરૂ થઈ છે, ત્યારથી હાલ સુધીમાં કુલ ૩૩ વિદ્યાર્થીઓ કોરોનામાં સપડાયા છે અને હવે સરકાર પર માંડ-માંડ શરૂ કરાયેલી શાળાઓ થોડા દિવસો બંધ કરવા પણ દબાણ આવી રહ્યું છે. આ પરિસ્થિતિ જોતાં, એ સમજવું અઘરુ છે કે, શું ફક્ત શાળાઓમાં જ કોરોના થાય છે? હાલમાં એક બગીચાની બાજુના ખુલ્લા મેદાનમાં ઘણી મોટી સંખ્યામાં બાળકો ક્રિકેટ રમતા હતા અને તેમાંથી કોઈએ પણ માસ્ક પહેર્યું નહોતું. જો વાલીઓ પોતે પોતાનાં બાળકોને જાહેર મેળાવડામાં જતા નહીં રોકે અને કોરોનાની ગંભીરતા વિશે માહિતીગાર નહીં કરે, તો ફક્ત શાળાઓ બંધ કરવાથી કોરોના અટકશે નહીં. દરેક વાલીઓએ આ માટે નક્કર પગલાં લેવાં જોઈએ અને કડકાઈથી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવું જોઈએ. ફક્ત શાળાની કે સરકારની જવાબદારી સમજીને પોતાનાં બાળકો પ્રત્યે બેધ્યાન રાખવાથી કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે.
સુરત     – સૃષ્ટિ કનક શાહ -આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top