છેલ્લા થોડા સમયમાં સુરત સહિત ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાંથી ખૂબ મોટા જથ્થામાં એમ.ડી., કોકેઈન, ચરસ, ગાંજો જેવા ડ્રગ્સ થોડા થોડા સમયે પકડાતાં રહે છે. આ કામમાં જોતરાયેલ પોલીસ અને અન્ય કર્મચારીઓને એમના સક્રિય પ્રયોસો બદલ અભિનંદન. ડ્રગ્સની હેરાફેરી કરનારાઓમાંથી કેટલાક નાનામોટા માણસો પકડાય છે ખરા પણ આ હેરાફેરી અટકવાનું નામ નથી લેતી. ડ્રગ્સ માફિયા દ્વારા ઊભા કરવામાં આવેલ નેટવર્કમાં ડ્રગ્સના બંધાણીઓ અને કેટલાક રાતોરાત પૈસાદાર થવાના સ્વપ્નો જોતાં લોકો જલ્દી સપડાય જાય છે.
દુઃખ તો વધારે ત્યારે થાય છે જ્યારે નિર્દોષ સ્કૂલ–કોલેજના વિદ્યાર્થીઓ જાણે અજાણ્યે ડ્રગ્સના ભરડામાં ફસાય જાય છે. હાલમાં જ એક સમાચારપત્રમાં આવેલ અહેવાલ મુજબ અમદાવાદમાં ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓના યુરીન ટેસ્ટમાં કોકેઈનના અંશ મળ્યા. આ વિદ્યાર્થીઓ ટ્યૂશનથી આવી જમ્યા વિના બેહોશીમાં સૂઈ જતા હતા. તેમના વાણી વર્તનમાં બદલાવ જોતાં જાગૃત માતાપિતાને કઈંક અજુગતું લાગતાં ફિઝિશિયન અને સાઇકાઇટ્રીસ્ટ ડોક્ટર પાસે લઈ ગયા અને ડ્રગ્સની ચૂંગાલમાંથી બહાર લાવ્યા. આ કિસ્સો ગુજરાતનાં તમામ માતપિતાઓ માટે ચેતવણી સ્વરૂપ છે. આજકાલ સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓમાં વિવિધ વિસ્તારોમાં જઈ ચા-કોફી- નાસ્તો -સોફટ ડ્રિંક્સ પીવાનું ચલણ સુરત, અમદાવાદ, વડોદરા જેવા શહેરોમાં વધ્યું છે.
ત્યારે આપણાં બાળક પર અતિ વિશ્વાસ મૂકી એની જિંદગી જોખમમાં ન મૂકવી જોઈએ. આપણું બાળક ક્યાં ક્યાં જાય છે, કોની સાથે જાય છે, ત્યાં કોણ કોણ આવે છે એની માહિતી જાત તપાસ કરીને મેળવવી જોઈએ. એટલું જ નહીં, એના વર્તન વ્યવહારમાં અજુગતાપણું લાગે તો તરત જ એના ઉકેલ માટે પગલાં લેવા જોઈએ. જરૂર જણાય તો પોલીસ, ડૉકટર અને અન્ય ઉપયોગીઓનો સહકાર લેવામાં શરમ ન રાખવી જોઈએ. ફેલાયેલ ડ્રગ્સની માયાજાળ તોડવામાં સમાજનો પણ સાથ સહકાર જરૂરી છે.
સુરત – મિતેશ પારેખ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.