સુરત: બાળકોના એડમિશન અને ગુજરાત સરકારની સ્કોલરશિપ યોજના નમો લક્ષ્મી માટે રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક પુરાવા વેબસાઈટ પર ઓનલાઈન સબમીટ કરાવાના કરાયેલા આદેશ બાદ વાલીઓની દોડધામ વધી ગઈ છે. આવકના દાખલા માટે શહેરના જનસેવા કેન્દ્રો પર ધસારો વધ્યો છે.
સવારે 6 વાગ્યાથી વાલીઓ જન સેવા કેન્દ્રો પર પહોંચી જાય છે, તેમ છતાં તેઓનો નંબર લાગી રહ્યો નથી. જન સેવા કેન્દ્રો તરફથી 200 જ ટોકન આપવામાં આવતા હોવાથી વાલીઓને ધક્કો થઈ રહ્યો છે. બીજી તરફ એજન્ટો પાછલા બારણે ડોક્યુમેન્ટ મોકલાવી પોતાનું કામ બારોબાર કરાવી રહ્યાં છે. કેટલાંક એજન્ટો તો વાલીઓની મજબૂરીનો લાભ ઉઠાવી વધુ ચાર્જ વસૂલતા હોવાની બૂમ ઉઠી છે.
આજે સવારે સુરતના જન સેવા કેન્દ્ર પર આવકના દાખલા માટે લાંબી લાઈન લાગી હતી. સવારે 6 વાગ્યાથી વાલીઓ લાઈનમાં ઉભા હતા, પરંતુ બપોર સુધી જન સેવા કેન્દ્ર ખુલ્યું નહોતું. વળી, જન સેવા કેન્દ્રમાંથી માત્ર 200 જ ટોકન મળતા હતા. બીજી તરફ દલાલો, એજન્ટો થેલો ભરી ડોક્યુમેન્ટ લઈને જન સેવા કેન્દ્ર પાસે ફરતા દેખાયા હતા. દલાલોના કામ બારોબાર થતા હોવાથી લોકો રોષે ભરાયા હતા. તંત્રની ઢીલી કામગીરીથી લોકો નારાજ થયા હતા.
ધારાસભ્યએ જાતે ફરિયાદ કર્યા બાદ પણ તંત્રની કામગીરીમાં સુધારો નહીં
સુરત: વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ ગઈ તા. 15મી મે ને બુધવારના દિવસે સુરત જિલ્લા કલેક્ટરને એક પત્ર લખી વિદ્યાર્થી અને વાલીઓને આવકના દાખલા મેળવવામાં પડતી તકલીફનું નિવારણ લાવવા અપીલ કરી હતી. કલેક્ટરે પત્રને ધ્યાને લીધો કે નહીં તે તો ખબર નહીં પરંતુ લોકોની સમસ્યા દૂર કરવા ધારાસભ્ય કુમાર કાનાણી જાતે જ બીજા દિવસે વરાછાના નાગરિક સુવિધા કેન્દ્રો પર પહોંચી ગયા હતા અને કર્મચારી-અધિકારીઓને લોકો માટે સારું કામ કરવા સલાહ આપી હતી.
ત્યારે કુમાર કાનાણીએ કહ્યું હતું કે, ધો. 10 અને 12ના રિઝલ્ટ બાદ આવકના દાખલા, ક્રિમિલેયર સર્ટિફિકેટ માટે વાલી, વિદ્યાર્થીઓનો કચેરીઓ પર ધસારો થઈ રહ્યો છે. ત્યારે લોકોને તડકામાં કલાકો સુધી ઉભા રહેવું પડે છે. તેઓને ઝડપથી દાખલા મળી રહ્યાં નથી તેવી ફરિયાદ મળી હતી. આ મામલે કલેક્ટરને પત્ર લખી લોકો માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવા અપીલ કરી હતી, તેની કેટલી અસર પડી તે જોવા આવ્યો છું.
જોકે, શેઠની શિખામણ ઝાંપે જેવી હાલત થઈ છે. કુમાર કાનાણીએ એક દિવસ ઝોનની મુલાકાત લીધી ત્યારે કામ બરોબર થયું પરંતુ હવે ફરી એકવાર સ્થિતિ બગડી છે. વાલીઓ અને વિદ્યાર્થીઓ આવકના દાખલા મેળવવા માટે જન સેવા કેન્દ્રોના ધક્કાં ખાઈ રહ્યાં છે.