વડોદરા : કોરોનાના કપરાકાળ દરમિયાન પોણા બે વર્ષ બંધ રહેલી શાળાઓ ફરીથી શરૂ થઈ છે આજથી દિવાળી વેકેશન બાદ દ્વિતીય દાંતર શરૂ થવા જઇ રહ્યું છે.શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં ધોરણ 1થી5ની શાળાઓમાં ઓફ લાઈન વર્ગો શરૂ કરવાની પરવાનગી આપવામાં આવી છે. કોરોના કાળમાં 15 માર્ચ,2020થી બંધ થયેલી સ્કૂલો ખોલવા રાજ્યનાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી હતી. કોરોના ગાઇડલાઇન વચ્ચે સોમવારથી રાજ્યમાં ધોરણ 1 થી 5ની સ્કૂલો ઓફલાઇન શરૂ થશે.તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે.જોકે સ્કૂલમાં હાજરી મરજીયાત રાખવામાં આવી છે.રાજ્યમાં ધોરણ-1થી 5ના ઓફલાઈન વર્ગો અંગે રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરતા જણાવ્યું હતુ કે રાજ્યમાં આવતીકાલથી એટલે કે 22 નવેમ્બરથી ધોરણ-1થી 5ના વર્ગો શરૂ થશે. આ માટે ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.
લાંબા સમયથી ઓનલાઇન શિક્ષણ લઇ રહેલા નાના બાળકો માટે હવે કોરોના ઓછો થતા ઓફલાઇન શિક્ષણ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.જો કે બાળકોની ઉંમર નાની હોવાથી વધારે તકેદારી રાખવાની રહેશે.આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે.
સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે ધીમે-ધીમે કોરોના કેસમાં ઘટાડો થઇ રહ્યો છે ત્યારે સરકાર દ્વારા સ્કૂલ ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.પરંતુ હજુ બાળકોને કોરોના વેક્સીન આપવામાં આવી નથી માટે વાલીઓ અને સ્કૂલ સંચાલકોએ ખાસ તકેદારી રાખવી પડશે. હાલ ધો- 6 થી 9ના વર્ગોમાં પણ સંખ્યા ઓછી જોવા મળી રહી છે ત્યારે ધો-1થી5માં વાલીઓ બાળકોને મોકલશે જે નહિ તે જોવું રહ્યું.
વાલીઓની સંમતિ બાદ જ ખરી પરિસ્થિતિ ખબર પડશે
રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે. આજથી શાલો શરૂ થઈ રહી છે.ત્યારે હજી વાલીઓની સંમતિ આવ્યા બાદ જ ખરી પરિસ્થિતિ ખબર પડશે. અમે રાજ્ય સરકારે બહાર પાડેલી ગાઈડ લાઈન મુજબ જ કાર્ય કરીશું. ઉપરાંત ઓફ લાઈન અને ઇન લાઈન બન્ને માધ્યમથી શિક્ષણ આપવું પડશે. તેથી એકજ માધ્યમ નક્કી કરાય તે જરૂરી છે. બાળકોની સુરક્ષા માટે જો રસી આપવાનું શરૂ કરાય તો તે જવાબદારી શાળાઓનેજ સોંપવી જોઈએ જેથી વાલીઓની દોડા દોડ ઓછી થાય. – પરેશ શાહ, જય અંબે વિદ્યાલય
શું કહે છે વાલીઓ…
સરકારે જે નિર્ણય કર્યો છે તે યોગ્ય નથી. નાના બાળકો ગાઈડ લાઈન નું ભાન રાખી શકે નહીં અને દોઢ વર્ષથી તેઓ ઓફ લાઈન શિક્ષણ મેળવી રહ્યા છે. તેથી તેઓ અચાનક શાળાએ જઈને શિક્ષણ મેળવવા માટે માનસિક રીતે તૈયાર નથી. તેથી તેમને આ માટે તૈયાર કરવા સમય લાગશે.
– હેમેન્દ્ર સીસોદીયા, વાલી, તરસાલી
રાજ્ય સરકારે આ નિર્ણય ઉતાવળે લીધો હોય તેમ લાગે છે. કફાચ શાળા સંચાલકોના દબાણ હેતલ આવીને લીધો હોઈ શકે. જ્યારે રસી આપવામાં આવી નથી તો અચાનક જ શિક્ષણ શરૂ કરવાની જાહેરાત અયોગ્ય છે. બાળકોના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે વાલીઓ આ માટે સંમત નથી. તેથી સરકારે આ નિર્ણય પાછો ખેંચવો જોઈએ.
–દિપક પટેલ, વાલી, સમતા
આરોગ્ય વિભાગ બાળકોને કોવિડની રસી આપવાના નિર્ણયમાં ઉતાવળ કરે તે જરૂરી
અમે શાળાને તેમજ વર્ગ ખંડોને સેનેટાઈઝ કરીને રાખ્યા છે. આજથી શાળો ખુલી રહી છે. પ્રથમ દિવસે કેટલા વિધાર્થીઓ આવશે તે જોવું રહ્યું. ધો- 6 થી 9ના વર્ગો ઓફ લાઈન શરૂ કરવામાં આવ્યા બાદ 50 ટકા બાળકો વર્ગમાં રાખવાના નિર્ણય પ્રમાણે શિક્ષણ કાર્ય શરૂ કરાયું હતું. તેમાં પણ 20 ટકા જ વિધાર્થીઓ આવે છે. ઉપરાંત નાના બાળકોને રસી આપવાની વાત આરોગ્ય વિભાગ વિચારી રહ્યું છે. તો આ મામલે જલ્દીથી નિર્ણય કરે તે જરૂરી છે. નાના બાળકો શિક્ષણ કાર્ય દરમિયાન માસ્ક પહેરી રાખે તે જરૂરી છે. તેઓ અત્યાર સુધી ઓન લાઈન શિક્ષણ લઈ રહ્યા હતા ત્યારે માસ્ક પહેરતા ન હતા. તેથી તેમને માસ્કની સમજણ આપવી જરૂરી બને છે આ માટે સમયગાળો આપવો જરૂરી છે. – ભરત પરમાર, એલેમ્બિક વિદ્યાલય આચાર્ય