Gujarat

શિક્ષકોની મહેનતના પરિણામે વાલીઓ બાળકોને સરકારી શાળામાં પ્રવેશને પ્રાથમિકતા આપી રહ્યા છે- CM ભૂપેન્દ્ર પટેલ

સીએમ ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સાયુજ્ય સાધીને બાળકોને અદ્યતન ટેકનોલોજી સાથેનું સમયને અનૂકૂળ શિક્ષણ આપી શકાય એ માટે રાજ્યમાં શિક્ષણ ક્ષેત્રે આગવું યોગદાન -વિશિષ્ટ કાર્ય કરનાર વિવિધ ૧૯ જિલ્લાના અંતરિયાળ વિસ્તારના ૩૭ શિક્ષકો-સારસ્વતોને તેમના નિવાસ સ્થાને આમંત્રીને પ્રથમવાર ‘પ્રેરણા સંવાદ’ યોજ્યો હતો.

મુખ્યમંત્રીએ કહયું હતું કે કર્મના સિદ્ધાંત મુજબ આપણે હંમેશા સારા કાર્ય કરતા રહીએ તે જરૂરી છે. શિક્ષકોની સતત અને સખત મહેનતના પરિણામે આજે વાલીઓ પોતાના બાળકોને સરકારી શાળાઓમાં પ્રવેશ મળે તેને પ્રાથમિકતા આપી રહ્યા છે. શિક્ષક હંમેશા તમામ માટે પ્રેરણારૂપ હોય છે. બાળક માટે ભગવાન બાદ બીજા સ્થાને મા અથવા ગુરુ એટલે કે શિક્ષક હોય છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે કહયું હતું કે રાજ્યભરની શાળાઓમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ સત્વરે ભરવામાં આવશે. સરકાર હંમેશા નકારાત્મકતાને હકારાત્મક રીતે લઈને તેના ઉપર શિક્ષણના વિકાસ માટે કાર્ય કરી રહી છે આપણે પણ શિક્ષણમાં આ મંત્રને અપનાવવો જોઈએ.

વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું હતું કે શિક્ષકોએ બાળકોને માત્ર પુસ્તકિયા જ્ઞાન પૂરતા સિમિત ન રાખતા સાથો સાથ વ્યવહારુ જ્ઞાન પણ પીરસવું જોઈએ. સરકારી શાળામાં મધ્યાહન ભોજન ઉપરાંત મુખ્યમંત્રી અલ્પાહાર યોજના અંતર્ગત તાજો અને પૌષ્ટિક નાસ્તો આપવામાં આવી રહ્યો છે જેના પરિણામે સરકારી શાળાઓ પ્રત્યે બાળકોનો લગાવ વધ્યો છે સાથે સાથે બાળકોમાં પોષણના સ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. સરકારી શાળાઓમાં આધુનિક ક્લાસરૂમ, પાણી, વીજળી શૌચાલય, સ્વચ્છતા, ટ્રાન્સપોર્ટેશન સહિતની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં કોઈ કચાસ ન રહી જાય તે માટે રાજ્ય સરકાર હર હંમેશ કટીબદ્ધ છે.

મુખ્યમંત્રી જણાવ્યું હતું કે રાષ્ટ્રના ભાવીનો આધાર વિદ્યાર્થીઓ પર રહેલો છે ત્યારે દેશનો દરેક બાળક શિક્ષણ મેળવે તે જરૂરી છે. રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે અને દરેક બાળક શિક્ષિત બને તે માટે શિક્ષકની મહત્વની ભૂમિકા રહેલી છે. શાળા અને બાળકોના વિકાસ માટે SMC સાથે ગામના શિક્ષણપ્રેમી લોકોનો પણ વધુને વધુ સહયોગ લેવો જોઈએ જેથી શિક્ષણકાર્યને વધુ બળ મળે તેમ‌ તેમણે ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીએ કહયું હતું કે રાજયની છેવાડાની શાળામાં પણ વિદ્યાર્થીઓને ઉત્કૃષ્ટ શૈક્ષણિક સુવિધાઓ મળતી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખી અનેક યોજનાઓ અમલી બનાવી છે.

Most Popular

To Top